બાજરીનો પોંક

મિત્રો, પોંક વિશે લગભગ સૌ માહિતગાર હશો જ. પોંક ને આપણે ગામઠી ભાષામાં “પૂંખ” કહીએ છીએ.

આપણે બધા જ જાણીએ છીએ તેમ જુવાર, ઘઉં નો પોંક ખૂબ જ જાણીતો છે. આમ છતાં ઘણાને બાજરીના પોંક વિશે ખબર ના પણ હોય એવું બની શકે. ખાસ કરીને જેઓ ગામડું છોડીને ઘણાં વર્ષોથી શહેરમાં રહેતા હોય એમની નવી પેઢી આનાથી અજાણ હોઈ શકે. તો અહીં બાજરીના પોંક વિશે થોડી વાત કરીએ…

મિત્રો, ભાદરવો પારાવાર તપી રહ્યો છે. સામાન્ય રીતે આ એ જ સમય છે જેમાં આપણે બાજરીના પોંકનો સ્વાદ માણી શકીએ. પરંતુ અત્યારે વરસાદની અનિયમિતતા ને કારણે બાજરીની વાવણી સમયસર થઈ શકતી નથી. જેથી બાજરી પાકવાના સમયમાં પણ થોડું આઘુંપાછું થઈ જાય છે. આથી બાજરીનો પોંક ખાવામાં પણ થોડીઘણી રાહ કદાચ જોવી પડે.

સામાન્ય રીતે આ સમયે બાજરીનો પોંક થઈ જ જાય. પોંક માટે સૌથી અગત્યની બાબત કણસલાં (કહણાં) ની પસંદગી કરવાની છે. બહુ પાકેલાંય નહી અને બહુ કાચાં હોય એવાય નહીં, મધ્યમ દાણો પાક્યો હોય એવાં ભરાવદાર કણસલાં કાપવામાં આવે. ત્યારબાદ અંગારા (ભાઠો) પડે એવાં સાંઠીકડાં ભેગાં કરીને સળગાવવામાં આવે. બરાબર ભાઠો પડે એટલે એમાં વચ્ચે ખાડો કરીને પોંક માટેનાં કણસલાંને દાટી દેવાનાં. થોડીવાર એમ જ શેકાવા દઈને પછી ભાઠામાંથી સાચવીને કણસલાં બહાર કાઢી લેવાનાં. પછી ગરમ ગરમ પરિસ્થિતિમાં જ હાથથી મસળીને એમાંથી દાણા છૂટા કરી લેવાના. ત્યારબાદ સૂપડું, થાળી કે પછી હાથથી જ એ દાણાને સાફ કરી લેવાના. હવે જે ગરમાગરમ અને ખુશ્બુદાર દાણા વધ્યા એ આપણો પોંક તૈયાર.

મિત્રો, આ તૈયાર પોંકની એવી તો મ્હેંક આવે કે મન એને ખાવા માટે અધીરું બની જાય. મોં માં પાણી છૂટે. અને ખરેખર જ્યારે પોંક ખાવા લાગીએ ત્યારે એના સ્વાદનું તો શું વર્ણન કરવું. જેમ જેમ ચાવીએ તેમ મીઠાશ છૂટતી જાય. એમાંય જો જાતે જ પોંક પાડ્યો હોય પછી એ ખાવાનો જે આનંદ આવે એની તો વાત જ ન થાય. એમાં થોડી ખાંડ ભેળવીને ખાવામાં આવે તો એની મોજ ઓર વધી જાય.

ઘણા લોકો ઘરે લાવીને પોંક પાડે. પરંતુ ખેતરના શેઢે બેસીને પોંક પાડ્યો હોય, એ વાતાવરણ, એ મજા, મસ્તી ની વાતો જ ના થઈ શકે. એકબાજુ “વઈઓ” નાં ઝૂંડ ઉડાઉડ કરતાં હોય, વાડમાં હોલા ઘૂઘવતા હોય, લીમડાના છાંયડે લેલાંનું ટોળું ટેં.. ટે.. ટે.. ટે.. કરતું હોય, ક્યાંક એકાદ રખડતા કાગડાનું કા..કા.. સંભળાઈ જાય, આવા વાતાવરણમાં બે-ચાર મિત્રોની સહિયારી મહેનતથી પોંક પાડ્યો હોય પછી એની મોજમાં કંઈ બાકી રહે ખરૂં..?

અને હા, ખાસ મજા તો એ પછી પાણી પીવાની હોય. ખિજડા નીચે કે માળા નીચે આખી રાતનું ભરેલું માટીનું માટલું હોય. પોંક ખાધા પછી માટીની કૂલડીથી ઠંડું પાણી પીએ ત્યારે છેક પેટ સુધી એના ટાઢા શેરડા પડે. થોડો પોંક વધે તો એને ખિસ્સામાં ભરી લેવાનો. પછી બાજરી ટોતાં ટોતાં યાદ આવે ત્યારે એનો એકાદ ફાકડો મારતાં રહેવાનું.

મિત્રો, ગામડાની આ સરળ અને સુલભ “આઈટમ” નો સ્વાદ જેણે માણ્યો હશે એને તો અત્યારે પણ એની અનુભૂતિ થતી હશે. પરંતુ આ બાબત પણ હવે સુધરેલાં ગામડામાં વિસરાતી જાય છે. વરસાદ પણ અનિયમિત થઈ ગયો છે. ક્યાંક તો બાજરી વવાતી પણ નથી. આમ છતાં આ “આઈટમ” સાવ અલભ્ય તો નથી જ. ક્યારેક ગામડે જવાનું થાય અને પોંકનો સમય હોય તો અનુભવ જરૂર કરજો. આજની પેઢીને પણ એનાથી માહિતગાર કરજો.

આપણા ગામડાની, વતનની આ પણ એક અનોખી યાદ છે. તમે આવો… જ… આવો, વતનનો એ સાદ છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: