ખરલ કે ખાંડણી : એમાં લહોટેલા લસણ-મરચાનો સ્વાદ કેમ ભુલાય!

સૈકાઓ જૂની પથ્થરયુગની નહીં પણ બે ચાર દાયકાઓ જૂની વાત છે કે જ્યારે અમારા ઘરે કે પાડોશીઓમાં ક્યાંય ઇલેક્ટ્રિકથી ચાલતાં mixer કે grinder નહોતા પરંતુ તેની બદલે પથ્થરની ખરલ કે લોખંડ – પિત્તળની ખાંડણી જેવા સાધનો લસણ-મરચું-આદુ વિગેરે પીસવા કે લહોટી ચટણી જેવો મસાલો કરવા માટે વાપરવામાં આવતા હતા.

અમારા ઘરે રસોઈમાં લસણનો ખૂબ છૂટથી વપરાશ થતો એટલે જ્યારે પણ કોઈ નવરા હોય ત્યારે લસણ ફોલી નાંખે અને જરૂર પડે તેમ રસોઈમાં વાપરે. ક્યારેક ક-ટાણે શાક ન હોય તો ખાલી આ મસાલો અને રોટલીનો નાસ્તો પણ કરી લેતા. ઘાટા મસાલામાં થોડુંક પાણી નાંખી રોટલી પર ચમચીથી રોટલી પર લગાડી તેનું ભૂંગળુ કરી નાસ્તો તૈયાર! ઉપર બે પ્યાલા પાણી પી લેવાનું એટલે એક ટંક પણ નીકળી જતો હતો. એ સાધનો એટલે કે ખરલ આજે પણ મેં વતનથી લાવી મારી સાથે રાખ્યાં છે અને ક્યારેક તેનો ઉપયોગ કરી અને તે દિવસોનો સ્વાદ યાદ કરીએ ત્યારે આનંદ આનંદ થઈ જાય છે.

ધ્રાંગધ્રા શહેરનો અર્થ છે; ધ્રાંગ = પથ્થર અને ધરા = ભૂમિ એટલે કે પથ્થરની ભૂમિ. ચારેય બાજુએ પથ્થરની ખાણો આવેલી છે. એકદમ કડક પથ્થર નીકળે એટલે કાંકરી પણ ખરે નહીં અને આવો પથ્થર જ આવી ચીજો એટલે કે હાથઘંટી, ઘંટુલો, ખાંડણીયો, ખરલ, ઓરસિયો કે ખાંડણી બનાવવામાં વાપરવામાં આવે છે. અમારા માટે આ સાધનો ખૂબ જ મહત્વના હતા અને લગભગ સગા-સ્નેહીઓની પણ આવી ચીજોની જ માંગ રહેતી હતી.

આ સાધનો સાથે પ્રેમ પણ ખરો કારણ કે એક તો ધ્રાંગધ્રાના અને બીજું કે તાત્કાલિક નાસ્તો બનાવવા માટે હાથવગા સાધનો હતા. આ સાધનો ઉપરાંત મંદિરો-મૂર્તિઓ વિગેરે બનાવવા માટે પથ્થરોની મોટી મોટી શિલાઓ અહીંથી મંગાવવામાં આવે છે. આ પથ્થરને અપેક્ષિત ઘાટ આપનારા શિલ્પીઓ પણ સોમપુરા જ્ઞાતિના અહીં જ છે.

વાત છે ખરલની. કાના માતર વગરનો શબ્દ છે. તે બે સ્વરૂપે બને છે. તેની સાથેના એટલે કે તેના કૂળના બીજા સાધનો ખરા જેમાં ખાંડણી, ઓરસિયો અને કુંડીધોકો વિગેરેનો સમાવેશ કરી શકાય છે. આ બધી ચીજો અને ખરલ વચ્ચે શું તફાવત છે અને દરેકની શાબ્દિક ઓળખ પહેલાં જરૂરી બને છે. ખરલ એટલે કે લીસા કઠણ પથ્થરનો વાટવા-ઘૂંટવાનો ખાંડણીયો એવો અર્થ ભગવદ્દગોમંડલમાં દર્શાવેલો છે.

તે સિવાય ખરડ, લેપ, ખલનો બટ્ટો, ખલ, દસ્તો, ગુલામ કે નોકર એવા અર્થો પણ છે. બીજો શબ્દ ખાંડણીયો છે. તે પ્રમાણે તે પથ્થર અથવા લાકડાનું ખાંડવાનું સાધન છે. ત્રીજો શબ્દ છે તે ખાંડણી છે અને તેનો અર્થ છે અહીં તહીં ફેરવી શકાય તેવું લાકડાનું કે ધાતુનું ખાંડવાનું પાત્ર. ચોથો શબ્દ છે તે ઓરસિયો છે અને તેનો અર્થ સુખડ કે ચંદન ઘસવાનો પથ્થરનો કકડો.

આ દરેક સાધનો એકબીજાથી કદ, આકાર, ઉપયોગ અને સ્વરૂપ કે સહાયક સાધનોથી જુદા પડે છે. ખરલ એ પથ્થર કે આરસમાંથી બનતી ચીજ છે. તે મુખ્ય બે આકાર કે સ્વરૂપની હોય છે. એક તો સપાટ અને બીજી ખાડા વાળી. બંને સ્વરૂપમાં તેના ઉપયોગ માટે ઉભો કે આડો નાનો પથરો જોઈએ કે જે નીચેના સાધન સાથે વસ્તુને દબાવી વાટે છે. એક લંબચોરસ પથ્થર સામાન્ય રીતે ફૂટથી સવા ફૂટનો લાંબો, અડધા ફૂટનો પહોળો અને ત્રણ ચાર ઇંચની જાડાઈનો હોય છે. તેમાં જ્યોત આકારે ખાડો કોતરી લેવામાં આવે છે અને વચ્ચે ખાડો થાય છે.

જે વસ્તુને વાટવાની હોય તે તેમાં નાંખી પછી બીજું પથ્થરનું સાધન જે નીચેથી ગોળાઈ વાળું પણ પહોળું હોય છે અને ત્રણથી ચાર ઇંચનું ઉપરથી સાંકડું હોય તે એક હાથેથી પકડી તેના પર આગળ-પાછળ ફેરવવામાં આવે છે. પહેલા તેને મારીને નાના કટકા કરી લેવાય છે. પાણી ઉમેરી તેને ચીકાશ આપવાથી તે સારી રીતે મિશ્રિત થાય છે. જો વધુ વજનથી દબાણ આપવાની જરૂરિયાત લાગે તો ઉપલુ સાધન બે હાથેથી પકડી તેને ઘસવામાં-ફેરવવામાં આવે છે. શરૂઆતમાં અંદરની સપાટી ખરબચડી હોય તેવું બને પરંતુ ચાર-છ મહિનાના સતત વપરાશથી તે વાટવા-લહોટવાને અનુકૂળ બની જાય છે. વાટી લીધા પછી તેને આંગળીઓથી વાટકા-તાંસળીમાં ભરી લેવાય છે. છેલ્લે તેમાં થોડું પાણી નાંખી તે પણ રસોઈમાં લેવામાં આવે છે.

ખરલનો બીજો પ્રકાર કે સ્વરૂપ તે સપાટ હોય છે. આ ખરલનો પથ્થર એક થી દોઢ ફૂટ લાંબો, એક ફૂટ પહોળો અને બે થી ત્રણ ઇંચ જાડાઈનો હોય છે. તે લાબચોરસ આકારનો જ હોય છે પણ કોઈકમાં આગળનો હિસ્સો ગોળાઈ લેતો બે ઇંચનું માથું પણ હોય છે. તેના પર વેલણ પ્રકારનો બે ઇંચની ત્રિજ્યાનો લંબગોળ પથ્થર હોય છે જે છેડેથી બે હાથે પકડી મુકેલ વસ્તુ પર આગળપાછળ ફેરવવાનો હોય છે.

ત્રીજો એક પ્રકાર ખાંડણી જેવો પણ હોય છે જે ઉપરથી મોટા ગોળ મોઢા સાથે હોય અને નીચે તળિયે સાંકડી બની જાય છે. આ ખરલમાં ઉપરનો પથ્થર ગોળ ગોળ ફેરવી ચીજોને વાટવા-લહોટવામાં આવે છે. ખરલ હંમેશા બે ભાગમાં જ હોય છે પણ ઉપરનો વાટવાનો ભાગ દસ્તો કહેવાતો નથી તે માત્ર લોખંડ કે પિત્તળની ખાંડણી હોય તેની સાથે જ હોય છે. ઓરસિયો એક જ પથ્થર હોય છે અને તેના પર ચંદન-સુખડનું લાકડું ઘસીને લેપ તૈયાર કરવામાં આવે છે. કુંડીધોકો ગોળ અને ઉભા પથ્થરનો બને છે જેમાં વચ્ચે ખાંડણી જેમ અડધા ફૂટની ઊંડાઈનો ગોળાઈ વાળો સમાંતર ઊંડો ખાડો હોય છે. તેનો બીજો હિસ્સો તેમાં રહે અને ઉપર કોઈ લાકડી ભરાવેલી હોય તેનાથી ગોળ ગોળ ફેરવી પીસવામાં આવે છે.

ખરલનો ઉપયોગ રસોડાના એક સાધન તરીકે થાય છે તેમ સાથે આયુર્વેદિક દવાઓ બનાવવામાં પણ થાય છે. રસોઈમાં ખાસ તો લસણ આદુ મરચા વિગેરે લહોટવામાં તેનો મુખ્ય વપરાશ થાય છે. આથો લાવવાના હોય તેવા કઠોળ-દાળ પલાળીને તેને પીસવામાં પણ ખરલ વપરાતી હતી. કેટલાક દેશી ઓસડિયા બનાવવામાં પણ ઘરે વપરાય છે. જેમ કે જીરું કે હિંગ વિગેરે લહોટી તે નાના બાળકોને પીવડાવવા બનાવાય છે.

જો કે આ માટે રોજેરોજ વપરાતી ખરલનો ઉપયોગ ન થાય પણ તે માટે આરસની નાની ખરલ વસાવવામાં આવતી હોય છે. લિલી કે સૂકી હળદર વાટવામાં પણ ખરલ વપરાતી હોય છે. કોઈ વૈદરાજ વાટવું શબ્દ જ ખરલ કરવું તરીકે વાપરતા હોય છે. એક સમયે હાથમાં મુકવાની મહેંદી પણ અમે સપાટ ખરલ પર વાટી તેની લુબદી વાટકામાં ભરી આપતા હતા. આરસની ખરલ પણ સપાટ અને ખાડાવાળી જુદા જુદા માપની ઉપલબ્ધ હોય છે જે બે ઇંચથી શરૂ કરી અડધા ફૂટની મળે છે.

હાલમાં વાટવા કે પીસીને લોટ જેવી લુબદી ( paste ) બનાવવા માટે ઇલેક્ટ્રિક ઉપકરણો તરીકે જુદા જુદા પ્રકારના મિક્સર અને ગ્રાઈન્ડર બજારમાં ઉપલબ્ધ છે. જે વધુ સારી રીતે વસ્તુઓને ખાંડી-પીસી-વાટી આપે છે. ખાસ કોઈ મહેનત કરવી પડતી નથી. સમયની પણ બચત થાય છે. નોકરિયાત વર્ગો માટે આ સાધનો ખૂબ ઉપયોગી બની રહ્યા છે. ખરલનો ઉપયોગ કરવામાં સો ટકા લોટ જેવી લુબદી ન પણ બને અને શ્રમ પણ ખરો તથા સમય પણ લાગે છે. જો કે આ પરિવર્તનના યુગમાં સાથે કદમ મિલાવવા જ પડે છે.

એક વખત દરણુ પણ પથ્થરની હાથઘંટીમાં દળવામાં આવતું હતું પણ જે હાલ શહેર કે ગામડે ફ્લોર મિલ માં જ દળવામાં આવે છે. ખરલના વિકલ્પે હજુ ઘણાં પરિવારોમાં ખાંડણી-દસ્તો વપરાય છે જે લોખંડ-સ્ટીલ-પિત્તળ જે એલ્યુમિનિયમ માંથી બનેલા હોય છે. લાડવાના મુઠીયા પણ તેમાં જ ખાંડવામાં આવતા હતા જે માટે આજે ઇલેક્ટ્રિક સાધનો વાપરવામાં આવે છે. આ લુપ્ત થતી પથ્થરની ખરલમાં વાટેલી ચીજોનો સ્વાદ ખરેખર જુદો હતો અને તે નવા સાધનોના અસ્તિત્વ વાળી પેઢીને કદાચ ખ્યાલ ન હોય તેવું બની શકે છે.

સાભાર: ડૉ. રમણિક યાદવ

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: