બાળાપીરની ગોરસી – દિનેશ સી.પ્રજાપતિ

“એ… હેંડો ગોરસી ખાવા. જડીમા, રૂખીમા, બબૂમા.. ચોં જ્યા બધાં..? પીંટુડા, ટીનીયા, બકલી બધાં હેંડો. વાટકી-ડીશ લઈ લેજો.. એ.. હેંડો..”

“અલ્યા હેંડો.. ચ્યાર તો વાજી જ્યા. હમણોં દાડોય આથમી જસે. હટ હેંડો..”

સાંજના ચારેક વાગે મહોલ્લામાં કોલાહલ થવા લાગ્યો. હું ઘરમાં સૂતાં સૂતાં બધું સાંભળતો હતો.

“ભઈ.. તાર નહીં જવુ..? વાહ નોં બધ્ધોં સોકરોં ગોરસી ખાવા જઈં સીં.. ઉઠ હેંડ જવુ હોય તો..” મને દાદીમાએ જગાડવાનો પ્રયત્ન કરતાં કહ્યું .

“જવુ સ. બધોં ને નેકળવા તો દો..” એમ કહીને હું આંખો બંધ કરીને પથારીમાં પડ્યો રહ્યો.

15-20 મિનિટમાં જ બધો કાફલો તૈયાર હતો. મરચું-મીઠું , ડીસ, વાટકા, દીવો, અગરબત્તી બધું જ ‘કમ્પ્લેટ’ છે, એવું નક્કી થઈ ગયા પછી સૌએ વગડાની વાટે પ્રયાણ આદર્યું.

“ગોરસી” એટલે ગોરસ, દહીં. ગામમાં કોઈને ત્યાં ગાય-ભેંસ વિયાય પછી એના દૂધનું સૌ પ્રથમ દહીં જમાવીને બાળાપીર દાદાને ચડાવવામાં આવે. આ પ્રસાદી રૂપી દહીંને “ગોરસી” કહેવાય. ત્યારબાદ જ બાકીના વારામાં દૂધ જમાવીને તેનું વલોણું ફેરવીને માખણ-ઘી બનાવવામાં આવે.

અમારો કાફલો ગામમાંથી નીકળીને તળાવની પાળે પાળે વગડા તરફ આગળ વધ્યો. રસ્તામાં ધીંગામસ્તી, એકબીજાને ખીજવતાં, હસતાં , કૂદતાં સૌ બાળાપીર દાદાના સ્થાનકે આવી પહોંચ્યા.

કુણઘેરથી ખારીવાવડી જતાં તળાવની પાળ ઉપર છેક સીમમાં બાળાપીર દાદાનું સ્થાનક આવેલું છે. કહેવાય છે કે બાળાપીર, અબ્દુલ્લાપીર, જીવણપીર અને ધૂડીયાપીર એ ચાર ભાઈઓ છે. બાળાપીરની નજીકમાં જ પાળની અંદરના ભાગમાં અબ્દુલ્લાપીરનું સ્થાનક છે. જીવણપીરનું સ્થાનક ગામના પાદરે વડલા નીચે અને ધૂડીયાપીરનું સ્થાનક પોલીસથાણામાં આવેલું છે.

“બોલો બાળાપીરનો જય” કહેતાં સુરાભાઈએ સ્થાનકનું બારણું ઉઘાડ્યું. પાછળ બધાંએ “જ.. ય…” બોલીને હાથ જોડતાં અંદર પ્રવેશ્યા.

“અલ્યા સુરા, પેલી ખૂણામોં હાવેણી પડી એ લાવજે, આ ધૂળ, કચરો, બધુ ચેવુ પડ્યુ સ.. લાવજે થોડું વાળીને સાફ કરું.” કહેતાં જડીમા એ સુરેશને ઈશારો કર્યો.

“લાવો, મું જ વાળી દઉં.. ઈમોં શું મોટી વાત સ..” કહીને સુરેશ પોતે જ સાવરણી લઈને વાળવા મંડી પડ્યો. ઘડીકવારમાં તો એવો સપાટો બોલાવ્યો તે ધૂળ ઉડીને અંદરનું વાતાવરણ ધૂંધળું બની ગયું. બે-ચાર જણાં તો છીંકો ઉપર છીંકો ખાઈને અધમૂઆ જેવાં થઈ ગયાં.

“અલ્યા સુરીયા..સુરીયા.. આ શું કર્યું મૂઆ. તેં તો બધુ ઉડાડીને નાક ભરી કાઢ્યોં.” જડીમા સાડલાના છેડાથી મોંઢું દબાવતાં બોલ્યાં.

“ઈમોં મું શું કરું..? એ તો ઉડવાનું હોય તો ઉડ જ ને.” કહેતાં સુરેશે સાવરણી ખૂણામાં ફેંકી. અને બહાર ભાગી ગયો. સાથે સાથે અમે બધાં પણ બહાર નીકળી આવ્યા .

થોડીવારમાં બધું ઠીક થયા પછી કામ ચાલ્યું દીવાબત્તી કરવાનું. હું અને સુરેશ અબ્દુલ્લા પીરનો દીવો કરવા ઉપડ્યા. બાકીનાં બધાં બેસવા માટે પોતપોતાની જગ્યા શોધવા લીગ્યાં.

અબ્દુલ્લા પીરે પણ બધું અવાવરુ જ પડ્યું હતું. કારણ કે આ સ્થાનકોમાં કોઈ સ્પેશિયલ માણસ રખરખાવ માટે રોકાયેલો નહોતો. કોઈ ગોરસી કે મળીદો ચડાવવા આવે ત્યારે જ અહીં સાફસફાઈ થતી.

“અલ્યા સુરા, ત્યોંથી હાવેણી લેતા આયા હોત તો હારુ હતું. ઓયકણે ચેટલો કચરો પડ્યો સ..” મેં મોંઢું બગાડતાં સુરેશને કહ્યું.

“હોવ, બધુ રમણભમણ પડ્યું તો સ, પણ મું હવ નઈ વાળું.” જડીમાના વઢવાથી સુરેશ ગિન્નાયો હોય એવું લાગતું હતું.

“હારુ ભઈ, નહીં વાળવું. હટ દીવો કરી દે એટલે ઓયથી જઇએ. નકર આપડા ભાગમાં ગોરસી થાડીક જ આવશે.” કહીને મેં સુરેશને ઉતાવળ કરવા કહ્યું .

સુરેશને પણ ચિંતા થઈ. ‘ક્યાંક ગોરસી ભાગમાં ઓછી આવશે તો ફેરો માથે પડશે.’ એ બીકે એણેય થોડી ઉતાવળ આદરી. ફટાફટ હાથેથી ગોખલો, કોડાયું વગેરે સાફ કરીને દીવો-અગરબત્તી કરીને સુરેશ બોલ્યો , “લ્યો હેંડો, પતી જ્યું.”

“વાહ સુરા વાહ. શી તારી ઝડપ. હેડો ત્યારે .” કહેતાં હું અને સુરેશ ત્યાંથી બાળાપીર તરફ પાછા ફર્યા.

આ વિસ્તાર તળાવનો જ એક ભાગ છે. પરંતુ અહીં દેશી બાવળ એટલા બધા કે જંગલ જ લાગે. વરસાદી ૠતુને લીધે ચારેકોર લીલી ચાદર પથરાઈ ગયેલી. બાવળ પણ નાહીધોઈને ચોખ્ખા થઈ ગયેલા. ત્યાં આજુબાજુમાં વખડાનાં ઝાડ પણ હતાં. પાળની ટેકરીઓ તો જાણે નાના નાના ડુંગર જ જઈ લો. જાણે લીલા ઘાસની નાનીમોટી ઢગલીઓ પડી હોય એવું લાગે.

જંગલના માહોલને નિહાળતા, પંખીઓના કલરવને સાંભળતા અમે એક ખીજડા નીચેથી પસાર થયા. સુરેશે નીચું ઘાલીને ચાલવાની ઝડપ વધારી. હું સમજી ગયો કે સુરેશભાઈને બીક પેઠી છે.

હા, સુરેશ સાચો હતો. કારણ કે આ એ જ ખિજડો હતો જ્યાં ભૂતનો વાસ હતો. બધા એવું કહેતા કે ત્યાં ચુડેલ અને જિન(જન) રહે છે. મોટાંઓના મોંઢે એના અનેક કિસ્સા પણ સાંભળેલા. મને પણ એ બધી વાતો યાદ આવી. એટલે કંઈપણ બોલ્યા વિના અમે બન્ને ત્યાંથી ઝટપટ નીકળી ગયા.

હાશ. બાળાપીરે આવી ગયા. પ્રસાદી ધરાવીને બધા તૈયાર જ હતા. અમારી રાહ જોવાતી હતી.

“આ બાજુ બેહી જો બે જણા. આ પથરા ઉપર.” એમ કહેતાં જડીમાએ અમને જગ્યા બતાવીને બેસવાનો ઈશારો કર્યો .

સ્થાનકની દીવાલને અડીને સૌ અર્ધ ગોળાકારમાં બેસી ગયા હતા. “લાવો હેંડો, એક એક વાટકો આવવા દો.” કહેતાં વાલીમાંએ ગોરસીનું વિતરણ ચાલું કર્યું.

અમૂક અધીરાં, નાનાં છોકરાઓ તો અડધા ઊભા થઈને પડાપડીની હદ સુધી આવી ગયાં. “મને આલજો.. મને આલજો..” કહેતાં વાલીમાની ચારેબાજુ વીંટળાઈ વળ્યાં.

“અલ્યા પણ ઓમ હેઠોં મરો કી..બધ્ધોં ને આલ્યો કઉં સુ. થોડીયે ધરપત નહીં.” છોકરાંઓની પડાપડીથી વાલીમા થોડાં ચિડાઈને બોલ્યાં. “લાય લ્યા તારો વાટકો.” કહેતાં પાછાં ગોરસીનું વિતરણ કરવા લાગ્યાં.

દસેક મિનિટમાં તો પ્રસાદ વહેંચાઈ ગયો. “હવે કોઈ બાકી સ લ્યા..?” વાલીમાએ ઝડપથી બધા ઉપર નજર ફેરવતાં પૂછ્યું.

“મું બાકી સુ.” પાછળથી સુરો અધિરાઈપૂર્વક બોલ્યો.

“અલ્યા તુયે બોલતો ચમ નહીં તાણે. લે, ઓમના લાય તારો વાટકો.” દેગડામાંથી ચમચા વડે ગોરસી કાઢતાં વાલીમાએ કહ્યું.

“પણ મારો વાટકો ચોં જ્યો..? ચીયો લઈ જ્યો લ્યા..? ” વાટકો ન મળતાં સુરો ફાંફે ચડ્યો.

“આ રયો મારા જોડે.” ગોરસી ખાતાં ખાતાં ચૂંગો બોલ્યો.

“લે, કરી કર્યા વાળી. મું હવે હાથમોં લઉં તાણે.” સુરાએ હાથનો ખોબો ધર્યો.

“હાથમોં ફાવતું હશે..? લાય પેલી બઈણીનું ઢોંકણું.” જડીમાને ચિંતા થઈ.

હાશ. બધી વ્યવસ્થા થઈ ગઈ. હવે બધાં ગોરસી ખાવામાં વ્યસ્ત થઈ ગયાં.

આ ગોરસી પણ ખરી હોં. ઘરે ખાઈએ તો ઓછી ભાવે. અને અહીંયા તો જેટલી ખાઈએ તેટલી ઓછી પડે. પ્રસાદી રુપે હોય, અંદર મીઠું-મરચું, મરી-મસાલા નાંખેલા હોય, વનવગડાનું વાતાવરણ હોય, હસીંમજાક થતી હોય, મહોલ્લાના પાસપડોસી, મિત્રો સાથે એ ગોરસી એવી તો મીઠી લાગે કે એનું વર્ણન જ ન થઈ શકે.

ક્યારેક ઓછા માણસો હોય ત્યારે પેટ ભરીને ગોરસી આરોગવા મળે. પરંતુ ક્યારેક કાફલો વધી પણ જતો. ત્યારે ભાગમાં ઓછું આવે. મનમાં અસંતોષ રહી જતો. આમ છતાં સૌ સાથે મળીને ગોરસી આરોગવાના આનંદમાં કોઈ જ કમી ન રહેતી.

થોડીવારમાં આખું દેગડું તળિયાઝાટક થઈ ગયું. હાથ-મોં ધોયા પછી ઑડકાર પણ આવવા લાગ્યા. વાસણ વગેરે સૂંડલામાં ભરતાં વાલીમાએ કહ્યું “જો અલ્યા છોકરો, હતોડીયોં બનાવો.”

બધા હડૂડૂડૂડૂડૂ કરતા ત્યાંથી ઊભા થઈને ‘સતોડીયા’ બનાવવા ઉપડ્યા.

અહીં બહુ જૂના વખતમાં કદાચ કબ્રસ્તાન હતું. તેથી આજુબાજુમાં જ્યાં જૂઓ ત્યાં બસ ઈંટો અને રોડાં જ વેરાયેલાં પડ્યાં હોય. ગોરસી ખાઈને પાછા ફરતી વખતે સૌ રોડા ઉપર રોડું ગોઠવીને ઉતરડ બનાવે. જેને ‘હતોડીયું’ કહેવાય. આ સતોડીયું બનાવતાં બનાવતાં લોકો ગાવાના રાગમાં બોલે-,

“રોડા ઉપર રોડું… મારા ભઈનું વરઘોડું..હે બાળાપીર.. મારી ભેંસને પાડીએ પાડીઓ આવજો.. અને જે મારું હતોડીયું પાડે ઈની ભેંસને પાડા પાડા આવજો..”

આ સતોડીયાં બનાવતી વખતે ‘કોણ સૌથી ઊંચું બનાવે’ એવી હોડ પણ જામે. અમારે પણ હોડ જામી. મેં અને સુરાએ સાથે મળીને પંદર રોડાંનું સૌથી ઊંચું સતોડીયું બનાવ્યું. આજુબાજુ અસંખ્ય સતોડીયાં ઊભાં હતાં.

ચૂંગો અને બીજા બે જણા ટાકોડવાની રમતે ચડ્યા. હાથથી ઢેખાળો મારીને અગાઉ કોઈકે બનાવેલાં સતોડીયાં પાડવા લાગ્યા.

“અલી જડી, તારો ચૂંગો હતોડીયોં પાડે. કશુંક કે’ તો ખરી. ” બબૂમાએ જડીમાને સાવધ કરતાં કહ્યું.

ચૂંગાની હરકત જોતાં જડીમા ગુસ્સે થતાં બોલ્યાં , “એય લોહરીયા, ઓમ હખણો રે હખણો. જોર ચમ ઝાલ્યુ રે’તુ નહી તારું.. બઉ બેકઈ કઈડતી હોય તો બાજરી વાઢવા હેંડ.”

“ઈમ તો બેટમજી આવતા હસીં.? પૂતર ને જોર આવ સ.” બબૂમાએ ટાપશી પૂરી.

એટલામાં તો વળી પાછા ફરીથી ચૂંગાએ એક સતોડીયું પાડ્યું. એ જોતાં વાલીમાએ થોડી બીક બતાવતાં કહ્યું , “અલ્યા પાપ લાગસે હોં. બાળોપીર સપનામોં આવસીં પાસા.. તારે જોવુ હોય તો જોઈ લે જે આજ.”

“ઊભો રે’જે તને આલુ.. હમણોં હાથ ભાજી નોંખ્યો હોં તારો, મોનતો નહીં કોઇનું કે’વું..” કહેતાં જડીમા એને મારવા દોડ્યાં.

પરંતુ એમ સહેલાઈથી હાથ આવે તો ચૂંગો શાનો..? જડીમા મારે એ પહેલાં તો ત્યાંથી ભાગી ગયો. બધાને શાંતિ થઈ.

“હે બાળાપીર, ભૂલચૂક માફ કરજો. હઉનું હારું કરજો. ઝટ ઝટ ગોરસી ચડાવવા આઈએ એવી દયા કરજો.” છેલ્લે પ્રાર્થના કરતાં સૌ ટેકરી ઉપરથી નીચે ઉતર્યાં. જેને ખેતર જવાનું હતું એ સીમ તરફ રવાના થયાં. અને અમે વાલીમા સાથે ઘર તરફ વળ્યા.

“પપ્પા , કાકાનો ફોન આવ્યો” કહેતાં મારી બેબીએ મને જગાડ્યો. હું ઝબકીને બેઠો થયો. આંખો ચોળીને જોયું ત્યારે સમજાયું કે આ તો એક સરસ મજાનું સપનું હતું.

હમણાં જ ગયા રવિવારે બપોરે વતનની યાદોને વાગોળતાં ક્યારે આંખ મીંચાઈ ગઈ એની ખબર જ ન પડી. પરંતુ આ બંધ આંખે મેં બાળપણમાં માણેલી મોજ ને નજરે નિહાળી.

બાળાપીરની ગોરસી તો ઊંઘમાયે યાદ આવે. એનું એક અનોખું વળગણ હતું. કોઈ એકના ઘરે ભેંસ વિયાય અને આનંદ આખા મહોલ્લામાં વ્યાપી જતો. નાનાં મોટાં સૌ સાથે મળીને ગોરસી ખાવા જતા. એ સહિયારી મોજમસ્તી હવે શહેરમાં ક્યાંથી લાવવી.?

એ ગામડાની અનોખી બોલી, માનવીઓની સાદગી, સંપીને સાથે આનંદ માણવાની ઘેલછા, એ સ્નેહની લાગણી.. અ.. હા… હા.. શું વાત કરવી.?

એ ગોરસીની મીઠાશ, આવતાં-જતાં રસ્તાની ધીંગામસ્તી, વગડાની એ રમણીયતા, બાવળનું જંગલ, એ તળાવ, એ પાળ, એ ટેકરી, બધું જ હવે ક્યાંય દૂર છૂટી ગયું છે. ક્યારેક વતનમાં જવાનું ભાગ્ય મળે છે. પરંતુ વિતેલો એ સમય, એ મિત્રો , મહોલ્લાના પડોશીઓ અને ખાસ તો એ બાળપણની મજા હવે ક્યાં શોધવી..?

આમ છતાં વતન એ તો વતન જ છે મિત્રો. એની ધરતી પર પગ મૂકીએ એટલે હૈયું બાળક બનીને માટીમાં આળોટવા જ મંડી પડે. જીંદગીનો થાક પણ ઉતરી જાય. આવું પ્યારું વતન અને એની મીઠી યાદોને કેમ ભૂલાય.??

લખનાર –  દિનેશ સી.પ્રજાપતિ, i love my Village, Kungher..

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: