એક જમાનામાં માલિકીની સાયકલ સ્ટેટસ ગણાતી, આજે સ્વાસ્થ્યનું માધ્યમ બની

આણંદ-વિદ્યાનગર પંથકમાં પ્રતિવર્ષ અંદાજિત ૭ હજાર સાયકલનું વેચાણ : ઈ.સ. ૧૯૫૦થી ૭૦ના દાયકામાં સાયકલ માટે લાયસન્સ ફરજિયાત અને સાયકલ પર લાઈટના કાયદાનું કડક અમલીકરણ કરાતું હતું

એક જમાનામાં પોતાની માલિકીની સાયકલ હોવી એ સ્ટેટસ ગણાતું હતું અને આબાલ-વૃધ્ધ સૌ માટે સાયકલની સવારી લકઝરી ગણાતી. ત્યારબાદના સમયમાં સાયકલ વાહન તરીકે જરૃરિયાત બની હતી અને આજના વિજ્ઞાાન અને ટેકનોલોજીના યુગમાં સાયકલ સ્વાસ્થય પ્રાપ્તિનું ઉત્તમ માધ્યમ બની ગઈ છે.એક સમય એવો હતો કે ઘરે ઘરે સાઈકલ જોવા મળતી હતી. આજે ખૂબ ઓછા લોકોને ત્યાં સાયકલના દર્શન થાય છે ખાસ કરીને શાળાએ જતા વિદ્યાર્થીઓ અને ગ્રામીણ વિસ્તારના લોકો સાયકલનો ઉપયોગ કરતા જોવા મળે છે.ખાસ કરીને શહેરી વિસ્તારમાં આવેલ જીમખાનાઓમાં સાયકલ એ સ્વાસ્થય માટેનું માધ્યમ બની છે.આણંદ-વિદ્યાનગર પંથકમાં પ્રતિવર્ષે અંદાજિત ૭ હજાર સાયકલનું વેચાણ થતું હોવાનો દાવો શહેરના કેટલાક સાયકલ ડીલર્સ ધ્વારા કરવામાં આવ્યો છે.

વૈજ્ઞાાનિક હોફમેને ૧૯ એપ્રિલ, ૧૯૪૩ના રોજ પ્રયોગશાળામાં પોતાની જાત ઉપર વાયુનો પ્રયોગ કર્યો હતો. તે સમયે અચાનક તેઓ ઘાયલ થતા તેઓને સાયકલ ઉપર દવાખાને લઈ જવાયા હતા.યુધ્ધના સમયમાં અન્ય વાહનો ઉપર પ્રતિબંધ હતો તેથી હોફમેનની આ સાયકલ સવારીનો દિવસ ત્યારથી બાઈસિકલ દિવસ તરીકે ઉજવાય છે. ત્યાર પછીના જમાનામાં એટલે કે ઈ.સ.૧૯પ૦માં સાયકલને વાહન ગણવામાં આવતું હતું તેના માથે લાઈસન્સ ફરજિયાત હતું.લાઈસન્સમાં સાયકલની જાત,ફ્રેમ નંબર,બનાવટ વગેરે દર્શાવવામાં આવતું હતું.એટલું જ નહી એ જમાનામાં સૂર્યાસ્ત પછી સાયકલ ઉપર લાઈટ રાખવી ફરજિયાત હતી.સાયકલમાં લાઈટ,બેલ અને બ્રેક અંગેની પોલીસ ધ્વારા કડક ચકાસણી કરવામાં આવતી હતી.બે થી વધુ વ્યકિત સાયકલ ઉપર સવારી કરી શકતી ન હતી અને રોડની ડાબી બાજુએ સાયકલ ચલાવવાનો કાયદો હતો.

ઈ.સ.૧૯પ૦થી ૭૦ના દાયકામાં સાયકલ ઉપર લાઈટના કાયદાનું કડક અમલીકરણ હતું.લાઈટ વગરની સાયકલ હોય તો પોલીસ સવારનું નામ લખતી અને બીજા દિવસે કોર્ટમાં દંડ થતો. તેથી સાયકલ ઉપર ડાયનેમો કે કેરોસીનનાં ટમટમીયા રાખવામાં આવતા હતા.ઈ.સ.૧૯૬૪માં સાયકલ ઉપર લાઈટના મુદે સમગ્ર ભારતનું ધ્યાન ખેચનારી ઘટના બની હતી.ભાવનગરના ચુસ્ત ગાંધીવાદી વેપારી પોતાની સાયકલ ઉપર ફાનસ લટકાવી ઘર તરફ જઈ રહયા હતા ત્યારે પોલીસે તેમને અટકાવી નામ લખ્યું હતું.બીજા દિવસે આ ગાંધીવાદી વેપારીએ કોર્ટમાં દલીલ કરતા એવી રજૂઆત કરી હતી કે નાના ટમટમીયા કરતા ફાનસની લાઈટ મોટી દેખાય છે.સાયકલના હેન્ડલ ઉપર ઝુંલતું ફાનસ જોઈ કોઈપણ જાણે કે સામેથી કોઈ આવી રહયું છે એટલા માટે ફાનસ લટકાવ્યું હતું.નામદાર કોર્ટે તેમની આ દલીલને ગ્રાહ્ય રાખી હતી અને ફાનસને સાયકલ ઉપરની લાઈટનું સ્ટેટસ આપી કોઈપણ પ્રકારનો દંડ વસૂલ્યા વગર તેમને મુકત કર્યા હતા ત્યાર બાદ ૯૦ વર્ષ સુધી તેઓ સાયકલના હેન્ડલ ઉપર ફાનસ લટકાવી ફરતા હતા. સમગ્ર ભારતમાં આ કેસની નોંધ લેવાઈ હતી.

દેશભરમાં સાયકલની આગવી ઓળખ ભાવનગરે ઊભી કરી હતી

ગુજરાતના ભાવનગર શહેરે દેશભરમાં સાયકલની એક આગવી ઓળખ ઉભી કરી છે ઈ.સ.૧૯પ૯માં વીરભદ્ર અખાડાના યુવા રમતવીરો અને નૌજવાન સંઘના કાર્યકરોએ માત્ર ૧૪ કલાકમાં ભાવનગરથી રાજકોટ સુધીની સાયકલ રેલી યોજી ગુજરાતમાં રેકોર્ડ કાયમ કર્યો હતો.

સાયકલની જગ્યા મોટરસાયકલે લીધી : પ્રવિણભાઈ પંજાબી, સાયકલ ડિલર

શહેરી વિસ્તારમાં આવેલ જીમખાનાઓમાં હાલ શરીર સ્વાસ્થય માટે સાયકલનો વિશેષ ઉપયોગ કરવામાં આવે છે તેમ આણંદના સાયકલ ડીલર્સ પ્રવિણભાઈ પંજાબીએ જણાવ્યું હતું.વધુમાં તેમણે ઉમેર્યું હતું કે છેલ્લા ૭ વર્ષથી બજારમાં ફાયનાન્સથી અર્થાત માસિક હપ્તાથી મોટરસાઈકલ અને ટું વ્હીલર મળતા થતા સાયકલનો ધંધો પડી ભાગ્યો છે એક જમાનામાં સાયકલ નંબર વન હતી.આજે તેનું સ્થાન મોટરસાયકલે લીધું છે.

બજારમાં ૩ હજારથી માંડીને ૨૨ હજાર સુધીની સાયકલ ઉપલબ્ધ : મનીષ શાહ, સાયકલ ડીલર

સાયકલ અંગે આણંદના ડીલર્સ મનીષભાઈ શાહે જણાવ્યું હતું કે રપ વર્ષ પૂર્વે સાદી સાયકલ રૃા. ૧૦૦૦ થી ૧ર૦૦માં અને રેન્જર સાયકલ ર૦૦૦માં મળતી હતી.આજે બજારમાં વિવિધ કંપનીની અવનવી લુકવાળી સાયકલ રૃા૩૦૦૦થી રૃા.રર,૦૦૦ સુધીની કિંમતમાં મળે છે.જો કે આજના ફાસ્ટેક યુગમાં સાયકલની જગ્યા મોટરસાયકલ અને ટું વ્હીલર સ્કુટરે લીધી છે.પરંતુ શાળાએ જતા મોટાભાગના વિદ્યાર્થી આજે પણ સાયકલનો ઉપયોગ કરી રહયા છે.એક જમાનામાં સાયકલને વાહન ગણવામાં આવતી હતી આજે સ્વાસ્થયનું માધ્યમ બની છે.

૪૭ના દાયકામાં બાઈસિકલનો પરવાનો ૩ વર્ષ માટે અપાતો

હાલના સમયમાં સ્માર્ટફોનના કારણે ટીવી તો ઠીક પરંતુ રેડિયોની હાજરી લગભગ નહિવત બની જવા પામી છે. પરંતુ અગાઉના સમયમાં રેડિયો એક સ્ટેટસ સિમ્બોલ સમાન ગણાતો. તે જ પ્રમાણે આઝાદીના સમય દરમ્યાન સાયકલ બાઈસિકલ તરીકે ઓળખાતી. જેની પાસે પોતાની બાઈસિકલ હોય તેનો માન,મરતબો અલગ અંદાજમાં રહેતો. તે સમયે બાઈસિકલ ફેરવવા માટે લાયસન્સ (પરવાનો) ફરજિયાત લેવો પડતો. તે સમયે ૩ વર્ષ માટે પરવાનો આપવામા આવતો હતો. સાથોસાથ બાઈસિકલ ચલાવનારને નિયમોના પાલન અંગેની સૂચના પણ પરવાનામાં જણાવવામાં આવતી હતી.

– સરદાર ગુર્જરી

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: