એક બળદ બોલ્યો-ભાગ 2

બળદ તેનાં જુનાં માલીક ને મીઠો ઠપકો આપી ને તેની સામે છેલ્લી નજર કરીને ધીમે-ધીમે ડગલે હાલી નીકળ્યો..! બળદના હેતાળ હૈયાનો ભાર થોડોક હળવો તો થયો પણ અલગ થવાનું ટાણું હતું એટલે એનું મન બહુ મુંજાતુ હતું કારણ કે તેનાં જુના માલિક સાથે કદાચ આ તેની છેલ્લી મુલાકત હતી.. કદાચ આ ભવે પાછું ભેગું થવાનું ના પણ થાય.!.”નાતો”બહુ જૂનો હતો એટલે અળગા થવાની આખર વેળા એ દુઃખ તો થવાનું જ….!

થોડીવારમાં બળદ નો”ઈ”જુનો માલિક પણ ત્યાં થી ચાલ્યો ગયો..!

-ખેતીકામમાં ખંત થી મહેનત કરી ને ખપાવી દીધેલી પોતાની”કાયા”(શરીર)માંથી થોડીઘણી બાકી વધેલી દુબળી કાયા લઈને બળદ ને ધીમે ધીમે દુર જાતો મેં જોયો,એની વ્યથા મારૂ કાળજું ચીરી ને નીકળી ગયી હતી પણ મારી મજબૂરી એ મને મૂંઝવી દીધો..હું જોતો જ રહ્યો અને બળદ મારી આંખો સામેથી ઓઝલ થયી ગયો.સાંજ પડી હું ઘરે ગયો પણ મન પર ઇ બળદના દુબળા દેહ ની દયાભરી હાલત મારો બોજ બની ગયી હતી,તેમની દુઃખભરી કહાની મારાથી અળગી નહોતી થતી..હું વિચારતો રહ્યો..કે બાપલીયો બિચારો ક્યાં હશે..? .તેણે કાંઈ ખાધું હશે કે નહીં.! પાણી પીધું હશે કે નહીં…મન પર વિચારના વમળ અટવાઈ ગયા…સવાર થયું ,બીજો દિવસ ઉગ્યો.. પણ ગયા દિવસના ઇ બળદ વાળા સ્મરણો મારા થી છેટા જવાનું નામ નહોતા લેતા….હું ફરી એ જગ્યા એ ગયો..એક વડલાના ઝાડ પાસે એ બળદ ને બેઠેલો જોયો.બળદ ને જોઈને મારા ચિત ને જરાક શાંતિ થયી..રોડ ને કાંઠે એક નાનકડી હોટલ હતી ત્યાં થી પાણી ભરી ને બળદ ને પીવડાવ્યું એના તપતા કાળજ ને થોડી ટાઢક થઈ..

પછી મેં બળદ ને પૂછ્યું કે આ જગ્યાએ જ પાછું આવવુ હતું તો કાલે અહીંથી દુર ચાલ્યા જવાનું કારણ શું હતું..? બળદે કહ્યું કે ભલા માણસ..કાલે મારો જુનો માલિક અહીં મારી સામે ઉભો હતો,એની સાથે મારે વરસો જૂનો દિવસ-રાતનો નાતો-વહેવાર હતો..એના જુના દિવસો મારા થી જરાઇ અજાણ્યા નથી,ઇ નળીયા વાળા એના જુના મકાન,તેના ઇ તુટેલ-ફાટેલ લૂગડાં ને એના જુના સમય ની એમની હાલત…!…એમની બધી જ મને ખબર છે..,મેં મારા માલીકને આર્થિક સધ્ધર કરવા માટે મહેનત કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું..! એના દુખિયારા દિવસો બદલવામાં માટે મેં દિવસ-રાત તનતોડ મહેનત કરી છે..હવે વખત બદલાઈ ગયો..હવે જો…મારો જુનો માલિક બની-ઠની ને મારી સામે ઉભો હોય એવા સમયે એની હાજરીમાં અહીં આસપાસના કોઈક લોકો મને”રેઢિયાળ”બળદ કહીને બોલાવે તો…? તો તો મારૂં કાળજું ફાટી જાય…અને ખીજમાં મારા થી મારા જુના માલિક ને બેશબ્દો વધુ પડતા કહેવાય જાય ને.. તો મારા માલીક ને દુઃખ થાય…! એટલે હું અહી થી દુર ચાલ્યો ગયો હતો,અને સાંજે અહીં પાછો આ જગ્યા એ આવી ગયો..અને આ હાલતમાં મારાથી બહુ દુર જવાઈ તેમ પણ નથી અને જાવું પણ ક્યાં..?

આમ થોડીઘણી વાતચીત થઈ પછી મેં બળદ ને કહ્યું કે હવે હાલ હું તને.અહીં થી થોડેક જ દૂર મારા ગામની ગૌશાળા છે…ત્યાં મૂકી..જાવ..!.આ વાત સાંભળી ને બળદે મને ચોખ્ખી ના કહી દીધી..! મેં કહ્યું કે અરે પણ વાંધો શું છે…? બળદે મને ધીમેક થી જવાબ આપ્યો…ગૌશાળામાં અમારી માવલડીયું ગાયમાતાઓ હોય એના ચારામાં ભાગ પડાવવા મારે ત્યાં નથી જાવું અને જાવ…તો’યે પણ શું મોઢું લઈને જાવ.? અને.ત્યાં જાવ અને ગૌશાળામાં કોઈ ગાય માતા મારા જીવન ની જૂની આપવીતી પૂછે તો હું શું જવાબ આપું..?…

હું ખોટું બોલી ના શકું અને જો બધું જ સાચું કહી દઉં તો… મારી આ દુઃખ-દર્દભરી સઘળી આપવીતી સાંભળી ને ગાયમાતા ની”હાય”નીકળી જાય તો મારા ઇ જુના માલીકની દશા અને દિશા પલટી જાય અને એના માઠા દિવસો બેસી જાય, હું એવુ ના કરી શકું.! જે થવાનું હતું એ.થયું..કદાચ..મારા નસીબમાં આવું જ લખ્યું હશે.પણ હું મારા ઇ જુના ખેડુત માલીક અને એના છોકરાવ નું ખરાબ ના કરી શકું..અને આમેય હવે મારે ક્યાં જાજું જીવવું..છે..? હવે તો..બહુત ગઈ અને થોડી રહી.હવે જાવા નું ટાણું થયી ગયું..તમે મને મારા હાલ પર છોડી દયો..આસપાસમાં થોડું ઘણું કંઈક મળી જશે તો હું ખાઈ લઈશ..! નહિતર હવે મારો રામ રખવાળો..!

આમ આખરે બળદ મારી વાત ના માન્યો,, મેં આસપાસ થી થોડીઘણી ચારા ની વ્યવસ્થા કરી..હું અને મારો અન્ય એક મિત્ર દરરોજ દિવસમાં બે ત્રણ વખત ત્યાં બળદ પાસે જાઇએ અને બળદ ને ચારો-પાણી આપી આવીએ..આ કાયમ નો ક્રમ બની ગયો…સમય ધીમે ધીમે પસાર થવા લાગ્યો,બળદ ને ઘડપણે ભરડો લીધો હતો,ખાવા-પીવા માટે ચારો-પાણી તો મળતા હતા પણ એના કાળજે  જે કઠણ ઘાં વાગ્યો હતો,એ એને મનોમન મુંજવતો હતો,વિચારોના વમળમાં એ અટવાઈ જતો હતો,જુના સમયના સંભારણા ભુલી નહોતો શકતો,એક દિવસ મેં થોડું ખિજાઈ ને બળદને કહ્યું કે હવે અફશોષ કર્યે કાંઈ ફાયદો નથી,.આ જાદુગર જેવા જગતના સ્વાર્થભર્યા સગપણના ધોખા ના કર….! આ દોરંગી દુનિયાની દાનત થી દુઃખી થવા જેવું નથી..!

બળદે કહ્યું..મને એ વાત નું જરાય દુઃખ નથી..પણ..દિવસ-રાત,શિયાળો ઉનાળો,ચોમાસુ કાંટા,કાંકરા,ટાઢ-તડકો..કાંઈ પણ વિચાર્યા વગર વરસો સુધી મુંગે મોઢે મહેનત કરી હોય,માલિકના સુખમાં સુખી અને એના દુઃખમાં દુઃખી એવી શુદ્ધ અને પવિત્ર ભાવના મનમાં રાખી હોય,ઉપકાર નો કોઈ’દી બદલો પણ ના માંગ્યો હોય છતાં પણ અંત સમયે આમ આંગણે થી અળગા કરીને કાઢી મુકે…?

આ મારી કાંધ તો જોવ…? 15 વરસ સુધી કંધોલું(ધોસરી)ઉપાડી ઉપાડી ને મોટું ઝામું પડી ગયું..! સાતી કે ગાડું ખેંચતી વખતે એટલું ઝોર કરવું પડતું કે ક્યારેક તો.મારા.આંતરડામાં આંટી વળી જતી,કાંટા ને કાંકરા મારા પગ ફોલી ખાતા.. છતાં મેં મહેનત કરવામાં કાંઈ ઓછું નહોતું રાખ્યું,મેં મારૂં આખું જીવન ખપાવી દીધું અને મારો અંત આમ અતરિયાળ…..? અરે હું એના આંગણાં ની ધૂળ ચાટી-ને પાણી પી’ય ને મારી ઝીંદગીના થોડા ઘણાં રહી ગયેલા દિવસો પુરા કરી લેત..!..પણ આખર વેળા અને જાતી ઝિંદંગી એ મને આ ઝાકારો”વહમો”બહુ લાગે છે…બસ આ વાત મારૂં કાળજું કોરી ખાય છે…!

બળદ ની આંખ માંથી આંસુઓ ની ઝીણી ઝીણી ધાર વ્હેવા લાગી…! હૈયું ભરાઈ ગયું..ને વાત કરતા કરતા બળદ રીતસર ચૌધારા આસું એ રડી પડ્યો…!

થોડાક જ દિવસોમા બળદે ખાવા-પીવાનું બંધ કરી દીધું એનું હાડ સુકાવા માંડ્યું..પછી તો ઉઠવા બેસવામાં અને ચાલવામાં તકલીફ પડવા લાગી..આવી હાલતના થોડાક દિવસ થયા.હશે,,.શરીર સુકાઈ ને પીંજરું થયી ગયું હતું..બળદના ઊંડા અને લાંબા શ્વાસ અને એની આંખોના ધીમા પલકારા મને કહેતા હતા કે હવે ખોટી મહેનત ના કરો..મારે જવા નું ટાણું થયી ગયું…છે..હવે.મારી વિદાય નો વખત આવી ગયો છે….!

બળદે મને છેલ્લા શબ્દો કહ્યા…મેં તમને હેરાન કર્યા..બની શકે તો મને માફ કરજો .! હવે મારૂં એક છેલ્લું કામ પણ કરી દેજો..મારો એ જૂનો માલિક તમને ક્યાંક મળે ને તો એને મારા આ ભવના છેલ્લા રામ રામ કહી દેજો ને.!

આટલું કહીને બળદે પોતાના શ્વાસ ની માયા સંકેલી લીધી,બળદ ની ખુલ્લી રહી ગયેલી આંખો ને મેં ધીમે’ક થી ઢાંકી દીધી અને આમ ફરજ,નિષ્ઠા,કર્તવ્ય,અને વફાદારી ભરી જીવન લીલા સંકેલી ને એક પરઉપકારી અને પવિત્ર જીવડા એ સદા ને માટે આ પૃથ્વીના પટ ઉપર થી અંતિમ વિદાય લઈ લીધી
-એની વિદાય વખતે મને પણ બહુ દુઃખ થયું..પણ કુદરત પાસે કાળા માથાના માનવી નું શું ગજજુ…?

-ભગવાન જાણે આ બળદ ક્યાં જન્મ્યો હશે,ક્યાં ઉછેર્યો હશે,ક્યાં કાંધીયો થયો હશે,કોના ખેતર ખેડયા હશે.! ખેડીને કોને ખવડાવ્યું હશે..અને કોણ એને અહીં મૂકી ગયું હશે..? ..કાંઈ જ ખબર નથી પણ એની હાલત જોઈને સ્પષ્ટ લાગતું હતું કે આ બળદે વરસો સુધી ખેતર ખેડી ને એના ખેડુત માલિકને અન્ન-ઉપજ ઉગાડી ને તેમને આર્થિક સધ્ધર બનાવવામાં ખુબ મહેનત કરી હશે,બસ..જગત જમાડવા ને કાજે જેણે પોતાનું આખું આયખું ખપાવી દીધું.. એની આંતરડી અંત સમયે આમ દુભાણી..બસ એ વાતનું દુઃખ બહુ હતું..!

પણ સ્વાર્થના સમયનું વહેણ ફરી વળે ત્યારે ઉપકાર એમાં સૌથી પહેલો તણાઈ જાય છે.
આજે પણ ક્યારેક એ જગ્યા પર જાવ છું તો ઇ બળદ ને યાદ કરું

-ઘેલું આહીર

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: