“રામપુરનાં જીવીબાઈ”

કારીયાણી અને ગઢપુર વચ્ચે રામપુર નામનું ગામ આવેલું છે. ત્યાંના એકાંતિક વણિકભગત કમળશીનાં પત્ની જીવીબાઈ, ખૂબ જ ભાવિક અને ભોળા સ્વભાવનાં ભલાં, પણ ખરેખરા હરિભકત હતાં.

ભકતજનને ઘરે ભગવાન પધારે તે રીતે, શ્રીજી મહારાજ મારે ઘરે કયારે પધારશે ? એમ વિચારીને, આ પ્રેમીભક્ત જીવીબાઈ તો શબરીની જેમ દરરોજ શ્રીજી મહારાજની વાટ જુવે; અને અંતરના આંતરનાદે પ્રભુને પ્રાર્થના કર્યા કરે.

અને છેવટે એક દિવસ આ ભક્તના મનોરથ પૂરવા, શ્રીજી મહારાજ ઓચિંતા જીવીબાઈને ઘેર પધાર્યા. અને શ્રીજી મહારાજે બહાર ફળીયામાંથી જ સાદ કયો, “જીવીબાઈ, જય સ્વામિનારાયણ..! શું કરો છો ? કમળશીભાઈ ઘરે છે, કે નથી ?”

ભગવાન નો સાદ સાંભળતાની સાથમાં જ જીવીબાઈ તો ઘેલા ઘેલા થઈ ગયા. ને બોલ્યા, “જય સ્વામિનારાયણ ! પધારો પધારો, મારા નાથ !”

જીવીબાઈએ ખૂબ જ મીઠો આવકાર આપ્યો અને જણાવ્યુ કે, “તમારા કમળશી ભક્ત ઘરમાં નથી, બહાર ગયા છે.”

શ્રીજી મહારાજે કહ્યું, “તો તમે રસોડામાં શું કરો છો ?”

જીવીબાઈ કહે, “મહારાજ ! હું બાજરાના રોટલા બનાવી રહી છું..!”

શ્રીજી મહારાજે કહ્યું, “ફૂલ્યા વગરના, ઘાટ વગરના રોટલા જમવાની મજા ન આવે..! તો લાવો, આજે અમે તમને રોટલા કરતાં શીખવાડીએ..!”

એમ કહીને કથરોટમાં લોટ લઈને, અંદર પાણી રેડી, મજબુત હાથે શ્રીજી મહારાજે કઠણ લોટ બાંધ્યો.

પછી થોડો થોડો પાણીવાળો હાથ કરી, લોટના પીંડાને મસળીને જીવીબાઈને કહ્યું, “આમ સાત વખત પાણી લઈને, થોડું થોડું પાણી સાત વખત લોટના પીંડામાં છંટકાવતું જવાય; તો જ રોટલો મીઠો થાય, ને જમવા જેવો બને..!”

પછી શ્રીજી મહારાજે લોટનો ગોળો બનાવી, પાતળો રોટલો ધીમા ધીમા તાપે શેકયો. અને રોટલો બરાબર વાળવા જેવો થયો, પછી ઊંધો વાળ્યો, અને ધીમા ધીમા તાપે રોટલો, બરાબર ચેડાવ્યો. તેથી એ રોટલો ફૂલીને દડા જેવો થયો. રોટલામાં એક પણ કાળો ડાઘ થયો નહિ.

શ્રીહરિ કહે, “જુવો, જીવીબાઈ ! આવી રીતે રોટલા થાય..!”

પછી શ્રીજી મહારાજ ગામના દરબારને ત્યાં પધાર્યા. એના થોડી વાર પછી કમળશીભાઈ ઘેર પરત આવ્યા, ત્યારે જીવીબાઈએ માંડીને બધી વાત કરી કે, “આપણા ઘરે શ્રીજી મહારાજ સ્વયં પધાર્યા હતા, અને રોટલા કેવી રીતે બનાવવા, તે મને શીખવી ગયા છે.”

કમળશીભાઈ તો રાજી રાજી થઈ ગયા, “આપણાં ધન્ય ભાગ્ય કે, પ્રભુ સામે પગલે આપણા ઘરે પધાર્યા. અને તેમાં તું તો વિશેષ ભાગ્યશાળી થઈ ગઈ કે, તને રોટલા બનાવતાં શીખવી ગયા. આવાં સુદર દર્શન તો જંગલના યોગીને પણ થતાં નથી; જે તમને થયા ! રોટલા ઘડતા શ્રીજી મહારાજનાં કરનાં લટકાં, તો વળી તેમની સુંદર ગજગતિ ચાલ, તે જોઈને તો ગજરાજ પણ લજ્જા પામી જાય છે.”

ત્યારે જીવીબાઈએ કહ્યું, “સાચી વાત છે ! શ્રીજી મહારાજ ની સુંદર ચાલ જોઈને, મારૂ પણ મનડું લોભાઈ ગયું.”

આમ આ રીતે શ્રીજી મહારાજે પ્રેમીભક્ત નાં મનોરથ પૂરા કર્યા.

જય શ્રી સ્વામિનારાયણ….

પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: