એક ખેડુત ની અધુરી કહાની…

ઉતરતા વૈશાખના ધોમધખતા અને તપતા તાપમાં એક ખેડુત પોતાના ખેતરમાં બળદ જોતરીને સાતી હાંકે છે,શેઢે આવીને જરાક સાતી ઉભું રાખીને બળદ ને પોરો આપે છે, ઉપર આભ સામે નજર નાખીને જુવે છે કે ક્યાંય વરસાદ અણસાર દેખાય છે…?

દુર દુર દેખાતા આછા-પાતળા વાદળા જોઈને ખેડુત વરસાદ ને મીઠો ઠપકો આપે છે કે…

દુકાળ નો દાઝેલો છું,હવે મોડું કરીને મને મુંજવીશ નહિ..!

વ્હેલાહર વરસી ને,મારો વખત તું ઉકેલી લેજે વાલીડા..!

વૈશાખ ગયો..ને જેઠ મહિનો પણ નીકળવા આવ્યો ને હવે તો અષાઢ આવીને ઉભો રહ્યો,પશુઓના ચારા-પાણીની તંગી વેઠીને માંડ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા આ ખેડૂતે ફરી વરસાદ ને સાદ કર્યો…

જેઠ કોરો જાય ,એનો ખલકમાં પણ ખટકો નહિ …!

પણ

આ અષાઢ નો એક એક દિ’,મને વરહ જેવડા લાગે વાલીડા..!

સમય પસાર થયો,વરસાદના વાદળોએ આકાશમાં દેખા દીધી,મેઘરાજાએ મ્હેર કરી,વધુ તો નહિ પણ વાવણી થાય એવો વરસાદ થયો,ખેડુત નું મુર્જાયેલું મન ફરીથી કોરી ને લીલુછમ્મ થયું,મોંઘુ બિયારણ ખરીદયું,…ખેતરને શેઢે જઇને ધરતીમાત ને વંદન કરીને હરખભર સાથિયો પુર્યો અને વાવણીના શ્રી ગણેશ કર્યા

વિશ્વાસે વાવી જાણ્યું ,વહરુ નથી વિચારવ્યું વાવણી ટાણે..!

ધાન તને ધીંગુ ધર્યું,”હવે સઘળું”ધરતી માત”તું જાણે…!

તહેવાર તો ઘણાં હોય પણ ખેડુતના જીવનમાં”વાવણી”એ પણ એક ઉત્સવ થી કાંઈ ઓછું નથી

ઘરે સાંજે મીઠું ધાન રાંધ્યું,સૌ પરિવારે સાથે બેસીને જમ્યુ,સગા વ્હાલાઓ ને ફોન કરીને વાવણીના સારા વાવડ દીધા

ખેડૂતના હૈયામાં આજ અનેરો આનંદ હતો કારણ..! આજે એ રૂડા સપનાનું વાવેતર કરીને આવ્યો હતો

વાવણી થઈ ગયી એની ખુશી તો હતી પણ ખેડુતના મનમાં થોડો કચવાટ એ વાત નો હતો કે..વાવેલું સરખું ઉગી તો જાશે ને ?

કાયમ સવારે ઉઠીને ખેતરમાં આંટો લગાવે,બેસીને નીરખીને ઉગવણ જોય.!

સરખી ઉગવણ થયી ગયી,ખેડુત પરિવાર ખેતીકામમાં લાગી ગયું,નિંદામણ દૂર કરવું,દવા છાંટવી,સાતી હાંકવું,આવા ખેતીકામમાં સૌ જોતરાઈ ગયા…

ધીમે ધીમે 1 મહિના જેવો સમય થયો અને આફતના એંધાણ વર્તાણાં..! વાવણી સમયે સામાન્ય વરસાદને કારણે નદી-નાળા કે તળાવોમાં પાણી નહોતા આવ્યા..એટલે કુવા ખાલ્લીખમ્મ હતા,સુકાતી મૌલાત ને પાણી ક્યાંથી પાવું..?

દેખવું અને દાઝવું,વરસાદની અછત ઉભી થયી,મોંઘામુલું વાવેતર બળવા લાગ્યું,જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ ખેડુત ઝાંખો પડતો જાય છે..

ખેડુત ભગવાન ને કહે છે

તારે ભરોષે વાવી જાણ્યું,આ જગત જમાડવાને કાજ…!

સઘળું છે હરિવર તારે હાથ,હવે વ્હાલાં મારી રાખી લેને લાજ..!

ઉગેલી મૌલાત ને મુરજાતી જોઈને મજબૂત મનના ઇ માનવી પર ચિંતાના વાદળ ફરી છવાઈ ગયા,એક પછી એક ઉપાધિ આથમવાનું નામ નથી લેતી,ખેતરના ખૂણા ખાલી થવા લાગ્યા..

ખેડુત ભારે હૈયે ભગવાનને કરગરીને કહે છે કે મારા”વ્હાલા”મને હવે વ્હમું બહુ લાગે છે હો…! વધુ તો તને શું કહું પણ..મેં માંડ કરીને રોપ્યું છે..મારો બધો ખેલ બગડી જાશે,..હવે ભલાઈ કરીને મારૂ થોડુંક ધ્યાન રાખને. તો…ભારી કામ થાય..?

અચાનક ભગવાન જાણે.. કદાચ ભગવાને યાદ આવ્યું હશે….ને વરસાદનું આગમન થયું..ને ફરી ખેડુતને ઘરે”હરખ”નું આગમન થયું.

આ વખતે ખુબ સારો વરસાદ થયો હતો

નદી,નાળા,તળાવો ને કુવા..નવા નિર થી છલકાઈ ગયા,ને સાથે સાથે ઇ ખેડૂતનું મનડું પણ ખુશીઓ થી છલાકાઈ ગયું,પાણીની અછતથી થોડો-ઘણો પાક બળી ગયો હતો તેની નવી સોંપણી કરી,ને બધું દુઃખ ભૂલીને ફરી સૌ કોઈ ખેતી કામમાં લાગી ગયા,

વજનદાર દવાનો પંપ ઉપાડીને આખો દિવસ દવાનો છંટકાવ કરે છે તો વળી રાત્રીના સમયે વીજ-પુરવઠો આવતો હોય તો થાક કે ઉજાગરાઓ ને ગણકાર્યા વગર દિવસ-રાત મહેનત કરે છે,

સાપ,વીંછી કે જંગલી જાનવરોની પરવા કર્યા વગર પાણી વાળવાનું કામ કરે છે

આવા સમયે રાતના ઘનઘોર અંધારામાં ખેતર વચ્ચે એકલો ઉભેલો એ ખેડુત મનોમન પોતાના દીકરા-દીકરીને ભણાવવાનો ખર્ચ-લગ્નપ્રસંગનો ખર્ચ, સામાજિક ખર્ચ અને જુનું થઈ ગયેલું પોતાનું મકાન રીપેર કરવાનું ખર્ચ..અને લોન અને ઉછી ઉધારાના લીધેલા રૂપિયાનો હિસાબ..!આવા અનેક હિસાબ એ ખેડુત એટલા માટે કરે છે… કારણ કે આવા હિસાબ એને ક્યારેય ઉંઘ ના આવવા દયે. !

આમ ખેડુતે અને ખેડુત પરિવારે રાત-દિવસ ઉજાગરા વેઠીને કાળી મજૂરી કરીને ખેતરને ઉપજ થી ભરી દીધું,

માં આદ્યશક્તિ ઈશ્વરીના નવલા નોરતાનો ઉજળો તહેવાર આવ્યો,દીકરીએ ખેતીકામમાં ખુબ મદદ કરી હતી,પોતાની લાડકવાઈ દીકરીને ગરબે રમવા માટે મનગમતા કપડાં લઇ દીધા,ઉમંગ થી નવરાત્રીના તહેવાર ની ઉજવણી થયી,બધું રૂડુ ને રૂપાળુ ચાલતું હતું..મન ભર્યું ભર્યું લાગતું હતું,હવે થોડા દિવસમાં ઉપજ ઉપાડવાનો સમય આવશે..સારી ઉપજ થાશે,પાક સાચવીને શિયાળુ પાક નું વાવેતર કરવું છે,આ વર્ષે ભલે વધુ મહેનત કરવી પડે પણ મજૂરીકામના ખોટા ખર્ચ નથી કરવા આવી સૌ પરિવાર વાતો કરે છે…..

પાકને ઉપાડવાનું ટાણું થયું,પાક ને જમીનથી અલગ કરીને ખેતરમાં ગોઠવ્યો,ખેડુતે પોતાના ખેતરમાં રૂડા તોરણ બાંધ્યા હોય એવું રૂપાળું દ્રશ્ય દેખાતું હતું..

10-12;દિવસ પાક સરખો સુકાઈ જાય પછી જ આગળ લણણી કે થ્રેસર ચલાવવાનું કામ થયી શકે.!

આ વાતને લગભગ ચાર-પાંચ દિવસ થયા અને..ફરી આભ ઘેરાણું,કાળા ડિબાંગ વાદળો ઉમટીયાં,ને સાથે વેરી બની ને પવન વછૂટીયો..! ખેડુતનો જીવ તાળવે ચોંટી ગયો,,,ખુલ્લા ખેતરમાં આખા વરસની કમાણી પાથરે પડી છે,આમાં માલઢોરનો ચારો છે,હવે કરવું શું..? થોડા ઘણાં ફાંફા માર્યા પણ આખુ ખેતર ઢાંકાઇ એવળું ઓઢણું લાવવુ ક્યાંથી  ? પવન સાથે ધોધમાર વરસાદ ચાલું થયો,નજર ની સામે પોતાની મહા મહેનત ની મૂડી ઉપર પાણી ફરતું જોઈને એ કાળા માથાનો માનવી ભાંગી ને ભુક્કો થયી ગયો,લાચાર વદને ઉપજને પલળી ને ધૂળ થતી અને ઉડી ને બહુ આઘી જતી બસ જોતો જ રહ્યો..!

વરસાદે એનું કામ કરી લીધું..! હિંમત કરીને એ બાપડો ખેડુત બેઠો થઈ ને આમતેમ જોવે તો સામે….કાંઈ જ નહોતું..!

હતું ઇ તો બધું આજ હારી ગયો હતો””

મજા બગાડી નાખતા મારી,દિલમાં તેં થોડી દયા પણ ના ધરી.!

અણધાર્યો આમ આવીને,,વાલીડા તું સિદને થયો મારો વેરી. !

આથમતા સુરજ ને સામે નજર કરીને કહ્યું કે મારા જેવો આવો માઠો”દિ”કોઈનો ના ઉગશો.!

સાંજ પડવા આવી હતી,ઉઘાડે પગે ધીમે ધીમે ઇ ખેડુત ઘર બાજુ હાલતો થયો,આજ એને ઘરનો પલ્લો બહુ દૂર લાગતો હતો,ધીરે ધીરે ઘરે પહોંચ્યો.

સુખ-દુઃખ હોય કે તડકો-છાંયો હોય હંમેશા “ઇ”ખોરડાની ખાનદાની સાચવીને બેઠેલી ખેડુતની પત્ની “વખત”વર્તી ગયી.! એટલે પોતાની દીકરીને ઈશારો કરીને કહ્યું કે તારા બાપુ ને ચા-પાણી આપ તો ? આનું કારણ કદાચ એટલું જ હશે કે પોતાની વ્હાલી દીકરીને આ રીતે જોઈને કદાચ ઘડીભર માટે સળગતા એના ક્લેજાને કોઠે થોડી ટાઢક થાય..!

ખેડુત પત્નીને સમજી ગઈ હતી કે વધુ વાતું કરીને વલોપાતમાં વધારો કરાવવાનું આ ટાણું નથી..સૌ કોઈ ચૂપ હતા,ઓસરીમાં ખેડુતના ઘરડા”માં”બેઠા હતા

મોઢે બોલું”માં ,તો મને હાંચે જ નાનપણ સાંભરે

પછી

આ મોટપ ની માયા,મને કડવી લાગે કાગડા….!

“માં”પાસે જઈને ખેડુત થી જારક બોલાઈ ગયું…”માં”આ વરસાદે ભારે કરી.હો.,મારો આખો ખેલ બગાડી નાખ્યો..માં..!

આપણે ખેતીમાં થોડુંક નુકસાન થયું છે હો.!

કૈક કાળ-દુકાળના વાણાં વિતાવી ચુકેલી એ”માવડી”એ ધીરેક થી જવાબ આપ્યો.

નુકસાન થોડુંક નહિ…પણ ઘણું થયું હશે.દીકરા…પણ આપણે તો ખેડુના વ્યા (સંતાન) કહેવાઈએ..હાયલા રાખે..મોળું ના પડાય. આપણે કરમે કઠણાઈ માંડી હશે..આ આપણાં હાથની તો વાત નથી ને..! કરમમાં હશે તો ભગવાન હજી આપી દેહેં…હવે હાથ-પગ ધોઈ ને ખાઈ લે…હળ્યાપટ્ટીને વલોપાત કરીને તને ભૂખ લાગી હશે..! માવડીના મોઢેથી આવું સાંભળીને ખેડુતના કલેજે ટાઢક નો શેરડો થયો… એટલામાં મોબાઇલ ની ઘંટડી વાગી..! ઘરથી બહુ દૂર ભણતા દીકરાનો ફોન હતો..! ખેડુત એના દીકરા સાથે વાત કરે એ પહેલાં એની દીકરીને ખબર પડી ગયી કે..ભાઈ નો ફોન છે…એટલે દીકરીએ એના બાપને કહ્યું કે.. બાપુ..આપણી મૌહમ બગડી ગયી ને..ઇ વાત તમે ભાઈ ને ના કહેજો..ભાઈ બહુ ઉપાધિ કરશે..! આટલું કહ્યું ત્યાં તો દીકરીની આંખમાં ઝળઝળીયાં આવી ગયા..!

દીકરીએ બાપને જમવાનું આપ્યું..પેટ ની આગ ઠરે એટલું થોડુંઘણું જમીને એ ખેડુત થાકીને ભગવાનનું નામ લઈને સુતો..પણ નીંદર કેમ આવે ?

ખેડુત ફરી હિસાબ લગાવવા માંડ્યો

શિયાળુ પાક વાવીશ..આ વાવીશ તેં વાવીશ..ખુબ મહેનત કરીશ..ઉપજ આવશે એમાંથી આટલી આવક થાશે..લોન ભરીશ..આવું કરીશ તેવું કરીશ..આમ હિસાબ કરતા કરતા થાકી ને આખરે ઊંઘ આવી ગઈ

સવારે ફરીથી ખેડુત પરિવારે ખેતર ભણી પગ ભર્યા…વરસાદથી સઘળું વેરવિખેર થયી ગયું હતું..મજબૂત મને સૌ પરિવારે પોતાના ખેતીના ઓજારો,અને વિખરાયેલું ખેતીસામાન ભેગું કર્યું..બીજું તો કાંઈ લેવા જેવું ક્યાં કાંઈ હતું ?..બસ.પોતાના માલઢોરના ચારાની આમતેમથી વ્યવસ્થા કરી..ને ખેડુતે એની પત્ની અને દીકરીને કહ્યું કે હવે તમે ઘેર જાવ…આમાં કાદવ-કીચડમાં ખોટું હેરાન થવા જેવું નથી…

ખેતરને ખુણે બળદ બાંધ્યાં હતા,ખેડુતે પોતાના વ્હાલસોયા બળદો માટે આમ તેમથી થોડાઘણાં ચારાની વ્યવસ્થા કરીને બળદને આપ્યો અને કહ્યું કે લ્યો..મારા બાપલીયાવ.. મારૂ તો અન્ન ઉડી ગયું પણ તમે તો થોડુંક ખાઈ લ્યો ????

છેલ્લે ખેડુત પોતાના ખેતરને ખૂણે એકલો બેઠો બેઠો છેલ્લી વાર ભગવાનને ઠપકો આપે છે કે

મેં વાવ્યું,મેં સીંચ્યું  ,ને વળી મેં જ વાઢીને વરતાવ્યું

તોય

ધણી ને ના ધરાણું,મેં જ ઉગાડ્યું,ને મારા થી જ અભડાયું..?

જેવી તારી મરજી મારા વ્હાલા પણ..

ખંત થી ખૂબ ખપાણાં,મહેનત કરીને મારા તનડા સુકાણાં.!

તડકે તપીને શેકાંણાં,તો’યે વ્હાલા..મારા વે’વાર ના સચવાણાં..!

મૂંઝવણ વેઠીને બહુ મુંજાણાં,અને મારા જ અન્નના દીવડા

ઓલવાંણાં.?

આ અથવા આવા ખેડુત સાથે મારી મુલાકત થયી..હું એને વધુ દુઃખી કરવા નહોતો માંગતો..પણ મેં ધીમેક થી પૂછ્યું કે નુકસાન તો બહુ થયું..છે…પણ હવે શું કરશો…? હવે આગળ શું વિચાર્યું

ખેડુતે કહ્યું કે હવે શું કરે જે થવાનું હતું ઇ થયું..પણ હવે જો વરાપ નીકળે ને ખેતર સુકાઈ તો ફરી ખેડ કરીને બીજું શિયાળુ વાવેતર કરવું છે..બીજું તો આમાં જેટલું વિચારિએ એટલું ઓછું પડે..

મેં ફરી પૂછ્યું કે આવી હાલતમાં તમને એમ તો થતું હશે ને કે સરકાર થોડી-ઘણી મદદ કરે ?

ખેડુતે કહ્યું કે…જો ભાઈ.આમાં હું કોઈનો વાંક નથી કાઢતો,કુદરતી આફત આવી પણ ભારતને પગભર કરવામાં મેં કાંઈ બાકી નથી રાખ્યું..રાત-દી મહેનત કરી, અનાજ ઉગાડીને ભારતનું પેટ ભર્યું છે.!

હવે સરકારને બીજું તો શું કહું પણ મેં ખેતી થકી ઘણાંને ઘણું દીધું.છે,હવે એ મુદ્દલ તો સરકાર મને કોઈ દી’ના દઈ શકે પણ ઇ મૂદલના વ્યાજના વ્યાજ માંથી થોડુંક વળતર દઇ દયે તો હું જરાક બેઠો થયી જાવ..!

મારે કાંઈ મફતમાં નથી જોતું,મેં પાકવિમાનું પ્રીમિયમ ભર્યું છે,આ નુક્સાનીનું વળતર વીમા પેટે મને મળે તો મને થોડીક રાહત થઈ જાય..!

મારી પાસે બોલવાના કોઈ શબ્દો તો નહોતા છતાં મેં પૂછ્યું કે તમે વીમા માટે નુકસાની ની ક્યાંય અરજી કરી છે….?

ખેડુતે બસ એટલું જ કહ્યું કે..મારા ઘેલીયાભાઈ…આ મારી હાલત તો તું જો..? આવી હાલતમાં હું ક્યાં જઈને આવા અરજીના ઉતારા નાખું ? હું મારૂ આખું વરસ હારી ગયો છું.!..હું મારી મહેનતની મૂડી ખોઈ બેઠો છું.!.હવે આ અરજીના ધક્કા ખાવાની મને અડફ (હિંમત) નથી રહી..! અને અરજી કરવા ગયો હતો પણ ન્યા ઓલા ધોળા લૂગડાં વાળા લાઈનમાં આગળ ગોઠવાઈ જાય છે..મારા જેવા મેલા લૂગડાં વાળાઓનો વારો નથી આવવા દેતા

“મારી પાસે હવે કાંઈ રહ્યું નથી,શિયાળુ પાક નું વાવેતર કરવું છે પણ ભીડ મને ભરડો લઈ ગઈ..છે,મુંજવણ બહુ છે,એટલે માંગુ છું અને એ પણ હક્કનું માંગુ છું.! પણ.

નથી જેના હૃદયમાં રામ,ત્યાં જઇ વેંણ શું નાખવા …!

હવે ખોટા જીવ બાળવા,કહોને..હવે અમારે ઉતારા ક્યાં જઈ નાખવા..?

ખેડુતે કહ્યું કે..હવે તું જ કે..હું શું બોલું…?

-મેં કહ્યું…ના હવે બસ…!

નોંધ-આ વાત ફક્ત જણાવેલ અથવા જણાવેલ એવા જ ખેડુતને લાગુ પડે છે..-લૂગડામાં દાગ નથી થવા દેતા-જેને ખબર નથી કે એના ખેતરમાં શું વાવ્યું-ખેતર ભાગામું દઈને પોતે શણગાર સજીને આંટા મારતો હોય,રાજકિય લાભ ખાટવા ખોટા ઢંઢેરા પીટતો હોય,ખેડુતની મદદની વાતો કરે અને સરકારી સહાયમાં સૌથી પહેલાં લાઈનમાં ઉભો હોય,ખેતરે મજુર કામ કરતા હોય અને પોતે માવો ચડાવીને મોબાઈલમાં મનોરંજન માણતો હોય,મોટર-મોટરસાઇકલ લઈને મોજડી કરતો હોય,ખેતરે કામ કરતા બાપાને કોઈ દિ”ટાણે ચા-પાણી આપવા ના ગયો હોય અને ખોટા દેકારાની પંગતમાં પહેલાં બેઠો હોય..આવા અમુક પ્રકારના ખેડૂતને ઉપરોક્ત બાબત બહુ ઓછી લાગુ પડે છે

શબ્દ-ચુક કે ભુલચુક રહી ગયી હોય તો ક્ષમાં ચાહું છું

“”જય જવાન”…”જય કિસાન..!

ઘેલુ આહીરના..સૌને જય દ્વારકાધીશ..!

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: