ભાદરવા માસના વદ (કૃષ્ણ) પક્ષના પંદર દિવસ ‘પિતૃપક્ષ’ તરીકે ઓળખાય છે.

ભારતીય સંસ્કૃતિમાં – હિંદુ ધર્મશાસ્ત્રમાં શ્રાધ્ધ પક્ષનું વિશેષ મહત્વ છે. ભાદરવા માસના વદ (કૃષ્ણ) પક્ષના પંદર દિવસ ‘પિતૃપક્ષ’ તરીકે ઓળખાય છે. આ શ્રાધ્ધ સદીઓથી હિંદુ ધર્મના વિવિધ ધર્મગ્રંથોના વિધિ વિધાન મુજબ કરવામાં આવે છે.

પિતૃ પક્ષ (શ્રાધ્ધ પક્ષ) એટલે શું?

આપણને જન્મ આપ્યો. આપણું પાલન કરવા માટે તન, મન અને ધનથી વિશેષ પ્રયત્નો કર્યા તે તમામ પૂર્વજો લોકભાષામાં પિતૃઓ ગણાય. . વિભિન્ન યોનિવર્ગમાં પિતૃ શબ્દ દેવલોકમાં રહેનારા પિતૃઓ માટે લક્ષણાથી લેવાનો છે. પિતા- પિતામહ અને પ્રપિતામહની ઉપરના ત્રણ પુરુષો પિતૃલોકમાં રહેનારા દેવકોટિના પિતૃ ગણાય છે. તે પોતાના વંશજોના અપરાધને ક્ષમા કરીને કલ્યાણના શુભ આશિષ આપનારા છે. આજે શ્રધ્ધાળુ લોકોને ડગલે ને પગલે પિતૃદોષનો ડર બતાવવામાં આવે છે ત્યારે પિતૃઓનો સાચો અર્થ સમજવાની ખાસ જરૂર છે. આવા પિતૃઓ પ્રત્યે આદર વ્યક્ત કરીને સ્મૃતિઓ વાગોળવા માટે ખાસ દિવસોનું આયોજન એટલે પિતૃપક્ષ- શ્રાધ્ધ પક્ષ.

શ્રાધ્ધ પક્ષ ક્યારે?

ભાદરવા માસમાં વદ પક્ષની એકમ તિથિથી અમાસ સુધીની પંદર તિથિએ શ્રાધ્ધ કરવાનો વિશેષ મહિમા છે. વર્ષના કોઇપણ માસની સુદ કે વદ જે તે તિથિએ મૃત્યુ પામનાર સ્વજન કે વડીલનું શ્રાધ્ધ ભાદરવા વદ પક્ષની તે તિથિએ શ્રાધ્ધ કરવાનો ધર્મગ્રંથોમાં ઉલ્લેખ છે. આ નિયમ મુજબ વર્ષની ગમે તે પૂનમે અવસાન પામનાર વ્યક્તિનું શ્રાધ્ધ ભાદરવા માસની અમાસે કરવાની શાસ્ત્રમાં આજ્ઞાા છે. પરંતુ લોક ભાષામાં પૂનમ અને અમાસને અલગ તિથિ ગણવાની પરંપરા છે. વળી પૂનમના દિવસે અવસાન પામેલ પિતૃના શ્રાધ્ધ માટે પૂનમ જેવી મહત્વની અને શ્રાધ્ધ પક્ષના આરંભે જ આવતી તિથિને શા માટે જતી કરવી જોઇએ? એવી સ્વજનોની લાગણીને કારણે પૂનમે અવસાન પામેલી વ્યક્તિનું શ્રાધ્ધ પૂનમના દિવસે કરવાની પરંપરા લોકાચારમાં (જનસમુદાયમાં) જોવા મળે છે. મૃત્યુ તિથિ નક્કી કરવામાં પણ સૂર્યોદય સમયની ઉદિત તિથિ લેવામાં આવતી નથી પરંતુ જે સમયે મૃત્યુ થયું હોય તે તિથિ લેવાય છે.

શ્રાધ્ધ ક્યારે ન કરવું

વહેલી સવારે, સૂર્યોદય સમયે, સંધ્યા સમયે કે રાત્રિના સમયે શ્રાધ્ધ કદાપિ કરવું નહીં.

શ્રાધ્ધના બોજનમાં લસણ, ડુંગળી, કંદમૂળ (ગાજર-મૂળા વગેરે) ન હોવા જોઇએ.

શ્રાધ્ધમાં તીખા- તળેલા, મરી મસાલાથી ભરપુર વ્યંજન વાનગી ઇચ્છનીય નથી.

શ્રાધ્ધ પક્ષ ભાદરવા માસમાં આવતો હોવાથી આરોગ્ય અને આયુર્વેદની દ્રષ્ટિએ ઉપયોગી એવા શુધ્ધ દૂધ, ખીર, દૂધપાકની વાનગી હોય તે વધુ આવકાર્ય છે. આ ઋતુમાં પિત્તના શમન માટે ઔષધ સમાન આહાર પ્રસાદીરૂપે મળે તે જરૂરી છે.

શ્રાધ્ધમાં દોહિત્રનું મહત્વ

મોટેભાગે શ્રાધ્ધના ભોજનમાં પરિવારના સર્વે સભ્યો તથા નજીકનાં સગાંઓને આમંત્રણ આપવામાં આવે છે. શાસ્ત્રમાં આ પ્રસંગે દોહિત્ર (પુત્રીના પુત્ર) એટલે કે ભાણેજનો વિશેષ આગ્રહ રાખવામાં આવ્યો છે. આ પ્રાચીન પરંપરામાં પણ સ્વસ્થ સમાજ રચનાનો સામાજિક સંદેશ છે.

શ્રાધ્ધપક્ષમાં ખગોલીય- પંચાંગ જ્યોતિષનું મહત્વ

સૂર્ય છ માસ સુધી (૨૨ ડિસેમ્બરથી ૨૧ જૂન) ભૂમધ્ય રેખા (વિષુવવૃત્ત) થી ઉત્તરે ભ્રમણ કરે છે, જેને ઉત્તરાયન કહે છે. છ માસ સુધી (૨૨ જૂનથી ૨૧ ડિસેમ્બર) વિષુવવૃત્તથી દક્ષિણે ભ્રમણ કરે છે, આ સમયગાળો દક્ષિણાયન તરીકે ઓળખાય છે. શ્રાધ્ધ પક્ષ હંમેશા દક્ષિણાયનમાં આવે છે. આથી જ કોઇ સંજોગવશાત ભાદરવા વદમાં શ્રાધ્ધકર્મ ન થઇ શક્યું હોય તો સૂર્યના વૃશ્ચિક રાશિમાં પ્રવેશ સુધી એટલે કે તા. ૧૪ નવેમ્બર સુધી યોગ્ય સમયે શ્રાધ્ધક્રિયા કરી શકાય છે. પંચાંગના શાસ્ત્રાર્થ વિભાગમાં આનો ઉલ્લેખ જોવા મળે છે. કારતક માસમાં તા. ૧૪ નવેમ્બર પહેલા લગ્ન- જનોઇ- વાસ્તુપ્રવેશ જેવા મુહૂર્તો આપવાની પ્રથા નથી.

શ્રાધ્ધપક્ષ કમુહૂર્તા ગણાય?

સામાન્ય જન સમુદાય શ્રાધ્ધપક્ષને અશુભ સમયગાળો સમજે છે. આ માન્યતા ખોટી છે. શ્રાધ્ધના દિવસોમાં પરિવારના પૂર્વજોના સંસ્મરણો તથા સ્મૃતિ પ્રસંગો સારી રીતે જાણી માણી અને વાગોળી શકાય તે માટે અન્ય દોડધામ કે વધુ માંગલિક સામાજિક પ્રસંગોનું આયોજન ન થાય તો વધુ ઉચિત રહે. વ્યસ્તજીવનમાં વયસ્કો અને વડીલો સાથે સમય ગાળી શકાય તેવી સમજથી પૂર્વાચાર્યોએ શ્રાધ્ધ પક્ષમાં માંગલિક પ્રસંગોને સ્થાન આપ્યુ નથી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રાધ્ધના દિવસ માટે ‘સ્મૃતિપર્વ’ જેવો સમજદારીપૂર્વકનો શબ્દ ઔવપરાય છે.

શ્રાધ્ધપક્ષમાં વિશેષ શું કરી શકાય?

(૧) પોતાના પિતૃઓનું સ્મરણ કરવું જોઇએ.

(૨) પોતાના વતનમાં (પિતૃઓના ગામ-પ્રદેશમાં) જરૂર પ્રમાણે યોગ્ય દાન- સત્કર્મ કરવા જોઇએ.

(૩) આપણા પૂર્વજ (માતા પિતા, દાદા દાદી વગેરે) ના વિકાસમાં સહાયક થયેલી વ્યક્તિઓ કે તેમના પરિવારજનોને હાલના સંજોગોમાં તેમને યોગ્ય સ્વરૂપે મદદ કરી શકાય.

શ્રાધ્ધ પક્ષની તિથિઓ કઇ રીતે ગણવી?

શ્રાધ પક્ષની તિથિઓ માટે ધર્મશાસ્ત્રમાં અમુક પ્રકારનો શાસ્ત્રાર્થ નિશ્ચિત થયેલો છે. સૂર્યોદયથી સૂર્યાસ્તનો સમયગાળો એટલે દિનમાન. આ દિનમાનના ચાર સરખા ભાગ કરીએ તો ત્રીજા ભાગમાં (અપરાહનકાળ સમયે) મૃત્યુ તિથિ જે દિવસે મળે તે દિવસે જે તે શ્રાધ્ધતિથિ લેવાય છે. આથી માત્ર સૂર્યોદય સમયે ચાલતી (ઉદયાત તિથિ) આમાં હંમેશા કામ આવતી નથી. વળી અમુક તિથિના દિવસે ખાસ પ્રકારના વિશેષ શ્રાધ્ધના દિવસો લેવાય છે.

આમ છતાં વડીલ વર્ગ અને પિતૃઓ પ્રત્યે સાચી લાગણી બતાવવાના શુધ્ધ આશયથી શ્રાધ્ધ થતું હોય અને પરિવારમાં એકતા જળવાઇ રહેતી હોય ત્યારે માત્ર શાસ્ત્રાર્થને આગળ ધરીને બીનજરૂરી ખેંચતાણ કે દૂરાગ્રહ રાખવાની સલાહ નથી.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: