વીર રણછોડભાઈ પગી – જીવન ની ઝાંખી

ગુજરાતમાં પાકિસ્તાન સાથે જોડાયેલી આંતરરાષ્ટ્રીય સરહદ ૫૪૦ કિલોમીટર લાંબી છે અને આ સંવેદનશીલ સરહદ પર નજર રાખવા માટે સુરક્ષાદળના જવાનોની સાથે સાથે પગીઓની વિશેષ ભૂમિકા હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના સુઈગામ પોલીસ મથકમાં પણ પોલીસ પગી તરીકે ફરજ બજાવતા જવાનો દિવસ રાત પેટ્રોલીંગ કરીને સરહદની રક્ષા કરી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં ભારત અને પાકિસ્તાનની સરહદ પર આવેલું આ સુઈગામ છે. આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આવેલા આ ગામમાં હમેશા ઘૂસણખોરી કરતા શખ્સોથી અહિંની પોલીસને સતર્ક રહેવું પડે છે અને એટલા જ માટે બનાસકાંઠા જિલ્લાના સીમાવર્તી પોલીસ મથકોમાં પોલીસ પગીની ખાસ નિમણૂક કરવામાં આવી છે. સરહદના ચોકીદાર એવા રણછોડભાઈ પગી સુઈગામ પોલીસમાં સૌ પ્રથમ વખત પોલીસ પગી તરીકે જોડાયા હતા અને ત્યાર બાદ તેમના પુત્ર માનજીભાઈ પણ સુઈગામ પોલીસમાં પોલીસ પગી તરીકે સેવા આપી ચુક્યા છે. અત્યારે સુઈગામ પોલીસ મથકમાં પોલીસ પગી તરીકે રણછોડ પગીના પૌત્ર એવા મહેશ પગી સેવા આપી રહ્યા છે. સુઈગામ પોલીસમાં સીમાની ચોકી કરવા માટે આ વિસ્તારમાં દિવસ રાત ગશ્ત લગાવીને અહી આવેલા રણપ્રદેશ પર થતી અવર જવર પર ચાંપતી નજર રાખે છે.

પગીને વિશેષ તાલીમ ઉપરાંત ખાસ પ્રકારના અનુભવની જરૂર હોય છે. આવા પગીઓ માત્ર પગની એડીથી ગુનેગારોની હરકત તેમની વર્તણૂક અને તેમની ઓળખ પ્રસ્થાપિત કરી લેતા હોય છે. સુઈગામ પોલીસ મથક બનાસકાંઠા જિલ્લાનું સહુથી સંવેદનશીલ પોલીસ મથક મનાય છે. અહીથી કસ્ટમ રોડ પરથી હાલ વાહન વ્યવહાર પર પણ ચાંપતી નજર પોલીસની છે, અધૂરામાં પૂરું સુઈગામ પોલીસ હદનો વિસ્તાર છેક ઝીરો લાઈન સુધી છે. એટલે પગીને ફૂટ પેટ્રોલિંગ દ્વારા અનેક કિલોમીટર સુધીની ગસ્ત લગાવવી પડે છે. બનાસકાંઠા જિલ્લામાં પોલીસ પગીની હાલ તો માત્ર પાંચ પોસ્ટ જ ભરવામાં આવી છે તેવામાં બોર્ડર પર તંગ માહોલ વચ્ચે પોલીસ પગીની કામગીરી પર વિશેષ મદાર છે અને ખૂબ જ જવાબદારીઓ ભરેલી છે. ત્યારે પગીનું કામ કરતા આવા જવાનોને પેટ્રોલિંગ દરમિયાન વધુ સુવિધાઓ અપાય અને આવા બોર્ડર પગીઓની સંખ્યામાં વધારો કરવામાં આવે તે પણ ખૂબ જરૂરી છે.

1965માં રણછોડભાઈ પગી ભારતીય સેનાની મદદે આવ્યા

ભારત-પાકિસ્તાન વચ્ચે વર્ષ ૧૯૬પમાં યુદ્ધ થયું ત્યારે કચ્છ સરહદનું વીઘાકોટ થાણું પાકિસ્તાને કબજે કરી લીધુ હતુ. દરમિયાન ભારતીય સૈન્યના ઘણા જવાનો શહીદ થઇ ગયા હતા. જેથી ભારતીય સૈન્યની બીજી ટુકડીને માત્ર ત્રણ દિવસમાં રણમાર્ગે નજીકના જ છારકોટ પહોંચવુ હતુ. ત્યારે રણમાર્ગના ભોમિયા રણછોડ પગી ભારતીય સેનાની મદદે આવ્યા હતા અને સેનાના કાફલાને સમયસર પહોંચાડ્યો હતો. છારકોટ પહોંચતા જ ભારતીય સૈન્યએ પાકિસ્તાન ઉપર હુમલો કર્યો હતો. રણમાર્ગથી પરિચિત રણછોડભાઈ રબારીએ યુદ્ધ સમયે વિઘાકોટમાં છૂપાયેલા પાકિસ્તાનના ૧૨૦૦ સૈનિકોની જાણકારી ભારતના સેનાને પહોંચાડી હતી. જેથી સૈન્યએ કાર્યવાહી કરીને વિજય પ્રાપ્ત કર્યો હતો. તેમને સેનાને કરેલી આ મદદે એક સાચા દેશભકત તરીકેની છાપ ઉપસાવી હતી.

1971માં રણછોડભાઈ પગી ભારતીય સેનાની મદદે આવ્યા

એજ રીતે ૧૯૭૧ના યુદ્ધમાં ‘પગી’ બોરિયાબેટથી ઊંટ ઉપર પાકિસ્તાનમાં જઇ ત્યાં આવેલા ધોરા વિસ્તારમાં છૂપાયેલા પાકિસ્તાનના સૈન્યની માહિતી ભારતીય સૈન્યને પહોંચાડી હતી. જેથી ભારતીય સૈન્યએ કૂચ કરી હતી. આ સમયે કરાયેલા હુમલામાં બોમ્બમારો ચાલુ હતો, ત્યારે ભારતીય સૈન્ય પાસે દારૂગોળો ખૂટી ગયો હતો. જેથી ભારતીય સૈન્યની પ૦ કિલોમીટર નજીકની છાવણીમાંથી રણછોડ પગીએ ઊંટ ઉપર દારૂગોળાનો જથ્થો લાવીને સૈન્યને પહોંચાડ્યો હતો. બીજી તરફ ભારતીય હવાઇદળના ફાઇટર વિમાનોએ ધોરા અને ભાલવાના થાણા કબજે કરી લીધા હતા. જો કે, સમયસર ઊંટ ઉપર દારૂગોળો પહોંચાડતા તેઓને પણ ઇજા થઇ હતી.

ભાગલા પડ્યા બાદ હાલ પાકિસ્તાનમાં આવેલા પેથાપુર ગથડો ગામમાં જમીન અને પશુ ધરાવતા રણછોડભાઇ રબારી પાકિસ્તાની સૈનિકોના ત્રાસથી વાવના રાધાનેસડા ગામમાં આવ્યા બાદ મોસાળ લિંબાળા ગામમાં સ્થાયી થયા હતા. બનાસકાંઠા પોલીસે તેમને સૂઇગામ પોલીસના પગી તરીકે નિમણૂક કરી હતી. હંમેશાં ખુમારીભર્યું જીવન જીવવા માટે જાણીતા રણછોડ પગી પાસે બે-ત્રણ મેડલ અને કાચી માટીના ખોરડા સિવાય કશું જ ન હતુ. ૧૯૬૫ અને ૧૯૭૧માં થયેલા યુદ્ધ વખતે આપણા ૧૦ હજાર જવાનોની બટાલિયનને બચાવનારા રણછોડ પગીનું ૧૮ જાન્યુઆરી ૨૦૧૪માં અવસાન થયુ હતુ.

ધનજીભાઈ રબારીની દેશભક્તિ ભૂલાઈ

આંખોમાં નમી અને ચહેરાઓ પર કળચલી ધરાવતા આ શખ્સનું નામ છે ધનજીભાઈ પગી. સરહદી વિસ્તારમાં રણછોડ પગીની જેમ ધનજી પગી પણ પગેરૂ શોધવામાં નિષ્ણાત છે. ધનજી પગીએ અત્યાર સુધીમાં અનેક ગુનાઓના ભેદ પગેરૂ કાઢીને ઉકેલ્યા છે અને અગાઉ પાકિસ્તાન સાથે થયેલા યુધ્ધમાં સરહદના ચોકીદાર એવા રણછોડ પગી સાથે દુશ્મનોની માહિતી સેનાને આપીને દુશ્મનોના દાંત ખાંટા કરવામાં ભાગીદાર રહી ચુક્યા છે. આજે ધનજી પગી માવસરી નજીક આવેલા આકોલી ગામમાં અત્યારે જીવન ગુજારી રહ્યા છે. કેટલીય વાર સેના માટે પણ મદદરૂપ બની ચુક્યા છે. પરંતુ કહેવત છે કે રોશન સૂર્યની સામે તેજસ્વી તારાઓ પણ લુપ્ત થઇ જતા હોય છે. તેવી જ રીતે આ વિસ્તારના સૂર્ય એવા રણછોડભાઈ પગીની દેશભક્તિ સામે ધનજીભાઈ રબારીની દેશભક્તિ ભુલાઈ ગઈ. પોતાના પાંચ દીકરાઓ સાથે જીવન ગુજારી રહેલા ધનજીભાઈનું જીવન પણ રણછોડભાઈ પગીની જેમ જ દેશ સેવા કરવામાં જ વ્યતીત થયું છે. પરંતુ રણછોડભાઈ પગીના ઉજાસ સામે ધનજીભાઈની સેવા ભૂલાઈ ગઈ અને ધનજીભાઈને આજ સુધી પણ તેમની સેવાના ભાગરૂપે કોઈ જ સન્માન કે આર્થિક મદદ કરવામાં આવી નથી.

જ્યારે પગીની વાત આવે ત્યારે રણછોડ પગી નામ સહુથી પહેલું માનભેર લેવું પડે. ભારતીય સેનાના દસ હજાર જવાનોની રક્ષા કરી તેમનો જીવ બચાવનાર રણછોડ પગી આજે હયાત નથી પરંતુ તેમના નામની એક ચોકી બોર્ડર પર બનાવી બીએસએફએ તેમને અનોખી શ્રધાંજલિ આપી છે. આજે રણછોડ પગીના પગલે આખું ગામ દેશની સેવા કરવા તૈયાર છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: