પ્રજા વત્સલ રાજવી ( ભાગ -2 )

(ડોશીમાના તુકારા અને બાજરાના રોટલા એટલા મીઠા લાગ્યા કે એની પેઢીઓ પણ યાદ રાખે એવુ સન્માન કર્યું )

બાજરાનો બઢો

બપોરનો સમય અને સુરજનારાયણ અગ્નિ વરસાવતા હતા. ગોહિલવાડના ભાવનગરથી ૩૨ કિમી ભદ્રાવણ નામનુ ખેડુત અને પલેવાળ બ્રાહ્મણોનુ ગામ હતુ. મે સાંભળ્યુ એ મુજબ પલેવાળ જાતે બ્રાહ્મણ પણ ખેતી કરે એમ કહેવાય પલેવાળ બ્રાહ્મણોની પંગથ જમવા બેઠી હોય. એક માણસ ખોબા ભરી ચુરમુ પીરસતો જાય. પાછળ બીજો ઘીનો કિટલો કે ડબો હોય એ થાળીમાં રેડતો જાય. જ્યા સુધી બસ ન કહે ત્યા સુધી અટકવાનુ નહિ પછી ભલે થાળીમાંથી ઘી બહાર નીકળી જાય. નહિ તો આખી પંગથ ઉભી થઈ જાય. આપણી જેવા તો એમા જમવા બેઠા હોય તો અપચો થઈ જ જાય. ઇતિહાસમાં ઘણા પ્રસંગોમાં પલેવાળ બ્રાહ્મણોનો ઉલ્લેખ છે જે પરથી કહિ શકાય કે તેઓ ખુબ જ બળવાન અને બહાદુર હતા.

આ ગામમાં સૌ યુવાનો અને આધેડો ખેતરમાં ખેતી કરતા અને પંચોતેર એશી એ પહોચેલા ઘરે નાના મોટા કામ અને ઢોર ઢાંખર હોય તો એને સાચવવા,છોકરા સાચવવા જેવા કામો કરતા. એવામાં ગામના પાદરમાં આવેલી એક ડેલીમાં એક રાજપુત અસ્વાર આવ્યો અને કહેવા લાગ્યો છે કોઇ ઘરે? થોડુ પાણી પીવરાવો ને

એક માજી બહાર આવ્યા ને બોલ્યા અરે લોકો પાણીની પરબુ બંધાવે ને હુ પાણી તો આપુ જ ને વાલા

એમ કહિ માજી માટીના માટલામાંથી પાણીનો કળશો ભરી લાવ્યા અને કહ્યુ લે ખોબો ધર્ય

અસ્વારે ખોબો ધર્યો પણ પેલા કોઇ દિવસ આવી રીતે ખોબે પાણી પીધુ નહિ હોય એટલે અડધુ પાણી જ પીવાતુ હતુ.

ડોશીમાંએ ઓસરીમાં ઢોરણી (નાની ખાટલી) ઢાળી દિધી અને કહ્યુ દિકરા થોડી વાર આરામ કરી લે. મારે ચા નુ ટાણૂ થયુ છે એટલે ચા પીતો જા.

માડી તો રસોડામાં કામ કરતા જાય અને વટેમાર્ગુ સાથે વાતુ કરતા જાય. રસોડામાં ખેતરમાંથી ઉતારેલી ભીંડીની ભાજી લસણીયા મસાલાથી વઘાર કરી માટીના પાટીયામાં બનતી હતી. એમાય માજી લોકગીતો ગાતા ગાતા હેત પ્રેમથી રસોઇ બનાવતા હોય એનો સ્વાદ તો કઈક અલગ જ હોય. આ રસોઇની સુગંધ વટેમાર્ગુને આવી એની પણ સળવળવા લાગી.

વટેમાર્ગુએ કહ્યુ માંડી બહુ ભુખ લાગી છે, ભે અને ભુખ બહુ ભુંડા હો એમાય આ શાકની સોડમ તો પેટમાં અંદર સુધી પહોચે છે.

તો પછી બેહી જા ને દિકરા વયો આવ ઓછરીની કોર માથે લે સાંકળો ઢાળી દવ.

ડોશીમાંએ તો દિકરાને પીરસે એમ વટેમાર્ગુને બાજરાનો બઢો (અત્યારના રોટલાથી ડબલ), ગોળનો ગાઠો, ડુંગળીનો દડીયો અને કાંસાની તાસળીમાં ભાજી આપી. હારે ટાઢી અને ઘાટી છાશ આપી. વટેમાર્ગુ તો એટલો ભુખ્યો થયો હતો કે બધુ જ જાપટી ગયો અને ફરી કહેવા લાગ્યો માંડી તમે બહુ જ સ્વાદિષ્ટ બનાવ્યુ હો. આવુ ભોજન તો અમે ક્યારેય નથી ખાધુ. હજી બટકુ રોટલો અને થોડીક છાશ આપોને.

મારા રોયા આ ડોશી વાહે થોડુક રેવા દે જે હો એવો કટાક્ષ કરતા કરતા માજીએ ફરી હેતથી પીરસ્યુ. વટેમાર્ગ્રુ ભોજન કરીને વખાણ કરતા કરતા ફરી ઢોરણી ઉપર બેસી ગયો.

માજીએ પુછ્યુ તારુ ક્યુ ગામ દિકરા?

વટેમાર્ગુ માં ભાવનગર

માજી-હા તો એમ કેને અમારા મહારાજનુ ગામ છે.

વટેમાર્ગુ માડી તમે તમારા મહારાજને કોઇ દિ જોયા છે?

માજી- જો ભલે ને ન હોય પણ એની દાતારી અને રખાવટની વાતુ બોવ જ સાંભળી છે.

વટેમાર્ગુ ખડખડ હસવા લાગે છે અને કહે કે માડી તમને ભાવેણાના દરબાર મળે તો તમે શુ કરો?

માજી- અરે તો તો એના દુઃખણા લઉ અને એને હો વરહ જીવવાના આશિર્વાદ દઉ.

વટેમાર્ગુ- તો માડી જટ દુઃખણા લ્યો હુ પોતે ભાવેણાનો ભુપ છુ.

માજી- હે ના હોય? મારા રોયા હાંસુ બોલ્ય નકર ડોશીનો જીવ વયો જાશે.

ડોશીને વગર શિયાળે ટાઢ આવી હોય એમ ધ્રુજવા લાગ્યા. થોડીવાર તો મહારાજની સામે જોયા જ કર્યા. પછી થોડીવાર પછી સાધમાં આવીને મહારાજને પાયલાગણ કર્યા અને દુઃખણા લીધા અને હાથ જોડી કહેવા લાગ્યા હે મારા વીરા ભાવેણાના ભુપ મને માફ કરી દે જે. હુ તને ઓળખી ન શકી. મારા કરમ ફુટલા કયા જન્મે મને ભગવાન માફ કરશે કે અમારા અન્નદાતાને મે બાજરાના બઢા ખવરાવ્યા. મને ખબર હોત તો હુ મારા વાલા હારુ લાપસીના આંધણ મુકી દેત.

ત્યારે અઢાર સો પાદરનો ધણી એટલુ જ બોલ્યા કે માં મને લાપસી અને બત્રીસ પકવાન કરતાય મીઠા તારા હાથથી પ્રેમથી પીરસેલા બાજરાના બઢા અને એથીય મીઠા તારા તુકારા લાગ્યા.

થોડા દિવસ પછી ડોશીમાં ને રાજના તેડા આવ્યા. ડોશીમાંને મહેમાન ગતિ કરાવી અને મહારાજે એક સાંતીની જમીન તાંબાના પતરા પર લખી આપી. આવા હતા તે વખતના ઉદાર પ્રજાવત્સલ રાજવી.

મહારાજ કૃષ્ણકુમારસિંહજી વિશે જાણવા જેવી વાતો

આપણે પહેલા ભાગમાં જોયુ એમ કે અખંડ ભારતમાં સૌ પ્રથમ પોતાની રાજસત્તા સમર્પિત કરનાર પ્રથમ રાજવી તરીકે મહારાજ હતા.

ત્યાર બાદ સ્વૈરછીક એક રૂપિયાના પગાર લઈને મદ્રાસના રાજ્યપાલ તરીકે સેવા આપી હતી.

મહારાજ મદ્રાસ હતા ત્યારે પોંડિચેરી મહર્ષિ અરવિંદને મળવા ઇરછતા હતા. મહર્ષિ અરવિંદ વર્ષમાં ચાર વાર જ લોકોને મળતા હતા. મહારાજે જ્યારે તેઓ મળવાના સમયે જ મુલાકાતે પહોચ્યા. મહર્ષિ અરવિંદ મહારાજથી એટલા પ્રભાવિત થયા લે તેઓએ દોઢ કલાક ચર્ચાઓ કરી અને કહ્યુ કે તમારે મને મળવા કોઇપણ સમયે આવવુ હોય તો આવી શકશો. 

તેની ઉદારી અને રખાવટ માટે તેમને લોકો હિઝ હાઇનેસની પદવી પણ આપવામાં આવી હતી. 

Vijay M. Khunt ની કલમે 

કલમના કસુંબલ

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: