દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ : હવામાન ખાતાની આગાહી

ગુજરાતમાં વાયુ વાવાઝોડાના કારણે ચોમાસું નિર્ધારિત સમય કરતાં મોડું થયું હતું. તેવી જ રીતે હવામાન ખાતાનું માનવું છે કે, આ જ કારણે ચોમાસાનું મોડું જશે. આ સાથે જ હવામાન ખાતાએ આગાહી કરી હતી કે, આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. હવામાન ખાતાના ડિરેક્ટર જયંતા સરકારે જણાવ્યું હતુ કે, “અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાયું છે, જે અાગામી ચોવીસ કલાકમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. જેના પગલે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં અાગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડશે. આ સિવાય 22 અને 23 તારીખના રોજ સૌરાષ્ટ્રના જિલ્લાઓ અને દરિયાકાંઠાના વિસ્તારમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. દરિયામાં સર્જાયેલા હવાના હળવા દબાણને પગલે આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે.”

બપોર પછી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તોફાની વરસાદ શરૂ થતા લોકોને ગરમીમાંથી છૂટકારો

આજે બપોરે પછી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તોફાની વરસાદ શરૂ થતાં ગરમીથી કંટાળેલા લોકોએ રાહતનો અનુભવ કર્યો હતો. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 120 ટકા વરસાદ પડી ગયો છે અને મોટાભાગના ડેમ ભરાઈ ગયાં છે.
છેલ્લા બે-ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં તોફાની પવન સાથે વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે અને ક્યાંક હળવાથી ભારે વરસાદ પણ પડી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી અસહ્ય ગરમી પડી રહી છે અને ભારે ઉકળાટના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે, ત્યારે આજે આજે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું ફરીથી આગમન થયું છે.

સૌરાષ્ટ્રના કોડીનાર પંથકમાં ભારે વરસાદ થયો, બગસરા, વડીયા અને દામનગરમાં પણ વરસાદ નોંધાયો

ખાસ કરીને સૌરાષ્ટ પંથકમાં કોડીનારમાં ભારે વરસાદ થયો હતો. સાથે જ વેરાવળ, સુત્રાપાડા અને તાલાલામાં પણ ધમાકેદાર વરસાદ શરૂ થયો હતો. ઉપલેટા-ધોરાજી-જેતપુરમાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વિજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ થયો હતો. ધારીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ બપોર પછી વરસાદે જોર પકડ્યું છે. સરસીયા તેમજ ઉપરવાસમાં ધોધમાર વરસાદને કારણે સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે. બગસરા, વડીયા અને દામનગરમાં વરસાદ નોધાયો હતો. વડીયામાં વીજળીના કડાકા સાથે શરૂ થયેલા ધોધમાર વરસાદના કારણે બજારોમાં પણ પાણી ફરી વળ્યાં હતા.

રાજ્યમાં 123 તાલુકાઓમાં શુક્રવારે વરસાદ નોંધાયો, ચોમાસું લંબાઈ શકે છે

આજે દિવસ દરમ્યાન રાજયમાં 123 તાલુકામા વરસાદ થયો હતો. તેમાયે દક્ષિણ ગુજરાતમાં ડાંગના વધાઈમાં 62 મીમી વરસાદ થયો હતો. જયારે આણંદમાં 55 મીમી એટલે કે બે ઈંચ કરતા વધુ વરસાદ થયો હતે. જયારે રાજયમા ચોમાસાની મોસમમાં 123.08 ટકા વરસાદ થયો હતો. જેમાં કચ્છમાં 142.78 ટકા , ઉત્તર ગુજરાતમાં 94.24 ટકા , મધ્ય – પૂર્વ ગુજરાતમાં 114.23 ટકા, સૌરાષ્ટ્રમાં 121.8 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 123.08 ટકા વરસાદ થયો છે.હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે , પૂર્વ – મધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર આકાર પામી રહ્યું છે. જે પહેલા દક્ષિણ ગુજરાત તરફ આગળ વધશે, તે પછી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધીને ભારે વરસાદ લાવશે. આ રીતે હવે ગુજરાતમાં ચોમાસુ લંબાઈ શકે તેવી સંભાવના જોવાઈ રહી છે.

અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ, ધૂળની ડમરીઓ ઉડી

અમદાવાદ તથા ગાંધીનગરમાં સવારથી ગરમીના બફારા વચ્ચે બપોર બાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. કેટલાક વિસ્તારોમાં જોરદાર પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી અને ઝરમર વરસાદ થયો હતો, શહેરના મણિનગર, વટવા, વેજલપુર, જીવરાજપાર્ક, ચાંદખેડા, સાબરમતી સહિત અન્ય વિસ્તારોમાં વરસાદી ઝાંપટા પડ્યા હતા. હવામાન વિભાગ દ્વારા આગામી 22 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: