ટેપરેકર્ડની કેસેટ – દિનેશ સી.પ્રજાપતિ

આ એ દિવસોની વાત છે જ્યારે CD, DVD નું નામોનિશાન નહોતું . TV પણ નહિવત હતાં . રેડિયો પછી મનોરંજનનું જો કોઈ માધ્યમ હોય તો તે ટેપરેકર્ડ હતું. જેને આપણે ટૂંકમાં “ટેપ” જ કહેતા.

એ વખતે ટેપ ઘરમાં હોવું એ રૂઆબ ગણાતો. જેને ત્યાં ટેપ હોય ત્યાં ગીતો, ભજન, આખ્યાન, કે કોઈ કથાઓ, વાર્તાઓ વગેરે સાંભળવા લોકો જતા. ટેપના માલિક પણ એટલા દયાળુ હોતા કે પોતે એકલા ક્યારેય ન સાંભળે. આજુબાજુના ઘરોમાં કે આખા મહોલ્લામાં અવાજ પહોંચે એટલા વોલ્યુમથી જ ટેપ વાગે. ક્યારેક તો મહોલ્લાની બહાર સુધી પણ “ચેકીંગ” કરવામાં આવતું કે ત્યાં સુધી અવાજ પહોંચે છે કે નહીં .

આ ટેપમાં કચકડાની કેસેટ(ફોટામાં છે તેવી) લગાવવામાં આવતી. શોખીનોના ઘરે આવી ટેપની શૂટકેશો ભરેલી રહેતી. કોઈ નવી કેસેટ બહાર પડી નથી કે ખરીદી નથી. લગ્ન, હવન, ભજન, મેળાવડો, વરઘોડા જેવા પ્રસંગો મુજબ કેસેટો વગાડવામાં આવતી. કેટલાક એવા શોખીન ટેપરસિયાઓ પણ હતા કે જેમને ટેપ ખરીદવાની સ્થિતિ નહોતી પરંતુ રસ એટલો કે મિત્રોનું ટેપ થોડા દિવસો માટે માંગી લાવતા. અને મિત્રો પણ એવા કે આપતા પણ ખરા. માંગીને લાવેલું ટેપ પણ ઘરમાં જે વાગતું હોયને એની મોજ પણ જોવા જેવી હતી.

ટેપની કેસેટમાં પ્લાસ્ટિકની પાતળી પટ્ટી રહેતી. ટેપમાં કેસેટ ભરાવીને સ્વિચ દાબીએ એટલે અંદરનાં ચકકર ફરવા લાગે. પટ્ટી હેડ સાથે ઘસાય એટલે ગીત વાગવા માંડે. ક્યારેક આ હેડ ઘસાઈ જાય ત્યારે જાતજાતના અવાજ પણ નીકળતા. કોઈ ખરાબીને લીધે ક્યારેક કેસેટની પટ્ટી અંદરના ચકકરમાં ફસાઈને વીંટો વળી જતી. પછી ગાડી ત્યાં અટકે. કેસેટને બહાર કાઢીને ફસાયેલી પટ્ટીને ધીરેધીરે બહાર કાઢવામાં આવે. પૂરેપૂરી જો નીકળી જાય તો ઠીક. નહીંતર પટ્ટી તોડીને કાઢવી પડતી. પછી “સોલેસન”? થી સાંધીને પેન્સિલ કે બોલપેન કેસેટના ચકકરમાં ભરાવીને પટ્ટી વીંટવામાં આવતી.

કેટલાક ટેપમાં રેકૉર્ડીંગની સુવિધા પણ આવતી. “પ્લે ” અને “રેકૉર્ડીંગ” બન્ને સ્વિચો સાથે દબાવીએ એટલે કેસેટ ફરવા લાગે. એ દરમિયાન જે કંઈ બોલીએ તેનું કેસેટમાં રેકૉર્ડીંગ થઈ જતું. પછી રિવર્સ ફેરવીને કરેલું રેકૉર્ડીંગ સાંભળવાની મોજ પડતી. આ એક અચરજ નો વિષય હતો. ક્યારેક નાનાં બાળકોને રડાવવાં, કોઈ ઝઘડો , બોલાચાલી, કોઈની વાતો તો ક્યારેક એકલા એકલા જેવું આવડે તેવું ગાઈને રેકોર્ડ કરી લેવામાં આવતું.

કેસેટ પણ અવનવી આવતી. “ટી-સીરીઝ” નો ત્યારે જમાનો હતો. “આપણે તો ટી-સીરીઝ સિવાય બીજી કોઈ કેસેટ વાપરીએ જ નહીં ને. બે-પાંચ રુપિયા વધારે થાય પણ પાછળ જોવું તો ના પડે. ” આવો રોફ રાખનારા ટેપમાલિકો પણ હતા. આવા મિત્રોનું ટેપ વાગે ત્યારે ખબર પડતી કે ટેપનું તો ગળું કોઈકે દબાવી રાખ્યું છે.

કેટલાક રસિકજનો મનગમતાં ગીતોનું લિસ્ટ બનાવી રાખતા. અને એવાં ગીતોની જ સ્પેશિયલ કેસેટ ભરાવતા. ત્યારે પાટણમાં ચતુર્ભૂજ બાગ આગળ બે-ત્રણ લારી ગલ્લા વાળા કેસેટ ભરવાના માસ્ટર ગણાતા. એમનો રૂઆબ પણ જોવા જેવો હોતો. ગીતોનું લિસ્ટ અને કોરી કેસેટ આપીને ગ્રાહક એમ કહે કે “જો જો હોં ભાઈ, કેવી મસ્ત કેસેટ ભરો છો” ત્યાં તો કેસેટવાળાનો અહમ્ ઘવાતો. મોંઢામાં એક ગાલ ફાટી જાય એટલો માવાનો ડૂચો ભર્યો હોય, ગટરમાં થૂંકની પિચકારી મારીને મોંઢું ઊંચું રાખીને ભાઈ બોલે એ પણ જોવા-સાંભળવા જેવો લ્હાવો હતો. “ટમટમારે બેફિકર રે’વાનું. આપડા જેવી કેસેટ જો કોઈ અમડાવાડમોં યે ભડીયાલે ને બોસ ટો આપડે હાવ મફટ કેસેટ ભરી આલવી. ” એ બોલતો હોય ત્યારે માવામિશ્રિત થૂંકના છાંટાથી બચવાની જવાબદારી આપણી જ રહેતી.

કેટલાક ટેપમાલિકો સાર્વજનિક ભાવનાવાળા હતા. તો કોઈક એકકલસૂરા પણ હોતા. ટેપ જોરશોરથી વાગતું હોય. આપણે સાંભળવા જઈએ તો બંધ પણ કરી દે. “હેંડો હવે ઊંઘો.” કહીને બારણું વાસી પણ દે. પરંતુ આવા લોકો ભાગ્યે જ હતા. બાકી પોતે પણ મોજથી સાંભળે અને બીજાઓને પણ મોજથી સંભળાવે એવા સૌ હતા.

મિત્રો , વિતેલા સમયની આપણા ગામડાની આ એક યાદ છે. પછી તો ટીવી, સીડી, ડીવીડી, બધું આવતું ગયું તેમ તેમ ટેપરેકર્ડ જમાનો ઓસરતો ગયો. આજની પેઢી તો કદાચ ઓળખતી પણ નહીં હોય. પરંતુ શું એ સમય હતો.! શું મોજ હતી. !

વાહ.. મારું મોજીલું કુણઘેર વાહ.. !

લખનાર –  દિનેશ સી.પ્રજાપતિ, i love my Village, Kungher..

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: