ડો. તુષાર પટેલ : જીવનની એક ખેવના હતી મારે વિનામૂલ્યે બાયપાસ સર્જરી થઇ શકે તેવી હોસ્પિટલ બનાવવી છે

તબીબી વ્યવસાય એક પ્રોફેશન જ નહીં પરંતુ લોકસેવાનું માધ્યમ પણ છે.  આજે ચારે તરફ  તબીબો અને પ્રાઇવેટ હોસ્પિટલો સામાન્ય અને ગરીબ દર્દીઓને પોષાય  તેવા રહ્યા નથી ત્યારે આજે અહીં એવા તબીબની કથા પ્રસ્તુત છે જેઓ ગુજરાતના શ્રેષ્ઠ કાર્ડિયોથોરાસિક અને વેસ્ક્યુલર સર્જન હોવા છતાં ગરીબ દર્દીઓ માટે મસીહા હતા.

એમનું નામ છે ડો. તુષાર પટેલ, જેઓે આજે આપણી વચ્ચે નથી પરંતુ તેમણે પ્રગટાવેલી માનવતાની મહેંકથી આજે પણ તેઓ દર્દીઓના દિલમાં ચિરંજીવ છે.

૧૫ ગામ કડવા પાટીદાર સમાજનું રતન એવા ડો. તુષાર પટેલ પાટીદાર સમાજનું ગૌરવ હતા. મહેસાણાથી રાધનપુર હાઇવે પર ૨૦ કિલોમીટરના અંતરે આવેલા ચાણસ્મા તાલુકાના દાંતકરોડી ગામ તેમનું વતન. પિતાનું નામ ફુલજીભાઇ મોતીદાસ પટેલ. પિતાનો વ્યવસાય ખેતીનો. ફુલજીભાઇનું પ્રથમ સંતાન એવા તુષારનો જન્મ તા. ૧૬ સપ્ટેમ્બર ૧૯૭૭ના રોજ તેમના મોસાળ મીઠાધરવા ખાતે થયો.

નાનપણથી જ ભણવામાં ખૂબ હોંશિયાર. ધો.૧૨માં ઉચ્ચ સિદ્ધિ મેળવી ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ, સુરતમાં એમ.બી.બી.એસ.ની ડિગ્રી મેળવી. માસ્ટર ડિગ્રી પણ તેમણે સુરત  સિવિલ હોસ્પિટલ સંલગ્ન કોલેજમાંથી મેળવી. ઇન્ટર્નશિપ અને પ્રારંભિક પ્રેક્ટિસ તેમણે સુરત સિવિલ હોસ્પિટલમાં જ કરી. ૨૦૦૫માં હોસ્પિટલ, અમદાવાદ ખાતે ડી.એન.બી.ની વિશિષ્ટ લાયકાત મેળવી. કાર્ડિયોથોરાસિક એન્ડ વેસ્ક્યુલર સર્જન તરીકેની સિદ્ધિ પ્રાપ્ત કરી. ડો. તુષાર બહુમુખી પ્રતિભાશાળી વ્યક્તિત્વ હતું. ડાઉન ટુ અર્થ (જમીન સાથે જોડાયેલ) તેમનું જીવન રહ્યું. ડોક્ટરનો વ્યવસાય ખૂબ તણાવભર્યો વ્યવસાય છતાં તુષારના ચહેરા પર ક્યારેક થાક નહીં, ગમગીની નહીં અને હંમેશાં હસતો ચહેરો.

આજકાલ ડોક્ટરનો વ્યવસાય પૈસા કમાવવાનો વ્યવસાય ગણાય છે ત્યારે દર્દી હોસ્પિટલમાં દાખલ થાય અને બહાર નીકળે ત્યારે આર્થિક બોજથી જ દબાઇ જાય. પણ ડો. તુષારે જીવનમાં ક્યારેય પૈસાને મહત્ત્વ આપ્યું નહીં. તેમને મન દર્દીની સેવા એ જ ઇશ્વર સેવા રહી છે. તેમના ત્યાં આવતા દર્દીઓની આર્થિક પરિસ્થિતિને તેઓ જાણી લેતા અને તેને જરૂરી મદદ કરતાં. તેમણે  નિઃશુલ્ક સારવાર કરી હોય તેવા અનેક દાખલાઓ જાણવા મળ્યા.

ડો. તુષાર એક સંવેદનશીલ ડોક્ટર હતા. તેમણે એક વખતે સોશિયલ મીડિયામાં  તેમણે લખેલી વાતમાં તેમની સંવેદના છતી થાય છે :’આજે  હોસ્પિટલમાં એક દર્દીને બાયપાસ સર્જરી બાદ રજા આપવામાં આવી. તેનું બિલ રૂપિયા ૬૦,૦૦૦ હતું. પણ તેની પાસે માત્ર ૫૦૦ રૂપિયા હતા. તે નિઃસહાય હતો. મને આ વાતની ખબર પડતાં તેના પૈસા ભરવાની જવાબદારી મેં સ્વિકારી લીધી અને તેને રજા આપવામાં આવી. હું તે દર્દીને જાણતો નથી. મને ખબર નથી કે તેના વતી મેં લીધેલી જવાબદારીના પૈસા પાછા આવશે કે કેમ ?’

બીજાના દર્દને પોતાનું દર્દ સમજી સેવા કરનાર લોકો ખૂબ જ ઓછા જોવા મળે. ડો. તુષારના જીવનનો ‘સેવા એ જ ધર્મ, સેવા એ જ કર્મ જીવન મંત્ર રહ્યો.’  પ્રાઇવેટ હોસ્પિટલને ડો. તુષારે પૈસા કમાવા માટેની હોસ્પિટલ ન માનતા એક મંદિર તરીકે જોઇ-નાના સેવકથી લઇ નર્સ, ડોક્ટર્સ અને હોસ્પિટલના સ્ટાફ સાથે તેમણે આત્મીય સંબંધો સ્થાપ્યા હતા. દરેકની સાથે હસતા ચહેરે કામ કર્યું.

તેમના  ગુરુ ડો. સુકુમાર મહેતાનો તેઓ હંમેશાં આદર હતા. હાર્ટસર્જરીમાં કૌશલ્ય  પ્રાપ્ત કર્યું તેમાં પ્રખ્યાત ડો. સુકમાર મહેતાનો મોટો ફાળો રહ્યો અને ડો. તુષારે તેમનો પડતો બોલ ઝીલીને ૬,૦૦૦ કરતાં વધુ હાર્ટના સફળ ઓપરેશનો તેમના માર્ગદર્શન નીચે કર્યાં.

આજકાલ નવી પેઢીને અંગ્રેજીની ઘેલછા લાગી છે. ડો. તુષારનું શિક્ષણ ગુજરાતી માધ્યમમાં થયેલું અને ગુજરાતી ભાષા માટે ખૂબ પ્રેમ, ગુજરાતી સાહિત્ય વાંચનનો ઊંડો રસ અને એટલે જ તેમની અભિવ્યક્તિમાં ગુજરાતી ભાષાના ઊંડાણનું જ્ઞાન દેખાઇ આવતું. લાગણી અને સંવેદના વ્યક્ત કરતા માતૃભાષા જેવી કોઇ ઉત્તમ ભાષા નથી તે ડો. તુષારના લખાણમાંથી જ અભિવ્યક્ત થાય છે.

ડો. તુષારના હાથ સર્જરી માટે ઊપડતા ત્યારે એક જાદુ જ થઇ જતો. હાર્ટના સુપર સ્પેશિયાલિસ્ટ આ તબીબે અમદાવાદની નામાંક્તિ હોસ્પિટલમાં ફરજ બજાવી અને ૬,૦૦૦થી વધુ સફળ ઓપરેશનો કર્યાં. એક જ મહિનામાં એકલા હાથે ૯૯ ઓપરેશન કરતા થઇ ગયા. કોઇ દર્દીની મોટી ધમની ફાટી ગઇ હોય કે અંત સમયે તેમની પાસે આવે અને ચમત્કારિક બચાવ થઇ ગયો હોય તેવા  અનેક દૃષ્ટાંતો છે.

તેમના જીવનની એક ખેવના હતી મારે વિનામૂલ્યે બાયપાસ સર્જરી થઇ શકે તેવી હોસ્પિટલ બનાવવી છે. અને કૃત્રિમ હૃદય બનાવવું છે. એેમણે કેટલાયે દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપી.

એક સાંજે તેઓ પરિવાર સાથે એક રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા. જમવાનો ઓર્ડર આપ્યો. વાનગીઓ પીરસાય તે પહેલાં જ હોસ્પિટલમાંથી જ ફોન આવ્યો :’એક વ્યક્તિને ભયંકર અકસ્માત થયો છે. ઘાયલ થયો છે. ઘાયલ દર્દીને હોસ્પિટલમાં દાખલ કર્યો છે. તાત્કાલિક ઓપરેશનની જરૂર છે.’

એક મિનિટ માટે  પણ વિચાર કર્યા વગર હોસ્પિટલને સૂચના આપી : ‘ઓપરેશનની તૈયારી કરો. હું થોડી જ વારમાં આવું છું.’

તેઓ તો હોસ્પિટલમાં નોકરી કરતા હતા. માલિક નહોતા છતાં જમવાનું પડતું મૂકીને સીધા હોસ્પિટલ પહોંચી ગયા. ભૂખ્યા રહીને સારવાર કરવી તે તેમનો દર્દીઓ પ્રત્યેનો લગાવ હતો.

અને એક દિવસ એક દુર્ઘટના ઘટી.

ગરીબ દર્દીઓને મદદ કરવાના તેમના બધા જ સ્વપ્નો રોળાઇ ગયા.  આવા એક શ્રેષ્ઠ અને માનવતાથી ભરેલા તબીબ ડો. તુષાર પટેલનું તા. ૪-૫-૨૦૧૯ના રોજ એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું. તેમના સગાં-સંબંધીઓ માટે જ નહીં  પરંતુ દર્દીઓ અને હોસ્પિટલ માટે પણ આઘાતજનક સમાચાર હતા. આખી હોસ્પિટલ ચોધાર આંસુએ રડી.

કોઇ પણ સંતાનને તેના માતા-પિતા એ જ તેના જીવનની મૂડી હોય છે. ડો. તુષારના માતાનું નામ લલિતા. માને અનહદ પ્રેમ. તે તેમની માતાને કેટલું વહાલ કરતાં તે મધર્સ ડે નિમિત્તે ઉચ્ચારેલ શબ્દોથી જાણીએ, ‘મધર્સ ડે… આ કોન્સ્પેપ્ટ આપણો નથી. વિદેશમાં અમુક ઉંમર પછી બાળકો માતાથી અલગ રહેવા જતા હોય છે અને પછી વર્ષે એકાદવાર મળવાનું નક્કી થાય એ દિવસ એટલે મધર્સ ડે. પણ આપણી તો સવાર જ ના પડે  જો ‘મા’ એક બૂમ પાડીને ઉઠાડે નહીં. ફોરેનનું કમ્પ્યૂટર  ભલે હોય, પણ કંકુનો સાથિયો માના હાથે જ પડે. મમ્મી પેલું શાક બનાવજેથી લઇને બોલ ગાડીનું ક્યું કવર લેવાય ! સુધી આપણે રોજ મધર્સ ડે ઊજવીએ છીએ.’

તેઓ ડોક્ટર હોવા ઉપરાંત વાંચનનો શોખ ધરાવતા હતા. તેઓ પંડિત જવાહરલાલ નેહરુના ‘ડિસ્કવરી ઓફ ઇન્ડિયા’ વાંચતા હતા. તેઓ કહેતા : ‘હવે મારે ભારતનું બંધારણ પણ વાંચવું છે.’

તુષારનો અર્થ છે ઝાકળ. ડો. તુષાર પણ ઝાકળ જેવું જ જીવન જીવી ગયા. ઝાકળ વહેલી સવારે જ દેખાય. સૂરજ ચડતાં જ અદૃશ્ય થઇ જાય.  મધ્યાહ્ન પહેલાં જ ડો. તુષાર પણ અનેક દર્દીઓને જીવન બક્ષી પોતે અદૃશ્ય થઇ ગયા. હજારો લોકોના હૃદયને  ધબકતું રાખનાર ડો. તુષાર સ્વયં લીલા સમેટી વિદાય થઇ ગયા.

આવા શ્રેષ્ઠ છતાં નિરાભિમાની તબીબ આજે શોધવા મુશ્કેલ છે. તેમના વતન દાંતકરોડી ગામે ડો. તુષાર પટેલની યાદમાં ‘સ્મૃતિવન અને પ્રતિમા’ લગાડવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે.

ડો. તુષાર પટેલને શ્રદ્ધાંજલિ…

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: