બ્રેનડેડ જાહેર સુરતનાં યુવકનું હૃદય 269 કિમીનું અંતર માત્ર 70 મિનિટમાં કાપીને મુંબઈ ખાતે 40 વર્ષીય મહિલામાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું

29મી ઓક્ટોબરના રોજ બીઆરટીએસ બસની અડફેટે આવી બ્રેનડેડ જાહેર થયેલા 22 વર્ષીય યુવકના અંગોના દાનથી 6ને નવજીવન આપી માનવતા મહેકાવી છે. જ્યારે હૃદયનું દાન મુંબઈ ખાતે 40 વર્ષીય મહિલામાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે, 269 કિમીનું અંતર માત્ર 70 મિનિટમાં કાપીને હૃદયને મુંબઈ પહોંચાડવામાં આવ્યું હતું.

ગત 29મીના રોજ પીપલોદમાં આવેલી શ્રીરામ વિલામાં રહેતો સુરજ બાબુભાઈ બહેરા(ઉ.વ.22) લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયન પાસે રસ્તો ક્રોસ કરતા બીઆરટીએસ બસની અડફેટે ચડ્યો હતો. માથામાં ગંભીર ઈજાના કારણે બેભાન હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તપાસ કરતા સુરજના મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો અને સોજો હોવાનું જાણવા મળ્યું હતું. દરમિયાન 1 નવેમ્બરના રોજ સુરજને બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યો હતો.

યુવક બ્રેનડેડ જાહેર કરાતા ડોનેટ લાઈફની ટીમ પહોંચી હતી અને અંગદાન અંગે પરિવારને માહિતી આપી હતી. પરિવારજનોએ જણાવ્યું હતું કે, અમે સામાન્ય પરિવારના માણસો છીએ. જીવનમાં અમે કોઈપણ ચીજવસ્તુનું દાન કરી શકીએ તેમ નથી. અમારો દીકરો બ્રેનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિત જ છે, ત્યારે તેના અંગોના દાન થકી કિડની, લિવર, હૃદય નિષ્ફળતાના દર્દીઓને આપી અમારો પુત્ર પાંચ-સાત વ્યક્તિઓમાં જીવિત રહેશે તેનો અમને સવિશેષ આનંદ છે. પરિવારની સંમતિ મળ્યા બાદ હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓના દાન કરવામાં આવ્યા હતા.

દાન કરાયેલા અંગો પૈકી હૃદયને મુંબઈ મોકલવામાં આવ્યું હતું. સુરતથી ગ્રીન કોરિડોરમાં એરપોર્ટ અને એરપોર્ટથી મુંબઈ ત્યારબાદ મુંબઈ એરપોર્ટથી ગ્રીન કોરિડોરમાં હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યું હતું. સુરતમાંથી આ 24માં હૃદયનું દાન કરવામાં આવ્યું હતું અને 269 કિમીની રસ્તો માત્ર 70 મિનિટમાં કાપી મુંબઈની હોસ્પિટલમાં સુરતની 40 વર્ષીય મહિલામાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.

સુરતમાંથી અત્યાર સુધીમાં 24 હૃદયના દાન કરવામાં આવ્યા છે. જેમાંથી 18 મુંબઈ, 3 અમદાવાદ, 1 ચેન્નઈ, 1 ઈન્દોર, 1 હૃદય નવી દિલ્હી મોકલવામાં આવ્યા છે. જ્યારે સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી 347 કિડની, 139 લિવર, 7 પેન્ક્રીઆસ, 24 હૃદય, 4 ફેફસા અને 252 ચક્ષુઓ દાન મેળવીને 709 લોકોને નવજીવન અને રોશની આપવામાં આવી છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: