આ રીતે થઈ હતી સૌરાષ્ટ્રના ગોંડલની સ્થાપના

રાજકોટના ઠાકોર સાહેબ શ્રી મેહરામણજીના ફટાયા કુંવર કુંભાજીએ ઈ.સ. 1634 માં ગોંડલી નદીના કિનારે ગોંડલ રાજ્યની સ્થાપના કરી હતી. સમયાંતરે પેઢી દર પેઢી સંગ્રામસિંહજી જાડેજાના પુત્ર ભગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજાએ ગોંડલની ગાદી સંભાળી અને ગોંડલના વિકાસનો એક નવો યુગ શરૂ થયો.

 

 

  • ગોંડલના રાજવી ભગવતસિંહજીનો જન્મદિવસ
  • આજે પણ પ્રજા યાદ કરે છે તેમના કાર્યોને
  •  નગર આયોજન મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ

મહારાજા ભગવતસિંહજી ગોંડલના મહારાજા હતા. તેમનો જન્મ 24 મી ઓક્ટોબર 1865ની કારતક સુદ પાંચમના રોજ ધોરાજી ખાતે થયો હતો. માતા મોંઘીબા અને પિતા સંગ્રામસિંહ ભાણજી જાડેજાને ત્યાં પુત્રરત્ન પ્રાપ્તિ થતાં આનંદ અપાર હતો. સમય જતાં ભગવતસિંહજીએ નવ વર્ષની ઉંમરે રાજકોટની જાણીતી રાજકુમાર કોલેજમાં પ્રવેશ મેળવ્યો. ત્યારબાદ 1884 માં ગોંડલ રાજ્યની તેમણે ગાદી સંભાળી.

1892 માં ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી પદવી

ભગવતસિંહજી જાડેજાને 4 રાણીઓ હતા. જેમાં પટરાણી સાહેબ નંદકુંવરબા (ધરમપુરના કુંવરી) બીજા રાણીસાહેબ વાંકાનેરના કુંવરી ત્રીજા રાણીસાહેબ મીણાપુરના કુંવરી ચોથા રાણીસાહેબ ચુડાના કુંવરી હતા. 1885 માં મુંબઈ યુનિવર્સિટીના ફેલો. 1886 માં વૈદકીય જ્ઞાનસંપાદન માટે સ્કોટલેન્ડનો પ્રવાસ ખેડ્યો હતો. 1892 માં ઓક્સફર્ડ યુનિવર્સિટી તરફથી ડી.સી.એમ.ની પદવી 1895 માં એડિનબરો યુનિવર્સિટી તરફથી આર્યુવેદનો સંક્ષિપ્ત ઇતિહાસ પર એમ.ડી. સુધીનું શિક્ષણ તેમણે પ્રાપ્ત કર્યું હતું.

ભગા બાપુના ‘થાકલા’ આજે પણ હયાત છે ગોંડલના પાદરમાં 

એક વખત જ્યારે તેઓ છૂપા વેશે પોતાના નગરની યાત્રાએ નીકળે છે ત્યારે એક વૃધ્ધા તેમને સાદ પાડીને ઘાસનો ભારો માથે ચઢાવવા આજીજી કરે છે. રાજા હોવા છતાં પણ તેમણે હોદ્દાની પરવાહ કર્યા વગર તે વૃધ્ધાને માંથે ભારો ચઢાવવામાં મદદ કરે છે. ત્યારે તેણીના મોઢાંમાંથી શબ્દો સરી પડે છે તે આપણા ભગવતસિંહ બાપુ જો થાકલા કરી આપે ને તો આ ભારો ચઢાવવા માટે કોઇની મદદ ના લેવી પડે. મહારાજાએ આ વાત સાંભળી અને પોતાનો પરિચય આપ્યા વિના તરત જ તેમણે પૂછ્યું આ ‘થાકલા’ એટલે શું..?.

વૃદ્ધાએ જવાબ વાળ્યો કે માણસની ઉંચાઇ જેટલા 2 પત્થર ઉપર એક આડો પત્થર એટલે થાકલાં. જે વટેમાર્ગુનો થાક ઉતારે છે અને કોઇ ભારો લઇને નીકળે તો ત્યાં રાખીને આરામ કર્યા પછી જાતે જ માંથે ચઢાવી શકે તેવી વ્યવસ્થા. મહારાજાએ વાત સાંભળીને વિદાય લીધી અને રાજના એન્જીનીયરને બોલાવી તાત્કાલિક અસરથી થાકલાં બનાવવાની સુચના આપી.

રાષ્ટ્રપિતા ગાંધીજીને મહાત્માનું બિરુદ ગોંડલ આપેલ હતું

આજે ગોંડલ વાસીઓને આ વાતની ખબર નથી સાથે આવી વૈશ્વિક ઘટનાનું ગૌરવ નથી એ કમનસીબી ગણાય.મહાત્મા ગાંધી આ દરમ્યાન ગોંડલમાં ચાર દિવસ રોકાયા અને તે સમયના ગોંડલ શહેરની નગર રચનાથી ધન્યતા અનુભવી હતી. ગૌરવવંતા ઈતિહાસને જોઈએ તો દક્ષિણ આફ્રિકાની લડતની સમાપ્તિ બાદ ગાંધીજી ૧૯૧૫ જન્યુઆરીમાં પહેલ વહેલા કાઠીયાવાડ આવ્યા હતા. રાજકોટ ધોરાજી રોકાણ કરી ૨૪ જાન્યુઆરી ૧૯૧૫ના ગોંડલ આવ્યા હતા. દિવાન રણછોડલાલ પટવારી અને વૈધરાજ જીવરામ કાળીદાસ શાસ્ત્રીને આની જાણ હોવાથી તેમણે હજારો હેન્ડબીલ છપાવી ગોંડલમાં વહેંચ્યા હતા .

ગાંધીજીને મહાત્માનાં અપાયેલ બિરુદ અંગે વિસંવાદિતા પ્રવર્તિ રહીં છે.કવિવર રવિન્દ્રનાથ ટાગોર દ્વારાં ગાંધીજીને મહાત્માની પદવી અપાઇ તેવું કહેવાયું છે. પરંતું ઇતિહાસનાં પૃષ્ઠો ફંગોળાતા જણાય છે કે ગાંધીજીને ઇ.સ.1915માં તેમની ગોંડલ ખાતેની મુલાકાત વેળાં રસશાળા ઔષધાશ્રમ તરફથી આ પદવી અપાઇ હતી. કવિવર રવિન્દ્રનાથ ટાગોરે ત્યાર પછી ગાંધીજી માટે મહાત્મા શબ્દ પ્રયોજયો હતો.

મહારાજા ભગવતસિંહજી તથાં ગાંધીજી વચ્ચે અનેરી આત્મીયતા હતી. મહારાજા અને ગાંધીજી વચ્ચે પ્રથમ પરિચય લંડનમાં થયો હતો. 1915નાં જાન્યુઆરીનાં બીજાં સપ્તાહમાં ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાની લડત પુરી કરી ભારત આવ્યાં બાદ રાજકોટ અને પોરબંદરની મુલાકાતે ગયા હતા. તા.24 થી તા.27 દરમ્યાન તેઓ ગોંડલની મુલાકાતે આવ્યાં ત્યારે રાજ્યનાં દિવાન પટવારી,વૈદરાજ જીવરામ શાસ્ત્રી(ભુવનેશ્વરી પીઠનાં પુ.ઘનશ્યામજી મહારાજનાં પિતા)તથાં રાજ્યનાં અન્ય અધિકારીઓએ ગાંધીજીનું સ્વાગત કર્યુ હતું.

ગાંધીજી ધોરાજીથી ટ્રેન દ્વારા ગોંડલ આવ્યાં હતાં. આ વેળા રેલ્વે સ્ટેશને તેમને સત્કારવા બહોળો જન સમુદાય એકઠો થયો હતો. મહારાજા ભગવતસિંહજીએ ચાર ઘોડાવાળી બગી તથા પોલીસ પાર્ટી માટે ગાંધીજીના માટે મોકલાવી હતી. આ બગીમાં ગાંધીજી કસ્તુરબા તેમના પુત્રો તથા ભત્રીજા શામળદાસ ગાંધી વગેરે બેઠા હતા. બીજી બગીમાં દિવાન પટવારી ખાનગી સેક્રેટરી પ્રાણશંકર જોષી વૈદ્યરાજ જીવરામ શાસ્ત્રી વગેરે હતા.

 

ગાંધીજીની બગી જ્યારે ક્ધયા શાળાએ એટલે કે હાલના સેન્ટ્રલ સિનેમા ચોક ખાતે પહોંચી ત્યારે મહારાજા ભગવતસિંહજી ખુદ ગાંધીજીને સત્કારવા આવ્યા હતા. ભગવતસિંહજી ગાંધીજીને ભેટી પડયા હતા બાદમાં ગોંડલની રસ શાળા ઔષધી આશ્રમ હાલની ભુવનેશ્વરી પીઠ ખાતે યોજાયેલ સમારોહમાં વૈદ્યરાજ જીવરામ કાળીદાસ શાસ્ત્રી દ્વારા રસ શાળા ઔષધ આશ્રમ તરફથી માનપત્ર અર્પણ કરાયું હતું. આ માનપત્રમા ગાંધીજીને મહાત્માની પદવી આપવામાં આવી હતી. આ સમારોહમાં મહારાજા ભગવતસિંહજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ગોંડલમાં મહારાજા દ્વારા ચાલતા અનાથ આશ્રમમાં રેશમ ઉત્પન્ન કરવાનું કામ આવતું હતું. ગાંધીજીએ અનાથ આશ્રમની મુલાકાત પણ લીધી હતી અને અભિપ્રાયમાં લખ્યું હતું કે આ આશ્રમને જોઈને મારી આંખો ઠરી છે તેની સ્વચ્છતા અને વહીવટ ખૂબ સારા લાગ્યા આમ મહાત્માના બિરુદ સાથે રાષ્ટ્રપિતા ગાંધીજી અને ગોંડલ બંને વૈશ્વિક બની ગયા.

પ્રથમ ટેલિફોન લાઇનની શરૂઆત 

ગોંડલ નરેશ ભગવતસિંહજીએ 1887 માં સૌ પ્રથમ ટેલીફોન લાઈન (દરબારગઢ થી હજૂર બંગલો) શરૂ કરી હતી. આ સાથે જ ગોંડલની પ્રજાને રેડિયો સાંભળવા માટે લાયસન્સ નહોતું લેવું પડતું તેવા અનેક કિસ્સાઓ લોકમુખે સાંભળવા મળે છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: