વો ભી ક્યા દિન થે યારોં…

એ દિવસોમાં ગામમાં નવું નવું TV આવેલું . અને એ પણ બ્લેક & વ્હાઇટ. પરંતુ લોકોની ઉત્સુકતા ખૂબ જ રંગીન હતી. મેં સૌ પ્રથમ વાર TV આપણા ગામની સહકારી ડેરી (આપણે સરકારી ડેરી કહેતા) માં જોયેલું .

આજની સહકારી ડેરીનું જે મકાન છે એની જગ્યાએ ત્રણ દુકાનો હતી. રામેશ્વર મહાદેવ બાજુની દુકાનમાં ડેરી ચાલતી, વચ્ચેની દુકાનમાં ચા ની હૉટલ હતી. અને પોલીસ થાણા બાજુની દુકાનમાં બાલમંદિર હતું .

TV જોવાની ઉત્સુકતા અમને સતત ત્યાં ખેંચી લાવતી. અમે ભૂરાકાકાની રાહ જોતા. તેઓ આવે એટલે અમને એક જ ઉતાવળ કે જલ્દી ડેરી ખોલે અને TV ચાલુ થાય. પછી ભલેને એમાં ગમે તે આવતું હોય. એ વખતે તો માત્ર દૂરદર્શન જ હતું . આજની જેમ પ્રોગ્રામોની ભરમાર નહોતી.

ભૂરાકાકા આવ્યા પછી કોઈકની જોડે વાતે વળે તો અમારો જીવ કપાઈ જતો. દુકાળમાં અધિક માસ જેવી પરિસ્થિતિ સર્જાતાં ભૂરાકાકાને વાતો કરાવનાર વ્યક્તિ પર ગુસ્સો પણ આવતો. જોકે ભૂરાકાકા સમજી જતા. દયાળુ પણ એટલા કે અમારી આતુરતા ને માન આપી સૌ પહેલાં તો ખૂણામાંથી TV બહાર કાઢે. ચાલુ કરીને પછી પોતાના કામે વળગે. અને અમે પણ જ્યાં જગ્યા મળે ત્યાં ગોઠવાઈ જઈને TV જોવાની મજા લેતા.

ત્યાર પછી તો રામાનંદ સાગરની “રામાયણ” ધારાવાહિક (સિરિયલ ) ચાલુ થઈ. અને લોકો સાચે જ રામાયણ યુગનો અનુભવ કરવા લાગ્યા . ગામમાં 5-10 બીજાં TV આવ્યાં. રામાયણે એટલું ઘેલું લગાડેલું કે પ્રસારણ વખતે ગામમાં સ્વયંભૂ કરફ્યુ જેવી પરિસ્થિતિ બની જતી.

આ બધી બાબતોથી તો આપણે બધા માહિતગાર છીએ. પણ મારે અહીં એ વાત કરવી છે કે TV જોવા માટે કેટલો સંઘર્ષ કરવો પડતો.. એ વખતે જેના ઘેર TV હોય એનો રુઆબ થિયેટર માલિક જેટલો હોતો.

TV જોવા માટેનાં અમારાં ફેવરિટ સ્થળ, સહકારી ડેરી, પેલાદભા ઠક્કર, મહાસુખલાલ કવિ, જેન્તીલાલ શેઠ, સરકારી દવાખાનું, હીરાભા ધાબાવાળા, આ ઘર અને સ્થળે અમારો ‘ખંટાવ’ થતો. પરંતુ ક્યારેક ભારે ભીડના કારણે કે જગ્યા ના મળવાના કારણે આ સ્થળોએ અમારે નિરાશ થવું પડતું . પછી “બીજા કોના ઘરે ટીવી છે ” એની શોધખોળ ચાલતી. મહોલ્લે મહોલ્લે ને ગલીએ ગલીએ ફરી વળતા. ઉતાવળ પણ એટલી કે સિરિયલમાં કશું જતું રહેવું ના જોઈએ. ક્યાંક સગડ મળે તો જીવમાં જીવ આવે. બીતા બીતા TV વાળા ઘરના દરવાજે પહોંચીએ. માલિક રીઝમાં હોય તો ટીવી જોવાનું સૌભાગ્ય સાંપડે . નહીં તો “આ બલા પાછી ચોંથી આયી લ્યા. . હેંડો ઓંયથી. . આ આવીને ખડા થઈ જ્યા. ” જેવાં વાક્યો થી અમારું સ્વાગત થતું .

TV જોવાની લાલચ ક્યારેક અમને એટલા જક્કીલા બનાવી દેતી કે માલિક ગમેતેમ બોલે તોય આંખ આડા કાન કરીને અમે ઉભા જ રહી જતા. કોઈ માલિકનો પિત્તો જાય તો છૂટ્ટા જૂતાં નો માર પણ પડતો. અમારે ભાગવું પડતું. પાછળથી શબ્દો સંભળાતા… “ચાણની વાતના ઓંયથી ખહતોં જ નહીં વોંદરપૂંછો.. ઉભા રો તમોને આલુ..હવ પસી જો ઓંય લમણો કર્યો તો મરી જ્યા હમજ જો..

અમે પણ કંઈ ગાંજ્યા જાય એમ નહોતા. નફ્ફટ થઈને થોડી સાવધાની સાથે એ જ ઘરે ચોરપગે પાછા TV જોવા પહોંચી જતા. ચાલાક માલિકે બારણું બંધ કરી દીધું હોય એટલે કમાડની તિરાડો શોધીને એમાથી નજરો લંબાવવી પડે. કોઈ નસીબદાર ને ટીવીનો આખો પડદો દેખવા મળે. તો કોઈને માત્ર માથાં જ દેખાય. એટલે ધક્કામૂક્કી સર્જાય. એમાં કમાડ ખખડે એટલે માલિકના કાન ખડા થઈ જાય. પછી તો હાથમાં લાકડી લઈને એ પ્રગટ થાય હોં.. અમે પણ ચાલાક.. કમાડની તિરાડમાંથી માલિકના પગની મૂવમેન્ટ દેખાણી નથી કે ત્યાંથી ભાગ્યા નથી.. બારણું ખૂલે ત્યાં કોઈ જ ના હોય એટલે માલિકનો ગુસ્સો સાતમા આસમાને પહોંચે . પછી તો મણ મણનાં સુવાક્યો સાથે શેરીના નાકા સુધી અમારી વિદાય થાય.. અને આમ સિરિયલ પણ પૂરી થઈ જાય.

મિત્રો આવા તો અનેક અનુભવો આપણને બધાને થયેલા છે. આપ સૌ પણ પોતાના અનુભવો શેર કરી શકો છો. કેવી પરિસ્થિતિ હતી , કેવી મથામણ હતી, ગાળો ખાતા, માર પણ પડતી. . પરંતુ એ બધાને અંતે TV જોવા મળ્યાનો જે આનંદ મળતો એ અવર્ણનીય હતો. આપણાં બાળકો સાથે આ વાતો ને શેર કરજો. એમને જરૂર મજા આવશે. અને એ બહાને આપણું બાળપણ પણ વાગોળવા મળશે.

લખનાર- દિનેશ સી. પ્રજાપતિ ..

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: