મારી માતૃભાષ, મારું ગૌરવ – પ્રવીણસિંહ ખાંટ

આજકાલ ભાષાનો મુદ્દો ચર્ચાનો વિષય રહેતો હોય છે.સૌ ભાષા પ્રેમીઓ પોતાની કુશળતા પ્રમાણે માતૃભાષાને ગૌરવ અપાવવા,તેને બચાવવા યથા પ્રયત્નો કરી રહ્યા છે.
આજે મારે ગુજરાતીની વલે થતી બે વાતો અહીં પ્રસ્તુત કરવી છે.વર્ષોથી અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ વિશે ચર્ચાઓ થતી આવી છે,થતી રહેશે અને થતી રહેવી પણ જોઈએ.
ગુજરાતના સંતાન હોઇએ અને આપણને ગુજરાતી બોલતા ના આવડે,ગુજરાતી ભાષા,શબ્દ ભંડોળ ના હોય ત્યારે આપણે ઘણું ગુમાવી રહ્યા છીએ એમ સ્વીકારવું પડે.

સ્પેરો:

એકવાર મારા ઘરે એક દંપતી મહેમાન આવ્યા.સાથે એમનો પુત્ર પણ હતો.અચાનક એમના પુત્રની નજર પક્ષીઓના ચાર્ટ પર પડી.એ પક્ષીઓના નામ અંગ્રેજીમાં બોલવા લાગ્યો.એમાં એક ચકલીનું ચિત્ર આવ્યું. એ બોલ્યો ‘સ્પેરો’ મેં ગુજરાતી ધ્યાન દોર્યું
કહ્યું: બેટા ‘ચકલી’ પણ કહેવાય.
એણે કહ્યું: ના અંકલ ‘સ્પેરો’ કહેવાય.
એને ગુજરાતી ‘ચકલી’ ના સમજાયું તે ના સમજાયું. હવે દોષ એનો પણ નથી.અમારી બંનેની ચર્ચામાં એના પિતાજી બોલ્યા: બેટા એ પક્ષીને ગુજરાતીમાં ‘ચકલી’ કહેવાય.હવે એને એમ કંઇ તરત થોડું સમજાય.
જો હવે આ બાળક આમ જ, આવું જ ભણશે તો એનું ગુજરાતી કેવું થશે ? એ એક સવાલ છે.

આગળની પણ આવી જ કલ્પના કરીએ તો….,

“તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડું,
મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું,”

રમેશ પારેખની આ પંક્તિ એના માટે કશુંજ નથી.જે ચકલીને નથી ઓળખતો એના માટે રજવાડું ઘણું છેટું છે.

આમાં ક્યાંય અંગ્રેજીનો વિરોધ નથી પણ બાળકને અંગ્રેજીની લ્હાયમાં ગુજરાતી ના આવડે એ જરા ખલેલ પહોચાડે તેવો મુદ્દો જરૂર છે.બાકી સાહિત્યની દ્રષ્ટિએ જોઈએ તો અંગ્રેજી ભાષામાં બહુ ખજાનો પડેલો છે.

એ ગુજરાતી નથી સમજતો:

એકવાર એક શિક્ષક તેમના પુત્રને શિક્ષક સજ્જતા તાલીમમાં સાથે લઈને આવ્યા હતા.પુત્રને એ થોડા દિવસની સ્કૂલમાં રજા હતી.સહજ રીતે મે એની સાથે પરિચય કેળવવા થઇને વાત કરી.નામ વગેરે વગરે પૂછ્યું પણ એણે કંઇ જ ઉત્તર નહીં આપ્યો.
એટલામાં એના પપ્પા બોલ્યા: ‘એ ગુજરાતી નથી સમજતો’
હું આ સાંભળીને નવાઈ પામ્યો.

‘એ ઘરે પણ કોઈ સાથે ભળતો નથી.એની સાથે અંગ્રેજીમાં વાતો કરે તેવું કોઈ હોય તો ચાલે’ એના પિતાજીએ કહ્યું.
મેં કહ્યું: યાર આ તો અઘરું છે.
છોકરો અંદરો અંદર થોડી ગૂંગળામણ અનુભવતો હોય તેવું લાગ્યું.અંગ્રેજી વિના ચાલે પણ ગુજરાતી વિના થોડું ચાલે.
આ વાત મારા મગજમાં આજે પણ હથોડાની જેમ વાગે છે.
આ ક્યા પ્રકારનું શિક્ષણ ? જેમાં તમારું બાળક ગુજરાતી લખવાની વાત ઠીક પણ ગુજરાતી સમજી નથી શકતું. જયાં તમે હવા, પાણી લઈ મ્હોર્યા છો એ માતૃભાષાની આ હદે અવહેલના.શું આ બાળકને ગુજરાતી જે જે આપી શકે તે અંગ્રેજી આપી શકશે ? બિલકુલ નહીં જ આપી શકે.જેની માતૃભાષા છીનવાઈ જાય એ પંગુ થઈને જ રહેશે.

આમ પણ બાળકોનું આમાં કંઇ ચાલતું નથી આ બધા ખેલ એમના ખાતા-પીતા માતા-પિતાના છે.આવા માતા-પિતાને હું અત્યંત ગરીબ સમજુ છું.અમુક વાલીઓ બાળક પર સતત દબાણ બનાવી રાખે છે.પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં મૂક્યાનો ગર્વ લે છે.જ્યારે બાળકને આવડતું નથી ત્યારે એટલી જ લઘુતા અનુભવે છે.આ બધી સ્પર્ધામાં બાળકો તો ક્યાંય નથી તેમના માતા-પિતા જ છે.પરિણામ ઓછું આવવાના કારણે અમુક બાળકોના આપઘાત કરે છે. આ આપઘાતનું મૂળ ક્યાંકને ક્યાંક માતા-પિતા પણ છે.અમુક માતા-પિતાને એક કુટેવ છે પોતાના બાળકને કેટલું આવડે છે તે બીજાને જણાવવામાં ખૂબ રસ હોય છે.રીતસર પોતાના બાળકને જુદા જુદા પ્રશ્નો પૂછીને બોલાવડાવે અને સામેવાળાને આંજવાનો પ્રયત્ન કરે.ઘણીવાર બધાની વચ્ચે ના આવડે તો તે બાળક ક્ષોભ અનુભવે છે.
આમ બાળક રોજ પરીક્ષા આપતું રહે છે.

અહીં કૃષ્ણ દવે યાદ આવ્યા….,
————-
રોજ પરીક્ષા, રોજ પરીક્ષા, રોજ પરીક્ષા દઈએ,
કાં તો સ્કુલમાં, કાં ટયુશનમાં, કાં ટેન્શનમાં રહીએ.

નથી એકલા પાસ થવાનું ટકા જોઇએ મોટા,
નાની નાની મુઠ્ઠી પાસે પકડાવે પરપોટા.

એચ ટુ ઓ ને ગોખી ગોખી ક્યાંથી ઝરણું થઈએ?
રોજ પરીક્ષા, રોજ પરીક્ષા, રોજ પરીક્ષા દઈએ,
————-
ગાંધીજીનું શિક્ષણ માતૃભાષામાં થયેલું.તેમણે માતૃભાષા શિક્ષણને ખૂબ મહત્વ આપ્યું છે.ગાંધીજીએ એ સમયની વાત નોંધીને કહ્યું છે:”હાઈસ્કૂલો એ અંગ્રેજોની સંસ્કૃતિના વિજય માટેની નિશાળો હતી.”ગાંધીજી માતૃભાષાની વાત કરતા હતા સાથે એમનું અંગ્રેજી પણ બહુ પાકું હતું.અંગ્રેજોની અંગ્રેજીમાં પણ ભૂલો કાઢતા. તેઓ સ્પષ્ટ માનતા કે માતૃભાષા થકી જ અન્ય ભાષા પર સારી પકડ આવે છે,આસાન રીતે શીખી શકાય છે.

ભારતમાં અંગ્રેજી કેળવણીનો પાયો નાખનાર લોર્ડ મેકોલેનો પત્ર
દરેકે વાંચી જવા જેવો છે.બાળક અંગ્રેજી માધ્યમમાં ભલે ભણે પણ મેકોલેપુત્ર ના બની જાય તે જોવાનું રહ્યું.
પૃથ્વી આજે ભલે ‘ગ્લોબલ વિલેજ’ બની ગઈ છે.પણ આપણી નજર ઘર તરફ રહે તે ખૂબ જરૂરી છે.

‘શિક્ષણનું અંગ્રેજી માધ્યમ એ ભારત પરની બ્રિટનની મોટામાં મોટી બુરાઈ હતી. એણે ગૌરવવંત પ્રજાને રંગલા-જાંગલા જેવી આત્મગૌરવવિહોણી બનાવી દીધી.’
~અંગ્રેજ કવિ કિટ્સ

છેલ્લે,
‘ગુજરાતી સાંભળીએ,
ગુજરાતી બોલીએ,
ગુજરાતી વાંચીએ,
ગુજરાતી લખીએ,
ગુજરાતી જીવીએ.’

પ્રવીણસિંહ ખાંટ

ગગનથી ગટર સુધી …- પ્રવીણસિંહ ખાંટ

આવતાં જતાં 2 ક્લિક- રૂરલ રેઇનકોટ-પ્રવીણસિંહ ખાંટ

રોટલો એ રોટલો રોટલાની વાત નાં થાય- પ્રવીણસિંહ ખાંટ

ગીતા એ જીવાતા જીવનનો ગ્રંથ છે.- પ્રવીણસિંહ ખાંટ

 અનાજ-પ્રકૃતિ પૂજા-સનાતન પ્રકૃતિની જય – પ્રવીણસિંહ ખાંટ  

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: