ખેડુત અને બળદ નો નાતો

”ગામ ના ચોરે”ગામ ના પાધર ના વડલા કે પિપળા ના છાયે બાંધેલા ઓટલે કે પછી કોય ના કારજ ના પ્રસંગે ભેળા થયેલા એંશી નેવુ વરહ ના બોખા મોઢા ના થોથરાતા કંઠે વાલપ ભરેલા વેણ કો’ક દિ કાન ના કમાડ ને કયારેક ઉઘાડા મેલી ને આવા ભાભા ઓ ના ભોળપ થી નિતરતા વેણ ને કાન મા પ્રવેશવા દેશો તો આપણા ભવ્યભુતકાળ ને માણવા મળશે જાણવા મળશે ને તેની જાળવણી કરવા ના બિજ નુ તમારા રદય મા રોપાણ થશે અને આપણા વડીલો તો બાપલા આપણા ભવ્ય ભુતકાળ ની નજીક પહોચાડવા ની એક કેડી સમાન છે એની કરકચલી વાળી લબડતી ચામડી ભાળી ને આઘા ન ભાગતા એની નજીક જાજો અને તમે જેટલા ઓરા જશો એટલી એટલી આપણા વિતેલા જમાના ની વાતુ ઓરી (નજીક)આવશે ને તમને માહીતી નો ખજાનો અને મુંજવતા પ્રશ્ન ના જવાબો મળી જશે

જયારે દરીયા’દે(દક્ષિણ)થી ભગવાને પંખો સાલુ કરી દિયે છે વાતાવરણ મા ઘાવર(ભેજ)બેસી જાય ને દરીયા માથી જોટા મારતો પવન ઠેઠ હેમાળા ને ધક્કો દેવા મંડીજાય ત્યારે સમજી લેવા નુ કે સોમાચું કયાક નજીક મા હશે…આવુ વાતાવરણ વર્તાવા મંડે ત્યારે ખેડુત ના દિકરા ને ગાય માતા ના દિકરા યાદ આવે ધોરી(બળદ)વિના કોણ ધરતી માતા ના પેટાળ બિજ વાવી ને વસુંધરા ને કોણ લિલવરણી ઓઢણી ઓઢાડી શકે…ગાય ના ગોધા ને માત ના જોધા ભેળા થાય ત્યારે ધરતી માતા હરીયાળી બની શકે ને અન્ન ના ભંડાર સલકાવી ને માનવી ના પેટ ના ખાડા પુરાય છે.

ગામડા ગામ મા ગાય માતા ની કુંખે જન્મેલા નાના નાના ગોઢલ્યા નાના નાના વાછલડા ઓ ખેડુત ના દિકરા ઓ હરખાતા હૈંયે પાળતા હોય છે….શુ કામ….?એટલા માટે કે મોટા થઇ ને એ ગાયુ ના ગોધા મારુ મારા દિકરા ની જેમ કામ કરશે કયારેય આળસ નહી કરે આવી અંતર ની આશા સાથે વાછડા પાળી ને સગા દિકરા ની જેમ ઉજેરી ને મોટા કરતા હોય છ નાની નાની ઘુઘરીયુ બાંધે ફુમકા વાળા મોરડા મોઢે ચડાવે ને બળ વધારવા માટે બાજરા ના લોટ મા મિઠુ ને હળદર ભેળવી લોટ બાંધી અને એના પિંડલા બનાવી બનાવી પેટ ભરી ને ખવડાવતા હોય છે આમ પુરે પુરી સાચવણી પછી નાક વિંધી ને નાથ નાખવા મા આવે છે નાક બરાબર રૂજાય જાય પછી એને પલોટે વેતા કરે(પલોટવા કે વેતા કરવા એટલે ખેતર મા સાતી એ કેમ ચાલવુ જેની તાલિમ આપવી એને પલોટવા એવુ કહવાય છે)પલોટ્યા પછી વાછડા ને બળદ…ઢાઢા…કે ધોરી કહેવાય છે ઇ બળદ ખેડુત ને પોતા નો ધણી માની ને જે કહે તે કામે લાગી જાય છે અને ખેડુત ના દકરા પણ ખુબ જ ખ્યાલ રાખે છે.

વાવણી ને હજી વાર હોય ત્યા ગામ મા ઘાણી હોય તો ગામ મા નહીતર બાજુ ના ગામ મા જઇ ને ચિંગ કે તલ પીલાવી ને એમા થી તેલ નિકળે તે પોતે ખાય ને જે ખાણ નિકળે તે વાવણી ટાણે બળદ થાકી ન જાય નળવાય ન જાય એટલે કે દુબળા ન થઇ જાય એટલા માટે બકડીયા ભરી ભરી ને તેલ નિતરતા ખાણ આપી ને બળદ ને મજબુત બનાવી ને રાજી થતા હોય છે વાવણી વાત કરીયે તો વાવણી થઇ જાય ને વાવણીયા જોડવા નો વખત આવે ત્યારે બળદ ના શિંગડા ઓ એ ઘી ચોપડે માથે ને કોટ્યુ એ અબીલ ગુલાલ લગાડે ને કંકુ ના ચાંદલા કરી ને મોઢા મા ગોળ ના ગાંગડા મેલી ને ગળ્યા મોઢા કરાવે અને હડમાનદાદા ને તેલ ચડાવી ને પછી વાવણીયા જોડતા હોય છે…

ખેતરે જતા સામે મળતા બાળકો ને પાંચીયુ દસીયુ આપી ને રાજી કરતા ત્યારે મેધરાજા પણ માનવી ને મન મેલી પાણી વરસાવી ને રાજી કરતા આજે આપણા મન ટુકા થતા જાય છે ને વરસાદ પણ ટુકા થતા જાય છે આ બધા આપણા જ વાવેલા બિજ ના ફળ છે…..ખેડુત જયારે વાવણી કરવા જાય ત્યારે મજા ની વાત તો ઇ છે કે આખો દિવસ ખેતર ની ખુતકણી માટી મા હાલી હાલી ને થાકી ગયેલા બળદ ના માટે ઉના ઉના પાણી તૈયાર રાખતા બળદ આવે એટલે ઉના પાણીયે પગ જારી નાખતા આખા પગ ને ગરમ પાણી પંખાળી ને પછી જ ખિલે બાંધી ને નિરણ ખવડાવતા જેથી થાક ઉતરી જાય ને નિંદર પણ સારી આવી જાય

અને હા વાવણી ના ટાણે તો ડોકે બાંધેલા ઘુઘરા પણ રાતે છોડી લેતા કેમ કે બળદ હલ્લે ને ઘુઘરા નો અવાજ થાય ને બળદ ની નિંદર બગડે એટલા માટે રાતે છોડી લેતા ને દિવસે પાછા બાંધી દેતા પછી તો વાવણી બાવણી ઉકલી જાય ને સોમાચુ જામે ને ચરીયાણ મા ગોઠણ ગોઠણ સામુ લિલુચમ ખડ ઉભુ હોય એમા ચરવા માટે છોડે અને વરસાદ સરૂ હોય છત્રી ન હોય તોય ગોવાળ પલળતો પલળતો પણ બળદ ધરાય ન રહે ત્યા સુધી ચારતો પોતે દુખી થાય પણ બળદ ને કદી દુખી ન થવા દેય પણ હવે વરહતા વરસાદ મા બળદ ચારે એવી શક્તિ રહી નથી અને ઇ જમાના તો ભાઇ પલળનાર માણસ ના શરીર માથે નજર નાખો તો ધુમાડા ના ગોટા નિકળતા કેમ કે દેશી ખાણુ હતુ ઘી ગોળ ને સવાર મા ગોરહ મા ટાઢો રોટલો છોળી ને ખાતા ચા જેવુ કઇ હતુ નહી અને હશે તો ગરઢા બુઢ્ઢા પીતા હશે જવાનડા ઓ ને લગભગ દુધ રોટલા ના જ બંધાણ હતા.

બળદ ની સાથે જે ખેડુત નો નાતો હતો જેવા પોતાના પેટ ના દિકરા ને પ્રેમ કરે એમ પંપાળતા ખેતર મા સાતી હાલતા હોય ને બળદ હારે વાતુ કરતા હોય એમ આમ હાલ્ય ને કયા જાય છે મોલ નો છોડવો સાતી ની હડફેટે આવી જાય ને બબડવા મંડે એલા આને હાલવા ની ખબર જ નથી પડતી માળો રાની જેવો..આવો પ્રેમ કરી ને બળદ ને જાણે આમણી ભાષા સમજતા હોય એમ ઠપકો આપતા અને બળદ ને કાયમ હાકી જ લેવા એમ નહી…..હા…બળદ ને પણ રજા ના દિવસો નક્કી કરેલા હતો દર અમાસ બળદ માટે રજા નો દિવસ જાહેર કરેલો હતો.

આજ પણ અમારા પરગણા મા કોઇ સાતી નથી જોડતા અને બેસતા વરસ થી લઇ ને આખા વરસ ના તમામ તહેવારો એ પણ બળદ ને પો’રો ખાવા દેવા મા આવે જ છે…અરે ભાઇ માયબિજ ના પેંડા…ખિહર(મકરસક્રંતિ)ની તલસાકળી કે ઉતાસણી ના…ચૈતરી ના…ભાદરવી ના…..સાતમ આઠમ ના…કે ભાદરવી ના ઢેબરા…પેલા બળદ ને ચખાડી ને પછી જ જમતા…આપ જાણતા જ હશો કે અષાઢી બિજ ના દિવસે તો સુર્ય નારાયણ અસ્ત થાય ને આછુ આછુ અંધારુ ધરતી માથે ઉતરે એ સમયે ગામડા ના ભળા રદય ના માનવી ઓ થાળી મા સાકર લઇ ને આકાશ સામે મિટ માડી ને બિજ માવડી ના દર્શન કરવા ઉમટી પડે છે .

અને બીજ ના દર્શન થાય ત્યારે જે પ્રાથના કરવા મા આવે છે તેમા પણ બળદ ને સાથે રાખી ને પ્રાથના કરતા હોય છે ને બોલતા હોય છે કે”હે બીજ માવડી ચુંલે તાવડી ને બે ગાધા ને એક ગાવડી”આ માંગણી માં ગામડા ની માતા ઓ અને ભાઇ ઓ એવી પ્રાથના કરતા હોય છે કે હે,,,,,બીજ માવડી તુ અમારા ચુલે તાવડી તપતી રાખજે એટલે કે અમારી કોઠીયે દાણા ન ખુટવા દેતી ને દાણા ન ખુટે તોજ ચુલે તાવડી રહે એટલે પ્રાથના કરે છે કે હે બીજ માવડી તુ એવો વરસાદ વરસાવ કે આવતા વરસે અઢળક અન્ન પાકે ને અમારી કોઠીયુ ધાન થી ભરાય જાય એટલે કહે છે ચુલે તાવડી..અને બે ગોધા ને એક ગાવડી એટલે કે અમારી ગાવડી ને હેમખેમ રાખજે જેથી અમારા છોકરા ઓ દુધ ખાય ને અમને બળદ મળતા રહે જેથી અમારી ખેતી સલામત રહે આવી માગણી કરી ને પછી સૌ ગળ્યા મો કરે

આવી રીતે બળદ સાથે ગામડા ના ખેડુતો નો અપાર નાતો રહ્યો છે અને રહેશે આખી જીંદગી જે ખેતર મા જે ખેડુત સાથે આવો નાતો બંધાયેલા બળદ ને જ્યારે બુઢ્ઢાપો આવે કાયા થરથરવા મંડે તે સમયે પણ ખેડુત સાથ આપે બળદ ઉભો ન થઇ શકે તો આજુ બાજુ મા થી માણસો ને બોલાવી ને બળદ ને ઉભો કરે ને સેવા કરે આમ કરતા કરતા જ્યારે એવુ લાગે કે બસ હવે અંતિમ સમય સમય આવી જ ગયો છે ત્યારે ખેડુત ભારે હૈયે અને જળજળીયા ભરી આંખે બળદ ના નાક મા નાખેલી નાથ કાઢી ને માથે હાથ ફેરવી ને કહે કે ભાઇ તે મારુ ખુબ કામ કર્યુ જા તુ મારા લેણા માથી મુક્ત થયો અને આવતા અવતારે વાણીયો વેપારી થાજે જા બાપ મારા થી તને દુખ અપાયુ હોય તો મને માફ કરજે ભાઇ આમ આજીજી કરી ને આખુ ઘર અગીયારસ ના ઉપવાસ ના પુણ્ય આપી ને વિદાય કરતા હતા અને બળદ ના મૃત્યુ પછી જેમ દિકરો ખોયો હોય ને જેમ માવતર દુ:ખી થતા હોય એમ દુ:ખી થતા હોય છે ગામડા ના ખેડુતો

લેખક..રામ આહીર

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: