આપણા ભારતીયોનાં પ્રિય આહારદ્રવ્યોમાં ‘મૂળા’નો સમાવેશ થાય છે. શાક અને કચુંબર તરીકે ઘણા પ્રાચીન સમયથી આપણે તેનો ઉપયોગ કરતા આવ્યા છીએ. શાકભાજી તરીકે વપરાતા આ મૂળા એક ઉત્તમ ઘરગથ્થુ ઔષધ પણ છે. આયુર્વેદમાં તેના ઔષધીય ગણોનું સવિસ્તાર વર્ણન મળે છે.
મૂળાનું સંસ્કૃત નામ મૂલક અર્થાત જમીનમાં કંદ રૂપ એવો થાય છે. ગુજરાતીમાં મૂળા, હિન્દી-ઉર્દુમાં મૂલી, ફારસીમાં તુરબ, સંસ્કૃતમાં મૂલક, અરબીમાં ફજલ, અંગ્રેજીમાં Radish કહેવાય છે. ભાજી મૂળા અમે, તો પછી તું વળી કઈ વાડીનો મૂળો ? જેવી કેહવતો વડે મૂળો સમાજ જીવન સાથે વણાઈ ગયો છે.
કંદ શાક ગુણકારી હોય છે. કંદમાં મૂળાનો સમાવેશ થયો છે. મૂળા ખાવાથી અનેક લાભ થાય છે. તેમજ તે અનેક રોગોને મટાડે છે. આપણા દેશમાં પ્રાચીન યુગથી મૂળાનું સેવન કરવામાં આવે છે. ખાસ કરી ઠંડીની ઋતુમાં મૂળા ખાવાથી ખૂબ જ લાભ થાય છે. આજકાલ તો બારે માસ મૂળા મળે છે અને ખવાય પણ છે. ઘઉંના વાવેતરમાં મૂળા ઉગાડવામાં આવે તે મૂળા કલ્યાણકારી હોય છે. સામાન્ય રીતે મૂળા આહાર અને ઔષધદ્રવ્ય છે.