“સાઈકલ કી મોજ” તુમ કયા જાનો આધુનિક બાબુ..

કોઈની પાસે સાઈકલ હોવી એ આજના સમયમાં કોઈ નવાઈની બાબત નથી. પરંતુ એક સમય એવો પણ હતો કે જ્યારે “સાઈકલ” હોવી એ ખરેખર નવાઈ જ નહીં પણ ગર્વની બાબત પણ ગણાતી.

આપણા ગામમાં પણ સાઈકલનો એક જમાનો હતો. જેના ઘરે સાઈકલ હોય એનો એક રૂઆબ પણ હોતો. એમાંય જો “ટે-નવી” સાઈકલ ઘરમાં આવવાની હોય તો ઘર આખું હિલોળે ચડતું. અગાઉના દિવસે ફાઈનલ મહોર વાગી જાય કે આવતીકાલે નવી સાઈકલ “છોડાવવા” જવાનું છે, તો ઘરનાં લગભગ બધાની ઊંઘ ઉડી જતી.

બીજે દિવસે સારું મૂરત જોઈને ઘરના નક્કી કરેલ માણસો નીકળી પડે. એમની ચાલમાં એક અનેરું જોમ આવી જતું. એમના ગયા પછી ઘર આખું આઘુંપાછું થયા કરતું. ક્યારે નવી સાઈકલ આવે એની ખૂબ જ ઉત્સુકતાપૂર્વક રાહ જોવાતી.

આખરે નવી સાઈકલ ઘરમાં આવી પહોંચતી. એનાં વધામણાંની તૈયારીઓ તો અગાઉથી જ થઈ ગઈ હોય. કંકુના ચાંલ્લા, સાથિયો કરીને ચોખાથી સાઈકલને વધાવવામાં આવતી. ગોળધાણાની પ્રસાદી વહેંચવામાં આવતી. આ પ્રસંગે માત્ર ઘરના સભ્યો જ નહીં પરંતુ આખો મહોલ્લો સહભાગી થતો. એ જે આનંદ અને હર્ષોલ્લાસનું વાતાવરણ ઊભું થતું તે કદાચ આજે 15-20 લાખની ગાડીની ખરીદી વખતે પણ નથી જોવા મળતું.

પછી તો “ગાડી” (સાઈકલ) ની કેટલી સારસંભાળ રાખવામાં આવતી. રોજ કપડાથી ઝાટકીને, ધૂળ ખંખેરીને, પોતું મારીને સાફ કરવામાં આવતી. ક્યાંય કોઈ લીસોટો તો નથી પડ્યોને એની ઝીણવટભરી ચકાસણી પણ કરવામાં આવતી. પેંન્ડલ, બ્રેક, હવા બધું બરાબર છે એવું ચેકીંગ થયા બાદ ફળીયામાં કે મહોલ્લામાં એકાદ આંટો પણ મારવામાં આવતો. ઘરના સભ્યો આ ક્રિયાઓ જોવામાં સહભાગી થતાં વળી કોઈ પૂછી લે કે “ઓ હો, ફલાણાભઈ આ ચાણ લાયા. ? ” તો એ ફલાણાભાઈનો આત્મા થોડો ઘવાઈ પણ જતો. “હાળુ ઓન ખબર જ નહીં લ્યા. ” એવું મનમાં બોલીને જવાબ આપે, “કાલ તો લાયા, તમે તાણ ચો હતા.?” પછી અત: થી ઈતી સુઘીની વાત મંડાતી.

નવી સાઈકલ નો રોફ પણ જોવા જેવો હોતો. કેવી તો શણગારવામાં આવતી. સ્ટેરીંગ ઉપર બંને બાજુ સાઈડ ગ્લાસ હોય, નકામી કેસેટની પટ્ટીનાં ઝૂમખાં બંને બાજુ લટકતાં હોય, આગળના ટાયરના પંખા ઉપર ટોચે નાનું ત્રિશૂળ, ભાલો, મોઈડો, સમડી, ચક્ર, કે એવું બીજું કંઈક તો ફીટ કરેલું હોય જ. મુખ્ય દાંડી પર એક્સ્ટ્રા નાનકડી સીટ નંખાવી હોય, બ્રેકોના તારમાં ભૂગળીઓ ભરાવી હોય, ટાયરના આરાઓમાં નાના નાના પારા પરોવેલા હોય, સીટ ઉપર એક્સ્ટ્રા કવર ચડાવીને ગાદી જેવી બનાવી હોય, પેન્ડલને સ્ટીલના પતરાની ખોળ ચડાવી હોય, કેટલાક તો ડાયનેમો ફીટ કરાવીને “ડીપર” પણ મૂકાવતા.

આવી શણગારેલી “ગાડી” પર સવારી કરતા ફલાણાભાઈએ વ્યવસ્થિત કપડાં પહેર્યાં હોય, માથું ઓળાવીને ફૂગ્ગો પાડ્યો હોય, ચશ્માં પણ હોય, બંધ ઘડિયાળ પણ ક્યારેક ઉપયોગમાં લેવાતી. ખભે નાનકડો નેપકીન પણ નાંખ્યો હોય. અને પછી સાઈકલ જે સરરરરરર કરતી ઉપડે એની વાત જ ના પૂછો.

નવી સાઈકલ ની કૅર પણ લેવામાં આવતી. ઉપયોગમાં ન હોય ત્યારે એને વ્યવસ્થિત જગ્યાએ પાર્ક કરવામાં આવતી. હાથ બનાવટનું કવર પણ ઢાંકવામાં આવતું. ઘરનાં અને આજુબાજુનાં નાનાં છોકરાંઓને “અલ્યા એ, એકેય અડતા નઈ હોં કે, સઈકલ ને જો હાથ અડાડ્યો સ તો ભાજી જેલા પડ્યા હસો, ” એવી ખૂલ્લી ધમકી પણ આપવામાં આવતી.

જૂની સાઈકલનો માન-મરતબો પણ કંઈ ઓછો નહોતો. સાઈકલ ભલે ગમે તેવી હોય પણ એનો વટ તો અલગ પ્રકારનો જ રહેતો.

અમે ત્યારે સાવ નાના હતા. સાઈકલ અમારા માટે હવાઈજહાજથી કમ નહોતી. એટલી બધી ઉત્સુકતા કે ના પૂછો વાત. 22 કે 24 ની સાઈકલ પર અમારો પનો ટૂંકો પડતો. એટલે અમે ભાડેથી સાઈકલ લાવીને ચલાવતા. બસ સ્ટેશન નજીક રહેતા ગોપાળજી એ વખરે ભાડેથી સાઈકલ આપતા. એક કલાકનો એક રૂપિયો ભાડું ચાલતું. સાઈકલ જાતે ચલાવતાં શીખી ગયા પછી ગોપાળજીના ઘર તરફ જવાની એક જાતની તડપ લાગતી. ઘરે આવેલા કોઈ મહેમાને પચાસ પૈસા તે રૂપિયો આપ્યો હોય તો સૌથી પહેલાં મન ગોપાળજીને ત્યાં જ પહોંચી જતું. ત્યારે ગોપાળજીનું ઘર આવે, ક્યારે સાઈકલ હાથ આવે, અને ક્યારે ચલાવવાની મોજ લઈએ એની ભારે ઉતાવળ રહેતી.

પછી તો ગમે ત્યાં સાઈકલ નજરે પડે એટલે એને ચલાવવાની અધીરાઈ જાગતી. એ વખતે ગામમાં સાઈકલની સંખ્યા સાવ ઓછી. કોઈ મિત્રને ઘેર સાઈકલ હોય તો એની દોસ્તીમાં એકદમ નિકટતા લાવવાનો પ્રયત્ન રહેતો. કદાચ સાઈકલનો એકાદ આંટો મારવા મળી જાય. એક આંટા માટે તો મિત્ર કહે એટલાં કામ કરી આપવાની પણ તૈયારી રહેતી. સાઈકલનું કેરીઅર પકડીને પાછળ ભાગવાની પણ એક મજા હતી. ‘ચલાવવા ન મળી તો કંઈ નહી, સાથે દોડવા તો મળ્યું ‘ એવો સંતોષ પણ મળતો.

જેને “પાકકી” સાઈકલ આવડી ગઈ હોય એવા શોખીનો જુદાજુદા કરતબ પણ બતાવતા. છૂટ્ટા હાથે સાઈકલ હાંકવી, આંટીમાં હાંકવી, હાથથી પેન્ડલ મારવાં, સાવ ધીમી ગતિએ હાંકવી, બંને પગ સ્ટેરીંગ પર લઈ લેવા, ઝડપથી દોડતાં ઠેકડો મારીને સાઈકલ પર ચડી જવું, ચાલુ સાઈકલે બંને પગ કેરીઅર પર ભરાવીને હાથ પગના સહારે સાઈકલ પર ઊભા થઈ જવું, “શોટ-બ્રેક”? મારીને સ્લીપ ખવડાવવી, અને ક્યારેક આ બધાં નાટકો કરતાં કરતાં સાચુકલા જ હાથપગ ભાંગવા વગેરે જેવા કરતબો કરવામાં આવતાં.

સાઈકલ એક શોખ હતો, એક ઝનૂન હતું, એક નવાઈ હતી. સાઈકલની એ મોજની તોલે આજની ફોર વ્હીલરની મોજ પણ ન આવે.

શું સમય હતો…! શું મોજ હતી…! શું મિત્રો હતા…! શું મારું કાલુઘેલું વતન હતું…! મારા ગામ કુણઘેરમાં વિતાવેલું શું એ બાળપણ હતું…! એ સમય, એ મોજ, એ મિત્રો , કેમ કરીને ભૂલાય…!

એટલે જ તો કહેવાનું મન થાય-

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: