|| વર્ષાઋતુમાં ખાસ ખ્યાલમાં રાખવા જેવી બાબતો ||

પાણી શક્ય હોય ત્યાં સુધી ઉકાળેલું જ પીવું. આયુર્વેદની દ્રષ્ટિએ ઉકાળેલું પાણી પચવામાં હલકું તેમજ જંતુરહિત બને છે અને તેથી રોગ સામે લડવાની ક્ષમતા પણ આપે છે. આ ઋતુમાં જરૃર હોય એટલું જ – માપસર પાણી પીવું.

આહાર ઓછો, હળવો, ગરમ અને સુપાચ્ય લેવો. રાત્રે વહેલા જમી લેવું. બપોરે ભારે ખોરાક ખવાયો હોય તો રાત્રે જમવાનું છોડી દેવું અથવા તો એકદમ ઓછું લેવું. વાસી ખોરાક તો ન જ ખાવો. જેમનું પાચનતંત્ર નબળું હોય એમણે અઠવાડિયામાં એક બે દિવસ એકટાણાં કે પંદર દિવસે એકાદ નકોરડો ઉપવાસ કરવો. ઉપવાસ કે એકટાણા વખતે મગફળ, બટાકા, સામો જેવા વાયુ કરનારા કે વિષ્ટંભી ફરાળ ન કરવાં. કેળા પણ પચવામાં ભારે છે એટલે પચે તો જ લેવા.

વધુ પડતા ઉપવાસ – એકટાણાં પણ યોગ્ય નથી. આરોગ્યની દ્રષ્ટિએ એનો ઉપયોગ છે પણ ધાર્મિક દ્રષ્ટિએ અંધશ્રધ્ધાના કારણે બળપૂર્વક કરવામાં આવતા ઉપવાસ-એકટાણાં એકંદરે આરોગ્યને નબળું કરે છે.

ચોમાસામાં શક્ય હોય તો કાકડી, કેળાં, મકાઈના ડોડા, મગફળી, જાંબુ, વાલ, વટાણા, ચોળા જેવા વાતવર્ધક કે ભારે પદાર્થો ન જ લેવા અથવા આછા લેવા.

આદું, લસણ, સુવાની ભાજી, તલતેલ, લીંબુ, હિંગ, સિંધાલૂણ, સૂરણ અને મેથી જેવા પદાર્થો વર્ષાઋતુમાં ખાસ લેવા.

કુમળા રીંગણ, કંકોડા, પરવળ, તાંદળજો અને ડોડીના ફૂલની ભાજી આ ઋતુમાં હિતકારક છે. યોગ્ય માત્રામાં દહીંનો ઉપયોગ પણ કરવો. એકલું દહીં ન લેતાં મીઠું, ખાંડ, સિંધવ કે જીરૃં મેળવીને લેવું. તાજી મોળી છાશ પણ વર્ષામાં પથ્ય છે.

દિવસની ઊંઘ, અતિ વ્યાયામ, વધુ પડતો પ્રવાસ અને મૈથુનનો અતિયોગ આ ઋતુમાં નુકસાન કરે છે. વરસાદમાં બહાર જતી વખતે છત્રી કે રેઈનકોટ સાથે રાખવા. ખૂલ્લા પગે કશે ફરવું નહીં. ઘરમાં ગૂગળ કે અગરબત્તીનો ધૂપ કરવો.

ઔષધોમાં હિંગાષ્ટક ચૂર્ણ અથવા લવણ ભાસ્કરની ફાકી જમ્યા બાદ અથવા સવાર સાંજ લેવી. રાત્રે સૂતી વખતે દિવેલમાં ભૂંજેલી હરડે (કે હિમેજ)નું ચૂર્ણ એકાદ ચમચી ફાકી જવું.

લશુનાદિ વટી બે-બે ગોળી જમ્યા બાદ ચૂસવી. એનાથી પાચન સુધરશે. ગેસ નહીં થાય અને રોગ સામેની પ્રતિકાર શક્તિ પણ વધશે. શક્તિ અને સ્ફુર્તિ માટે અશ્વગંધારિષ્ટ અથવા તો દ્રાક્ષાસવનું સેવન પણ આ ઋતુમાં અત્યન્ત હિતકર છે.

રોગ માતા શરદમાં શું ધ્યાનમાં રાખવું ?

વર્ષા પછી એટલે કે શ્રાવણ મહિનો પૂરો થાય એટલે તમામ પિત્તવર્ધક કે ગરમ પદાર્થો બંધ કરવા. કાકડી, ખાટાં ફળો, છાશ, આથો આવ્યા બાદ તૈયાર થતી વાનગી વગેરે ઉપયોગમાં ન લેવા.

ભાદરવામાં આવતા શ્રાદ્ધ અને તે દિવસોમાં ખીર કે દૂધપાક ખાવાની પ્રથા પિત્તશમનની દ્રષ્ટિએ એકદમ યોગ્ય છે.

શરદના દિવસોમાં સુદર્શન, કડુ-કરિયાતું, ગળો, શતાવરી, આમળા જેવા પિત્તશામક અને તાવ, અમ્લપિત્ત જેવા પિત્તજન્ય રોગોને દૂર કરે તેવાં ઔષધો યોજવા.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: