જામસે શ્રાવણ માસમાં ભક્તિ અને શ્રધ્ધાનો કૃષ્ણોત્સવ

કૃષ્ણ માત્ર એક વાર નહિ પરંતુ વારંવાર જન્મે છે, જેનો આધાર તમારી તપશ્ર્ચર્યા અને ઈશ્ર્વર પ્રાપ્તિની અદમ્ય ઈચ્છા પર છે

ભગવાન કૃષ્ણ એક વ્યક્તિ નથી તેઓ એક સંપૂર્ણ સમૃધ્ધ વિદ્યાપીઠ છે.

શ્રાવણ માસ તહેવારોનો મહિનો ગણાય છે. શિવની ભક્તિની સાથે અનેક તહેવારો આ માસમાં આવે છે એટલે શ્રાવણ માસનું મહત્ત્વ હિંદુ ધર્મમાં સૌથી અધિક છે. આ મહત્ત્વ એટલે પણ વધી જાય છે, કેમ કે વિશ્ર્વવંદ્ય ભગવાન કૃષ્ણનો જન્મ શ્રાવણ મહિનામાં થયો હતો.
એ વિષ્ણુ ભગવાનનો આઠમો અવતાર છે અને દેવકી પુત્ર કૃષ્ણનો જન્મ પણ શ્રાવણ મહિનાની આઠમે થયો હતો. શ્રી કૃષ્ણે કહ્યું છે કે યદા યદા હી ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત: અભ્યુત્થાનામધર્મસ્ય સંભવામિ યુગે યુગે, એટલે કે જ્યારે જ્યારે ધર્મનો ક્ષય થશે ત્યારે ત્યારે હું પૃથ્વી પર અવતાર લઈશ. એમનું વચન આજ સુધી પાળ્યું છે. શ્રાવણ માસની આઠમે જન્મ લઈને કૃષ્ણે એ દિવસને અતિ પવિત્ર બનાવી દીધો છે. ભોળાનાથ શંકર અને ભગવાન વિષ્ણુના શ્રેષ્ઠ અવતાર કૃષ્ણના જન્મને લઈ શ્રાવણ માસ શ્રેષ્ઠ બને છે.

ભગવાનના જન્મનો અનેરો મહિમા સમગ્ર ભારત વર્ષમાં અલગ અલગ રીતે મનાવવામાં આવે છે. ભારત સિવાય વિશ્ર્વનાં મોટાં શહેરોમાં પણ કૃષ્ણ જન્મનો ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે. મહારાષ્ટ્રમાં મટકી ફોડીને અનોખી રીતે જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવે છે. ભારતના અને કૃષ્ણને માનતા સમગ્ર વિશ્ર્વના લોકો શ્રાવણ માસની વદ આઠમની રાતે 12 વાગ્યે કૃષ્ણનો જન્મ થાય ત્યારે હર્ષોલ્લાસથી ભગવાનના જન્મનાં વધામણાં કરે છે. જન્માષ્ટમીએ લોકો ઉપવાસ રાખે છે આ શ્રદ્ધાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

એ જ કૃષ્ણ ફરી પાંચસો વર્ષ પૂર્વે વ્રજમાં શ્રીનાથજી રૂપે અવતર્યા જેમણે મુઘલોના આક્રમણને કારણે રાજસ્થાનમાં સ્થળાંતર કર્યું. શ્રીનાથજીએ વ્રજમાં ઘણા ચમત્કાર કર્યા અને એમના ભક્તોને ભક્તિ માર્ગે વાળ્યા. એ યુગમાં મુસ્લિમ રાજાઓને કારણે મંદિરોમાં જવું મુશ્કેલ હતું, એટલે વલ્લભાચાર્યે વૈષ્ણવોને ગૃહ સેવાની અદ્વિતીય શૈલી શીખવી, જેથી તેઓ તેમના સ્થાને કૃષ્ણની હાજરીનો અનુભવ કરી શકે. કૃષ્ણનાં અનેક સ્વરૂપોનાં વિખ્યાત મંદિરો સમગ્ર ભારતમાં આવેલાં છે. પૂર્વનાં રાજ્યોમાં ભગવાન જગન્નાથ તરીકે પૂજાય છે. બાલાજી ભગવાનનું સ્વરૂપ અતિ લોકપ્રિય છે. ઉત્તરમાં બદ્રિનાથ સ્વરૂપે બિરાજે છે. ગોકુલ, મથુરા, નાથદ્વારા, ડાકોર, દ્વારકા શામળાજીમાં ભગવાનનાં વિવિધ સ્વરૂપનાં મંદિરો આવેલાં છે.

કૃષ્ણ માત્ર એક વાર નહિ પરંતુ વારંવાર જન્મે છે, જેનો આધાર તમારી તપશ્ર્ચર્યા અને ઈશ્ર્વરપ્રાપ્તિની અદમ્ય ઈચ્છા પર છે. જ્યારે હું દ્વારકા ગઈ અને તેમના આશીર્વાદ લીધા ત્યારે મારા જીવનમાં દ્વારકાધીશ કૃષ્ણનો બાળ સ્વરૂપનો જન્મ થયો. તેનાથી મારું વ્યક્તિત્વ બદલાઈ ગયું અને મેં તેમના બાલ સ્વરૂપની સેવા કરવા માંડી. બાલકૃષ્ણ હંમેશા મારી સાથે હું જ્યાં પણ જાઉં ત્યાં મુસાફરીમાં મારી સાથે જ હોય છે.

આ જન્માષ્ટમીએ આપણે એ માટે પ્રતિબદ્ધ થઈએ કે કૃષ્ણ આપણા જીવનમાં અવતરે અને તેમણે આપેલા પ્રેમ અને શ્રદ્ધાના સંદેશને જીવનમાં ઉતારીએ. સાથે સાથે આપણે પર્યાવરણ અને પ્રકૃતિની રક્ષાના વિચાર સાથે કૃષ્ણજન્મની ઉજવણી કરીએ. ભગવાને પ્રકૃતિની રચના આપણા જીવનને ટકાવી રાખવા માટે કરેલી છે પરંતુ આપણે તેનું નિકંદન કાઢતા જઈએ છીએ.
પ્રકૃતિના સર્જનથી લઈને વિસર્જનના દરેક તબક્કા કૃષ્ણમય છે. હું આશા રાખું છું કે જન્માષ્ટમીનો આ સંદેશ પ્રત્યેક હિંદુના દિલને પુલકિત કરશે અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થશે.

ભગવાન કૃષ્ણ એક વ્યક્તિ નથી તેઓ એક સંપૂર્ણ સમૃધ્ધ વિદ્યાપીઠ છે. જેનાં બધા વિષયો જેવા કે યુધ્ધ, ભક્તિ, મુક્તિના પાઠ ભણવા મળે છે. આજના સમયમાં કહેવાતા બુધ્ધિમાન લોકોનો વર્ગ વધી રહ્યો છે તેમને ભક્તિની શક્તિ સમજાવવી અને તેનો પરચો આપવો મુશ્કેલ છે. જ્ઞાન માર્ગના અનુયાયીઓ કૃષ્ણને તાર્કિક અને વ્યવહારિક માર્ગે સમજવાનો પ્રયત્ન કરે છે.

જયારે ભક્તિમાર્ગના અનુયાયીઓ કૃષ્ણલીલાનો મહિમા ગાઇને કૃષ્ણ સાથે તાદાત્મ્ય સાધે છે.
કૃષ્ણ એકમાત્ર દિવ્ય વ્યક્તિ છે જેમણે પરાપૂર્વથી ચાલતી પરંપરાઓને તોડી અનેક દિવ્ય કાર્યો કર્યા. આજના યુવાનોને મોબાઇલ, કમ્પ્યુટર અને અન્ય સુવિધાઓથી રચેલા કમ્ફર્ટઝોનમાંથી બહાર આવવું નથી. જો તેઓ તેમાંથી બહાર આવે તો જ નવું વિચારવાનો અવકાશ મળે.

કૃષ્ણએ એમના પૂર્ણ પુરુષોત્તમ અવતારમાં માનવજાતમા માટે સૌથી મોટા અને કાર્યકક્ષ બનવાના સિધ્ધાંતો સમજવ્યા “કામ કરતો જા, મને યાદ કરતો જા, મદદ તૈયાર છે. સત્ય અને ધર્મના આચરણ સાથે પોતાની જવાબદારી નિભાવનારને હું ચોકકસ મદદ કરું છું.
જીવનમાં મોટા મોટા કાર્યો કે સાહસોથી જ ક્રાંતિ આવે એ જરૂરી નથી. નાના સકારાત્મક આચરણથી હિમાલયને આંબી શકાય છે આ માટે કૃષ્ણને ભજવા અને બારીકાઇથી સમજવા જરૂરી છે॰

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: