“પાદર” — ગામડાની એક જાજરમાન અસ્મિતા…

“પાદર” શબ્દ જ મન-હૈયાને ગામડે લઈ જવા માટે પૂરતો છે. પાદર એટલે ગામની ભાગોળ, ગામમાં દાખલ થતાં જ પથરાયેલું એક નાનકડું મેદાન. પાદર એટલે ગામડાની પહેલી ઓળખ. પાદરને ગામડામાં “ગોંદરું” પણ કહે.

પાદર એટલે ગામડાની એક એવી જગ્યા , જ્યાં પગ મૂકતાં જ મન બાળક બની જાય. પાદરની ધૂળનો સ્પર્શ થતાં જ તન આળોટવા તલપાપડ બની જાય. જીવનના ભારને ભાંગીને ભૂક્કો કરી નાંખે એ ભૂમિ એટલે પાદર. હિલોળા લેતો સ્મૃતિઓનો સાગર એટલે ગામડાનું પાદર.

આ “પાદર” પણ કેવું મજાનું હોય..! ગામમાં પ્રવેશતાં જ ખૂલ્લી જગ્યા જોવા મળે. બાજુમાં જ તળાવ હોય. તળાવના કાંઠે વડલો હોય. તેના છાંયડે ગાયો બેઠી હોય. આ ગાયો પણ બેઠી બેઠી મોજથી વાગોળતી હોય, અને એની ડોક હલવાથી ગળામાં બાંધીલી ઘંટડી રણકતી હોય. અસંખ્ય પક્ષીઓ વડલા ઉપર કલરવ કરતાં હોય.

વડલા નીચે એક બાજુ લૂહારની ધમણ ધમધમતી હોય. ઘણ-હથોડી ધણધણતાં હોય. દાતરડાં, કોદાળી, પાવડા, હળનાં ચપલાં વગેરેની મરામત થતી હોય. નાનાંનાનાં ટાબરિયાં કુતૂહલથી બધું જોતાં ઊભાં હોય.

પાદર હમેશાં જીવંત હોય. પાણીયારીઓની મલકતી ચાલ, મસ્તીખોર બાળકોની ધમાલ, ક્યાંક નાનીમોટી બબાલ, તરસ છીપાવવા ઉતાવળે ભાગતાં પશુઓના બેહાલ, કુદરતની કમાલથી પાદર હમેશાં ભર્યું ભર્યું જ લાગે.

પાદરની આજુબાજુ વાડા હોય. બહાર નીકળતાં જુદીજુદી સીમમાં જવાના અને અંદર પ્રવેશતાં જુદાજુદા ફળિયા, મહોલ્લામાં જવાના રસ્તા હોય. કોઈ એક મુખ્ય રસ્તે ગામમાં જેમ જેમ આગળ વધીએ તેમ નાના નાના રસ્તા ફંટાતા જાય. મકાન, ખોરડાંઓની સંખ્યા વધતી જાય. અને પાદરની વિશાળતા અહીં સંકડાતી જાય. કોઈ ઘરના આંગણામાં પહોંચતાં તો પાદર સાવ બાળ સ્વરૂપમાં જ સમાઈ જાય.

પાદર શબ્દ સાંભળીએ એટલે સૌથી પહેલું બાળપણ જ યાદ આવે. બાળપણના ભેરૂબંધો સાથેની ભરપૂર મસ્તીનો અખાડો એટલે મારા વતન કુણઘેરનું પાદર. કીટ્ટા-બૂચ્ચાની અદાલત એટલે આ પાદર. મોકળા મનથી મનખાને મ્હાલવાનું મનગમતું એકમાત્ર સ્થળ એટલે મારા ગામનું પાદર.

સાવ નાના હતા ત્યારે બા-બાપુજી સાથે વહેલી સવારે ખેતરે જતાં પાદરની ઠંડી ઠંડી રેતનો સ્પર્શ માણવાની ખૂબ મજા પડતી. ચાલતાં ચાલતાં જાણીજોઈને જ ચપ્પલ કાઢી નાંખીને થોડીવાર ઊભા રહી જવાનું, પછી પગને રેતીમાં દાટી દેવાના, મૂઠ્ઠીમાં કે ખોબામાં પાદરની રેતને ભરીને પછી ધીરી ધારે એને જમીન પર વહેતી કરવાની, ક્યારેક જમીન સુધી સાવ નીચા નમીને ગાલ અડાડીને ધૂળની શીતળતા પામવાની, તો ક્યારેક બંને હાથથી રેતને આકાશમાં ઉડાડીને હૈયાના હરખને વ્યક્ત કરવાની મજા જ કંઈક ઓર હતી.

થોડા મોટા થયા એટલે સ્વતંત્ર રીતે પાદરે આવતા અને રમતા થયા. નવાનવા ભેરૂબંધો જોડાતા ગયા, નવી નવી રમતો રમાતી ગઈ. પાદરની રેતમાં જ પકડદાવ, લંગડી, કબડ્ડી, સાતોડીયું, એરંડો, નદી-પર્વત, મીયાંફૂસકી, ટામેટું રે ટામેટું, આવરે કાગડા કડી પીવા, સાત કૂંડાળીયું, મરઘીનાં ઈંડાં, ગીલ્લીદંડો, ખારી, પડછાયો, ઘોડાકૂદમણી, કોચણીયું વગેરે જેવી દેશી રમતો રમવાનો જે આનંદ હતો એનું વર્ણન જ કેમ કરવું..! વળી પાદરના વડલે આંબલીપીપળી રમતા. વડ પર ચડવાનું, ટેટા , કૂણાં પત્તાંમાં મીઠું-મરચું ભભરાવીને ખાવાનું, વડવાઈએ મોજથી હીચવાનું, પડવાનું, ભાંગવાનું, લડવાનું ને પાછા એક થઈ જવાનું, આ બધી જ ઘટનાઓનો અડ્ડો એટલે મારા કુણઘેરનું પાદર. દિવસભર રમીએ તોય મન ન ભરાય. સાંજે ઘરે જઈને જમીને સૂઈ જઈએ ત્યારે નીંદરમાં પણ પાદર પોકારતું જ હોય.

ગામના દરેક સારા-નરસા પ્રસંગોનું મૂક સાક્ષી પણ આ પાદર જ. કોઈ દીકરાની જાન જવાની હોય ત્યારે વેલડું અહીંથી જ જોતરાય. અને ગામની દીકરીને પરણવા આવતા વરરાજાનનું વેલડું પણ અહીંયા જ છૂટે. સંસારજીવનનાં અસંખ્ય શમણાં સજીને આવતી કંઈ કેટલીયે વહુવારૂઓને આ પાદર જ પ્રેમથી આવકારતું રહ્યું છે. અને કોડભરેલી કંઈ કેટલીયે દીકરીઓને ભારે હૈયે વિદાય પણ આ પાદરે જ આપી છે.

ભાદરવા મહિનાની અજવાળી અગિયારસે નિકળતા જોગણીમાતાજીનો રથ પણ મારા કુણઘેરના પાદરેથી જ નીકળે. અને ચૈત્ર સુદ આઠમનો માઁ બહુચરનો છ બળદ જોડેલો હાથિયો પણ આ પાદરે જ છેલ્લો આંટો મારતો જાય. અંબાજી ચાલતા જનારની પદયાત્રા પણ અહીંથી શરૂ થાય અને ગામની ઉજાણીની દૂધની ધારાવણીની શરૂઆત પણ અા પાદરના વડલા નીચેથી થાય.

પહેલાના સમયમાં ગામની ભેંસોનું ખાડું પણ અહીં એકઠું થઈને સીમમાં પ્રયાણ કરતું. અને બપોરે પાછું ફરીને આ પાદરેથી જ છૂટું પડતું. ગાયોના ધણની ઘંટડીઓ પણ અહીં સંભળાતી. ગામમાં કોઈને ત્યાં માટીનું પૂરાણ થતું હોય તો ગૂણા ઊંચકીને ગટુનાં ગધેડાં પણ અહીંથી જ પસાર થતાં. સાંઢણીઓનું ઝૂંડ અને બકરીઓનું ટોળું પણ આ પાદરે થઈને સીમ ભણી ભાગતું.

તળાવમાં પાણી પીવા જતાં ઢોર, હવાડે કપડાં ધોવા જતી વહુવારૂઓ-દીકરીઓ, દૂધનાં કેન લઈને જતો મનસૂરીનો ખટારો, ખેતરે કામ કરવા જતા ખેડૂતો-મજૂરો, લગનનો માંડવો લેવા જતું બળદગાડું, જીવણપીરના ટોઠા, બાળાપીરની ગોરસી, વેરાઈમાતાજીનો ગોળ વગેરે માનતા કરવા જતા ભક્તોની ટોળી, સરકારી દવાખાને જતાં દરદીઓ, પોસ્ટ ઑફિસથી ટપાલ લઈને જતો ટપાલી, ટંકોરાવાળો બોબડો બાવો, બાવળનો ગુંદર વીણવા જતાં ટાબરીયાંઓ, તળાવમાં ન્હાવા જતાં નિશાળિયા, ધૂળેટીની ધમાચકડી મચાવતા ઘેરૈયાઓ, આણું વળાવીને સાસરે જતી દીકરીઓ, ખેતીનો માલ ભરીને પાટણ જતી ઊંટલારીઓ, અડીયાના મેળે જવા માટે થનગનતી ટ્રેકટરની ટ્રોલીઓ, એકાદ પેસેન્જરની રાહ જોતી નરેન્દ્ર ડોકટરની જીપ, પેટનો ભાર હળવો કરવા જતા ડબલાધારીઓ વગેરે કંઈક કેટલાયના રસ્તાનો સંગમ બનીને આળોટતું મારા કુણઘેરનું પાદર કોને યાદ ના આવે..!

ગામમાં નવું જન્મેલ બાળક જ્યારે પા પા પગલી ભરતું થાય ત્યારે એનાં પગલાંની છાપને પોતાની છાતી પર ઝીલીને ખુશીથી ઝૂમતું રહ્યું છે આ પાદર. પોતાના ખોળામાં ઉછરીને મોટા કરેલા અને જીવનની છેલ્લી સફરે પ્રયાણ કરતા ગામના હરકોઈ નાગરિકને આખરી વિસામો પણ આ જ પાદર આપતું રહ્યું છે.

દુનિયા આખી ભમી આવો પણ ગામના ગોંદરે જે હાશકારો મળે એ બીજે ક્યાંય ના મળે. બા ના પાલવ જેટલી શીતળતા જો બીજે ક્યાંય મળે તો મારા ગામના પાદરના વડલાને છાંયડે જ મળે. નોકરીધંધા માટે દેશાવર જતા માનવીને ગામનું પાદર છોડવું ખૂબ જ વસમું લાગે. લળી લળીને લમણો પાછળ જ રહી જાય. દુનિયાના કોઇપણ ખૂણે રહેતા માનવીને ગામનું પાદર, એની માટીની મહેંક હરહંમેશ યાદ આવે. ક્યારેક આ યાદ આંખમાંથી આસું બનીને પણ ટપકી પડે. પાદર ક્યારેય પીછો ન છોડે.

પરિવર્તન પાદરને પણ લાગુ પડે. મારા ગામનું પાદર પણ બદલાયું છે. પાદરના જે ઘેઘૂર વડલે અમારું બાળપણ વિત્યું એ વડલો આજે એટલો ઘેઘૂર નથી રહ્યો. વડલાના છાંયડે પીરોભા લુહાર, રામો લુહાર, લાલો લુહાર સમયાંતરે પોતાની ધમણ લગાવતા, ખેતીનાં ઓજારો બનાવતાં. એ નિહાળવાની પણ એક મોજ હતી. હવે એ ધમણો પણ ખોવાઈ છે. પાદરની રેતમાં પડી-આખડીને રમતા રમતા મોટા થયા ત્યાં હવે રોડ થઈ ગયો છે. પોસ્ટ ઑફિસ બંધ થઈ ગઈ છે. વાડા હતા ત્યાં મકાનો થઈ ગયાં છે. ભેંસોનું ખાડું અદ્રશ્ય થઈ ગયું છે. વેલડાં હવે રહ્યાં નથી. જાન હવે લકઝરી બસોમાં જોતરાય છે. ગાયોની ઘંટડીઓ પણ રહી નથી. દેશી રમતોને મોબાઇલ ભરખી ગયો છે. પાણી પણ છેક ઘરના માટલામાં જ પહોંચતાં પાણીયારીઓની હેલ પાણીયારામાં જ સમાઈ ગઈ છે. બાળપણ પણ ધૂળથી દૂર ભાગી રહ્યું છે. જમીનના બિનઅધિકૃત દબાણથી પાદર સતત સંકડાતું રહ્યું છે. પરિવર્તનના પવનથી મારા ગામનું પાદર સતત રુંધામણ અનુભવતું હોય એવું લાગ્યા કરે છે.

આમ છતાં પાદર એ તો પાદર જ છે. પોતે રૂંધાતું હોવા છતાં એની ભૂમિનો સ્પર્શ આજેય હૈયાને ટાઠક આપે છે. એ જ મમત, એ જ પ્રેમ, એ જ વળગણ, એ જ જાજરમાન અસ્મિતા લઈને મારા વતન કુણઘેરનું પાદર-ગોંદરું આજે પણ એ જ મસ્તીથી આળોટતું પડ્યું છે.

એટલે જ તો એકવાર કહેવું પડે —

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: