“છેલ્લી પેઢી..” એક વૈભવશાળી યુગનો અંત…

“ભોલિયા… ઓ ભોલુ… ચો જ્યો બેટા..? હેંડ મંદિરે લઈ જઉં..જે જે કરવા…”

“વઉ બેટા.. આ ગાય આઈ સે ઓંગણે. રોટલો ખવડાવજો થોડો એટલે ઈને સંતોષ થાય….”

“નોનિયાન મા.. હોભળે સે લ્યા.. આ કૂતરાને બટકુ રોટલો નોંખજે બાપડાને. ભૂખ્યું લાગ સ…”

“તાણે આ નોનિયો હજુ ચ્યમ પાટણથી નહીં આયો..? અતાર હુંદી હું કરતો હસે ઈંકણીયો..? આટલું મોડું કરાતું હસે..? આ દાડોય આથમી જ્યો…”

“તને ઠીક ના હોય તો રે’વા દેજે નોનિયા.., આજ કોમે નહીં જઉં તારે.. ઠીક થાય પસી જજે તુ તારે.. ”

“નોનિયાન મા.. મારું પે’રણ ને ફાળિયું લાય તો.. ગોમમોં ભગતના ઈં જતો આઉં. બઉ દા’ડા થઈ જ્યા..”

મિત્રો, આ માત્ર સંવાદો જ નથી. હૈયાના ઊંડાણમાંથી નિકળતી સાચ્ચી લાગણીઓ છે. કેટલી ચિંતા, કેટલી કાળજી, કેટલી કરૂણા, કેટલો આદર, કેટલી ભક્તિ, કેટલી દયા, કેટલો વટ અને.. અને.. ઘણું બધું.. આ સંવાદોમાં વ્યક્ત થાય છે. કારણ કે આ શબ્દો આજીવન ગામડામાં જીવેલા અને જીવનની સંધ્યાએ પહોંચેલા એક વડીલના છે.

દોસ્તોં, આ વડીલ મારા-તમારા બધાયના ઘરમાં હશે જ. ક્યાંક દાદા-દાદીના સ્વરૂપે, ક્યાંક બા-બાપુજી સ્વરૂપે, ક્યાંક કાકા-કાકી, મામા-મામી, ફૂઆ-ફોઈ તો ક્યાંક દૂરના સંબંધી સ્વરૂપે કે કોઈ પડોસમાં પણ આપણી આસપાસ આવા વડીલો હશે જ…

આ એક એવી આખરી પેઢી છે, જે આવનારા 10-15 વર્ષોમાં આ સંસાર, આ ધરતી છાડીને ચાલી જશે. જેને આપણે હમેશાં હમેશાંને માટે ખોઈ બેસવાના છીએ.

કોઈ ભાગ્યશાળીના ઘર, પરિવાર કે પાસપડોસમાં આ આખરી પેઢીના કોઈ વડીલો હોય તો એમનું નિરિક્ષણ કરી જોજો. એમની રહેણીકરણી, એમની દિનચર્યા, એમનો ખોરાક, એમની માન્યતાઓ, એમની આદતો, એમની વાતો, એમના જીવનના અનુભવો વગેરેને જાણવા સમજવાનો પ્રયત્ન કરજો. કારણ કે આ પેઢી એક એવી ખાસ પેઢી છે, જેમની સાથે ઘણું બધું લુપ્ત થઈ જવાનું છે.

આ પેઢીના લોકો, વડીલો કેટલા અલગ જ છે મિત્રો..? આધુનિકતાથી અલિપ્ત રહીને કુદરતી જીવન જીવવાવાળા. એમને રાત્રે વહેલું સૂઈ જવું ગમે, સવારે વહેલું ઉઠવું ગમે. પરોઢે જાગીને જંગલ જવાના બહાને ચાલવું ગમે. પ્રભાતે પ્રભુનું નામ લેવું ગમે. રોટલો, દૂધ શાકભાજી, છાશ, ગોળ, ડુંગળી, ચટણી, ખિચડી જેવો સાદો ખોરાક લેવો ગમે. સમયસર જમવું ગમે. માપસર જમવું ગમે. શાંતિથી જમવું ગમે…

પરિવાર માટે સદાયને માટે ચિંતાતુર રહેનારા, આંગણાંની તુલસી કે કોઈ છોડને પાણી આપવાની ચિંતા, ઢોરઢાંખરને ઘાસચારો નિરવાની ચિંતા, ધંધા-નોકરીએથી મોડા આવનાર દીકરો કે પૌત્રની ચિંતા, ફળિયાના કૂતરાની ભૂખની ચિંતા, આંગણે આવેલી કોઈ ગાય ભૂખી ના જાય એનીયે ચિંતા.. ઘરના ઉંબરેથી કોઈ યાચક કે ગરીબ ખાલી હાથ ન જાય એની પણ ચિંતા કરનારી છે આ પેઢી.

આપણે આજે જે રીતરિવાજોને અંધશ્રદ્ધાઓ કહીને ત્યજી રહ્યા છીએ એને જીવનમાં વણી લઈ સહજ રીતે ચાલનારી આ પેઢી અને અેમના વડવાઓ કંઈ મૂર્ખ થોડા હતા..? આંંગણે તુલસી વાવવી, દેવપૂજા માટે નવી પેઢીને ટોકવી, ઘરમાં દીવાબત્તી કરવાં. રોજ મંદિરે જવું, ભજન-કીર્તન કરવાં, કીડીયારૂં પૂરવું, પીપળો, વડ, ખિજડો જેવાં વૃક્ષોને કાપવાં નહીં, જમીન પર બેસીને ભોજન લેવું વગેરે જેવી અનેક બાબતો પાછળ છૂપાયેલાં વૈજ્ઞાનિક તથ્યોને સારી રીતે જાણનારી છે આ પેઢી…

સદાય હળીમળીને રહેવું, રસ્તામાં જે મળે એને રામરામ કરવા, સુખ-દુ:ખ પૂછવાં, નાનેરાઓને માથે હાથ મૂકીને આશીર્વાદ આપવા, અન્નને પગે લાગ્યા વગર જમવું નહી, અન્નનો બગાડ ન કરવો, આ બધી રીતભાતોને એ કેવી સહજતાથી જ જીવી લે છે આ લોકો..!

એમની પોતાની એક અલગ જ દુનિયા… વાર-તહેવારોની ઉજવણી, મહેમાન-પરોણાને દિલથી આવકાર આપવો, ખેતી, ધાન્ય, ઢોરઢાંખરની ચિંતા કરવી, પૂરેપૂરી શ્રધ્ધાથી તીર્થયાત્રા કરવી, ગામમાં કોઈના મૃત્યુની મર્યાદા જાળવવી, સ્નાનસૂતક, કે સૂવાવડના નિયમો પાળવા, વગેરે જેવા સનાતન ધર્મના નીતિનિયમો મુજબ જ સહજતાથી જીવન જીવનારી આ પેઢી હવે ઝાઝો સમય નથી રહેવાની.

એમને જૂના લેન્ડ લાઈન ફોન જ ગમે. ડાયરીમાં ફોનનંબર લખવા ગમે. રોન્ગ નંબર હોય તો પણ ઉગ્ર થયા વગર હળવાશથી વાતો કરી લે. છાપું દિવસમાં ત્રણ-ચાર વાર વાંચી લે. કપડાંને થીગડું હોય તો પણ ચલાવી જ લે, જૂત્તાંને પણ બે-ત્રણ વખત સંધાય ત્યાં સુધી તો પહેરી લે. એમના આ સાદગીભર્યા જીવનને આપણે સૌ હવે પછીના ભવિષ્યમાં ક્યારેય જોઈ શકવાના નથી…

એમનો પહેરવેશ પણ સાવ ગામઠી. માથે ફાળિયું, શરીર પર સફેદ પહેરણ, નીચે સફેદ ધોતિયું, કેડમાં કંદોરો, કંદોરામાં એકાદ નાનું ચપ્પુ કે ચિપિયો પણ બાંધેલ હોય જ. કોઈકના કાન વિધાવેલા હોય. કોઈકના કાનમાં કડી કે મૂંગા પણ પહેરેલા હોય. કોઈના ગળામાં કે હાથના કાંડામાં કોઈ દોરો બાંધેલો હોય. ઘરની બહાર નિકળે એટલે અપ ટુ ડેટ પહેરવેશ પહેરીને જ નિકળે. આ પોશાક અને આ અનોખો વટ હવે પછી ક્યારેય પાછો આવવાનો નથી…

હમેશાં અગિયારસ, બીજ યાદ રાખનારા, પૂનમ કે અમાવાસ્યાના દિવસે દાન-પૂણ્ય કરનારા, કોઈ સંત, કોઈ મહાત્મા કે ગુરૂદેવની સમાધિ પર આસ્થા રાખનારા, સદાય લોકલાજ કે સમાજથી ડરનારા, સદાય સમાજની સાથે જ જીવનારા, પાપ-પૂણ્યમાં વિશ્વાસ રાખનારા, જૂની-પૂરાણી વસ્તુઓનો મોહ ના છોડનારા, બંડી અને ચશ્મા પહેરનારા આ લોકો થોડા જ સમય પછી આપણાથી હમેશાં હમેશાં ને માટે વિદાય લેવાના છે.

ખેતર-વગડાનો મોહ તો એમનાથી છૂટે જ નહીં. ગરમી-ઠંડીમાં પણ ખેતરો ખૂંદે, ખેતી-પાકની સંભાળ રાખે, વાડકાંટો કરે, વરસાદનું પાણી બચાવે, ભૂત-પ્રેતોની વાતોમાં પણ વિશ્વાસ કરે, દૈવી શક્તિઓના પરચાઓની વાતો તથા તેમના ચમત્કારોની વાતોય એમની પાસેથી સાંભળવા મળે, દરેક રોગોનો ઘરગથ્થુ ઉપચાર પણ જાણતા હોય. વાડમાં કે વનવગડામાં ઉગતી કઈ વનસ્પતિનો શાકભાજીમાં પણ ઉપયોગ કરી શકાય, કઈ વનસ્પતિને કાચી જ ખાઈ શકાય, વગેરેની આત્મસૂઝ ધરાવનારા આ વડીલોની સાથે જ આ આત્મસૂઝ પણ અલોપ થઈ જવાની છે…

મિત્રો, શું આપ જાણો છો..??? આ લોકો ધીરે ધીરે આપણો સાથ છોડીને જઈ રહ્યા છે… એક અનોખી વિરાસત એના અંતિમ પડાવ તરફ આગળ વધી રહી છે. અને અફસોસ પણ એ વાતનો છે કે એમને જતા આપણે રોકી શકવાનાય નથી. (શું આપના ઘરે પણ આવું કોઈ વડીલ છે..??? જો હા…..તો….હવે વખત ગૂમાવશો નહીં, એમનું ધ્યાન રાખજો, સેવા કરજો, એમને માનપાન આપજો, કાળજી રાખજો. પાસે બેસીને એમના અનુભવોને સાંભળજો…

નહીંતર એક મહત્વની શીખ, એક મહત્વનું જ્ઞાન, વિજ્ઞાન, ઉપદેશ બધું જ એમની સાથે ચાલ્યું જશે. અને એ શીખ છે – સંતોષી જીવન જીવવું, સાદગીપૂર્ણ જીવન, પ્રેરણાદાયી જીવન, મિલાવટ કે બનાવટ રહિત જીવન, ધર્મ અને અધ્યાત્મના માર્ગ પર ચાલનારૂં જીવન, સૌની ચિંતા કરનારું આત્મિયતાભર્યું જીવન, સૌ સાથે રહીને, સૌ ભેગા મળીને જીવન જીવવું…..

મિત્રો, આ છેલ્લી પેઢીને સાચવજો…, એમના સાંન્નિધ્યને માણી લેજો…, એમની છત્રછાયા તળે જીવાય એટલું જીવી લેજો… કારણ કે આ પેઢીને આપણે ફરીથી ક્યારેય, ક્યારેય પણ જોઈ શકવાના નથી…

છેલ્લે એટલું જ કહેવાનું કે-

સંપત્તિ પ્રયત્ન વગર રાતોરાત આવી શકે… પરંતુ સમજણ અને સંસ્કાર આવતાં તો પેઢીઓ લાગે છે…

પોસ્ટ સ્ત્રોત : i love my Village, Kungher- Dkumar Prajapati

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: