PUC માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવાની જરુર નથી, ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર

ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ ભારેખમ દંડના નવા અત્યંત કડક નિયમોથી દેશભરના વાહનચાલકોમાં ફેલાયેલો ફફડાટ હજુ શમ્યો નથી, ત્યાં વાહનચાલકોએ હજુ વધુ સચેત થઈને ડ્રાઈવિંગ કરવું પડશે તેવા સ્પષ્ટ અણસાર આપતાં સમાચાર છે.

વાહનચાલકો પીયુસી સર્ટિફિકેટ, આરસી બુક, લાઇસન્સ, વગેરે લેવા માટે પીયુસી સેન્ટરથી માંડી આરટીઓ કચેરી સુધી દોડધામ આદરી છે. આના કારણે દરેક પીયુસી સેન્ટર પર વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે. પરંતુ ગુજરાતીઓ માટે રાહતનાં સમાચાર છે કે વાહન વ્યવહાર કમિશ્નરે વધુ 1500 પીયુસી સેન્ટરો શરુ કરવા તૈયારી કરી છે.

ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ કેન્દ્ર સરકારના ટ્રાફિકના નિયમોમાં થોડી ઘણી રાહત તો આપી છે. મુખ્યમંત્રીની નવા નિયમોની જાહેરાત અને તેના અમલ વચ્ચે હવે સમય વધારી દેવામાં આવતા લોકોને હાશકારો મળ્યો છે. રાજ્યભરમાં વાહનચાલકો-માલિકોએ ખૂટતા પણ ફરજિયાત રાખવાના દસ્તાવેજો મેળવવા માટે દોડધામ મચી છે.

બેફામ ડ્રાઇવિંગ કરી વારંવાર અકસ્માતો કરનારા કે વારંવાર ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા ચાલકોના વાહનોનો વીમો ઊતરાવવા હવે વધુ આકરું પ્રીમિયમ ચૂકવવું પડે તેવો નિયમ બનાવવા દેશમાં વીમા ક્ષેત્રનું નિયમન કરતી ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (IRDA)એ તજવીજ હાથ ધરી છે.

એક અહેવાલ મુજબ, આઈઆરડીએએ ટ્રાફિકના નિયમોના ભંગ અને વાહનના પ્રીમિયમને કેવી રીતે પરસ્પર સાંકળી શકાય તેના નિયમો અને પ્રક્રિયાની નક્કર ભલામણ કરવા નવ સભ્યોની એક સમિતિને કામ સોંપ્યું છે. જેણે બે મહિનામાં પોતાનો રિપોર્ટ સુપરત કરી દેવાનો છે.ગુજરાતમાં સોમવારથી એટલે 16મી સપ્ટેમ્બરે ગુજરાતમાં મોટર વ્હિકલ એક્ટ મુજબ ટ્રાફિકના નવા નિયમો અમલી થઇ રહ્યાં છે. મોટોમસ દંડ ચૂકવવો ન પડે તે માટે વાહનચાલકો આગોતરી તૈયારીઓ કરી છે. પીયુસી સર્ટિફિકેટ મેળવવા અત્યારે પીયુસી કેન્દ્રો પર વાહનોની લાંબી કતારો લાગી છે. ત્યારે વાહન વ્યવહાર કમિશ્નરે રાજ્યમાં 1500 પીયુસી સેન્ટરો શરૂ કરવા માટે આરટીઓ કચેરીમાં અરજીઓ મંગાવી છે.

HSRP અને RC બૂક માટે દંડની સત્તા કોની ?
HSRP નંબર પ્લેટના ભંગના કિસ્સા અને RC બુક ચકાસવા, દંડ કરવાની સત્તા પોલીસ અને આરટીઓ એમ બંને ઓથોરિટીને સત્તા સોંપવામાં આવી છે. સ્થળ ઉપર RC બુક ન હોય તેવા કિસ્સામાં પોલીસ વાહન જપ્ત લઈ શકે છે પરંતુ 15 દિવસમાં RC બુક રજૂ કરીને દંડ વગર વાહન પરત મેળવી શકાય છે.

PUC અને HSRP માટે મુદત લંબાવાઇ
નવા નિયમોનું અમલ 16 સપ્ટેમ્બરથી થવાનો હતો, પણ રાજ્યમાં ઉપલબ્ધ સુવિધા આટલી મુદ્દત સુધીમાં તમામ વાહનો માટે પીયુસી અને એચએસઆરપી લગાવવા સક્ષમ નથી તેને ધ્યાનમાં રાખી સરકારે અંતે આ બંને મુદ્દતમાં વધારો કરવાની જાહેરાત કરી હતી.

Leave a Reply

%d bloggers like this: