મારા ખેતરની એક સાંજ – દિનેશ સી.પ્રજાપતિ

“ભઈ, તારે ઘેર નથી આબ્બું..?” કાકાએ વાડામાંથી મને બૂમ મારી.

“હું થાડીવાર પછી આવું છું. ખેતરમાં એકાદ આંટો મારતો આવું.”

“હારું તાણ, અમે જઈએ સીએ. આ પૂળો વાઢેલો પડ્યો સે એ ભેંસને નોખતો આવજે. કટલું બરોબર આડું દેતો આવજે.” એમ કહીને કાકા-કાકી ઘર તરફ નીકળ્યાં.

“એ… ભલે..” એમને હોંકારો દઈને હું વાડામાંથી ખેતરમાં દાખલ થયો.

સામજીક કારણોસર આજે મારા વતન કુણઘેર જવાનું થયું. બપોર પછી ઘરે નવરો બેઠો હતો, તો એમ થયું કે લાવ ખેતરે આંટો મારતો આવું. ખેતરનો વિચાર આવતાં જ મન એકદમ ઉછળી જ પડ્યું. તરત જ ગાડી લઈને ખેતર તરફ દોટ મૂકી.

પાચ મિનિટમાં ખેતર આવી ગયું. રસ્તાની બાજુમાં ગાડી મૂકીને હું વાડામાં દાખલ થયો. હું કોઈ વિચિત્ર પ્રાણી હોઉં એમ સમજીને વાડામાં બાંધેલી ભેંસો મને જોઈને ભડકી. કૂદમકૂદ કરીને સાંકળ તોડી નાંખે એમ કરવા લાગી. મેં બૂચકારી બૂચકારીને માંડ શાંત પાડી. વિશ્વાસ બેસતાં ભેંસો પણ શાંત થઈ ગઈ.

આ ધમાચકડીનો અવાજ સાંભળીને ખેતરમાં કામ કરતાં કાકી દોડી આવ્યાં. “શું થ્યું ભઈ..? ભેંસે હોંકળબોકળ તોડી તો નહીં ને..? ”

“ના, ના.. કશું જ નહીં થ્યું કાકી. એ તો મને જોઈને ભડકી’ તી.”

“શું કરીએ ભઈ..? અજોણ્યાને ભાળે એટલે આવું કરે સે..” કાકીએ ભેંસો ભડકવાનું કારણ બતાવ્યું.

વાત પણ સાવ સાચી હતી..? હુ પણ અજાણ્યો જ હતો ને..! મને બરાબર યાદ છે કે આ વાડો કેટલો ભર્યોભાદર્યો રહેતો હતો..! વર્ષો પહેલાં આ વાડામાં કેટકેટલું વાવવામાં આવતું..! રજકો, ટમેટાં, બટાકા, ભીંડા, વાલોળ, મેથી, મરચાં વગેરે. અહીં અમારા કાકાબાપાની કેટલી બધી ભેંસો બંધાતી..! દિવસમાં ઓછામાં ઓછા બે આંટા આ વાડામાં હું મારતો જ. નોકરી મળ્યા બાદ અહીં આવવાનું સાવ ઓછું થઈ ગયું. ક્યારેક આવવાનું થાય તો મહેમાનની જેમ જ. એટલે વાડો મારાથી અજાણ્યો નહોતો પણ ભેંસો માટે તો હું અજાણ્યો જ હતો.

હું અતીતને યાદ કરતો કરતો વાડામાં ફરતો રહ્યો. ત્યાં સુધીમાં કાકીએ ભેંસ દોહી લીધી હતી. દિવસ ઢળવાની તૈયારી હતી. એટલે મને ઘરે ચાલવાનો સાદ પાડીને કાકા-કાકી નીકળી ગયાં. અને હું વાડની પેલી બાજુ સાવ અડીને જ પથરાયેલા ખેતરમાં દાખલ થયો.

ખેતરના શેઢે પગ મૂકતાં હું ત્યાં જ સ્થિર થઈ ગયો. પૂર્વ-પશ્ચિમ પથરાયેલું મારું ખેતર એ જ મસ્તીથી આળોટતું પડ્યું હતું. ઉપર આકાશમાં સૂરજદેવ અંધારામાં ઓગળી જવા જાણે ઉતાવળા બન્યા હતા. સવારથી જ ખોરાકની શોધમાં નીકળી પડેલાં પંખીઓએ પણ જલ્દી માળામાં પહોંચવા માટે દોટ મૂકી હતી. અવની પરનાં ઓજસ્ ઓસરવા લાગ્યાં હતાં. સીમમાં કોઈ માનવી કે પ્રાણી દેખાતું નહોતું. ધરતીનાં ધાવણ પી ને ઉછરેલાં ઝાડવાં પણ ચૂપચાપ રાત વિતાવવાની તૈયારી સાથે સ્થિર થવા લાગ્યાં હતાં. સૃષ્ટિ પરની હલચલ શાંત થવા લાગી હતી. હા..સીમની એક સાંજનું આ અવની પર ધીરે ધીરે અવતરણ થઈ રહ્યું હતું.

આ.. હા..હા… ! શું મનોરમ્ય દ્રશ્ય હતું એ..! ચારેકોર વિરલ શાંતિ પથરાયેલી હતી. આકાશના એકતારને લઈને સૂરજ ધરતી પર ઉતરતો હોય ત્યારે એવું લાગે કે આ ધરતી-નભનાં જાણે કે છેડાછેડી ના બંધાઈ રહ્યાં હોય..! ધરતી અને આકાશના આ મિલનને માણવું હોય તો એના માટે કોઈ એકાંત આળોટતી સીમના સાંન્નિધ્યમાં જ જવું પડે.

થોડીવાર ત્યાં જ ઊભા રહીને કુદરતની આ કળાને હું જોતો રહ્યો. પછી ખેતરની માટીમાં પગલાં ભરતો આગળ વધ્યો. થોડો ઠપકો અને અઢળક આત્મિયતાથી ખેતરે આવકાર્યો મને. એની માટીની મહેંકથી તન-મન તરબતર થઈ ગયાં. મારા ખેતરની “મહેમાનગતિ”ને માણતો હું એક શેઢા પર આવીને બેસી ગયો. ચારેકોર નજર દોડાવી તો ભૂતકાળનાં અઢળક અઢળક સંસ્મરણો વેરાયેલાં પડ્યાં હતાં.

મારું આ ખેતર.. પેઢીઓની પેઢીઓથી સૌના પેટનો ખાડો પૂરવાનો એકમાત્ર આધાર. જ્યારથી “સમજણ” આવી ત્યારથી માંડીને આજ સુધી આ ખેતર સાથેનો મારો નાતો અતૂટ રહ્યો છે. (અને જીવનના છેલ્લા શ્વાસ સુધી રહેશે.) અમે નાના હતા ત્યારે માત્ર રમવા અને મોજ કરવા જ બા-બાપુજી સાથે ખેતરે જતા. મન કરે ત્યાં સુધી રમવાનું, ધોરિયાની ભીની ભીની માટીમાં ચકલીનું ઘર બનાવવાનું, માટીના લાડુ બનાવવાના, ક્યારેક નાના નાના ક્યારા બનાવીને ખેતર-ખેતર રમવાનું. દેશી નળિયાંનું બળદગાડું બનાવીને સાંઠીકડાંનો “ભોર” ભરવાનો. લોખંડના તારની ગાડી બનાવીને ટ્રેકટર-ટ્રેકટર રમવાનું. એને ખીલીઓની કલ્ટી લગાવીને નાનકડું ખેતર પણ ખેડતા.

બપોરે “ભાતું” આવે એટલે જલ્દી જલ્દી જમવા બેસી જતા. અહીં ખેતરમાં એક ખિજડો હતો. એના છાંયડામાં જ બધાં ભાતું ખાવા બેસતાં. કકડીને ભૂખ લાગી હોય એટલે લુખ્ખો રોટલો પણ મીઠો લાગતો. ઘી, ગોળ, થોડું શાક, રોટલો, છાશ ખાવાની ખૂબ જ મજા પડતી.

પછી મોટાં બધાં કામે વળગે. અમે લીમડાના છાંયડે ખાલી કોથળાની પથારી કરીને આડા પડીએ. ઠંડા પવનની લહેરખી ક્યારે નિંદરમાં તાણી જતી એની પણ ખબર ના પડતી. ઢળતા દિવસે બા વાડામાં ભેંસ દોહવા જાય ત્યારે નાનકડી પાડી સાથે રમવાની, એને ઘાસ ખવડાવવાની ખૂબ જ મોજ પડી જતી.

સાંજ પડે ત્યારે ડર લાગવા માંડતો. ભૂત, ચૂડેલ, સીમબિલાડો, હડકાઈ શિયાળ, વગેરેની વાતો સાંભળીને એના વિશેનો ડર મનમાં ઘર કરી ગયેલો. એટલે હવે બધાં ક્યારે ઘરે જવા નિકળે એની ઉતાવળ રહેતી. ઘરે પાછા ફરતાં ગાડામાં પણ કોઈ મોટેરાંને લપાઈને જ બેસતા. કોઈ બીક લાગે એવી ભયંકર જગ્યા આવે ત્યાં આંખો જ બંધ કરી દેતા. આમ એ વખતે વગડાની સાંજ અમારા માટે હોરર ફિલ્મ જેવી બની જતી.

જેમ જેમ મોટા થયા તેમ જવાબદારીઓ વધતી ચાલી. મને ખેતીનો ખૂબ જ શોખ. ખેતર, વગડો, જંગલ ખૂંદવાં ખૂબ જ ગમે. મોટા બાપુજી આ ખેતરમાં હળ હાંકતા હોય ત્યારે શિરામણ, ભાતું, બપોરની ચા વગેરે લઈને હું જ જતો. બાપુજી શિરામણ કરે, જમે ત્યાં સુધી હું હળનો આંટો મારવાનો પ્રયત્ન કરતો. બળદને વાગવાની બીકે બાપુજી મને વઢતા, મનાઈ કરતા. પરંતુ હું જીદ્દ કરીને પણ હળ હાંકતો. એમ કરતાં કરતાં હળ હાંકવું, બળદગાડું હાંકવું, વાવણી કરવી, ભોર ભરવો, વાઢવું, લણવું, ખાતર નાંખવું, પાણત કરવું જેવાં તમામ ખેતીનાં કામ હું અહીંયાં જ શીખ્યો હતો. પછી તો બાપુજી પણ મને સામેથી હળ હાંકવા બોલાવતા.

હું નવમા ધોરણમાં ભણતો હતો ત્યારે બાપુજીનું અવસાન થયું. મજૂરી જ એક આધાર હતો. નાની ઉંમરમાં મજૂરીએ ઘણુંબધું શીખવાડી દીધું હતું. ખેતમજૂરી ખૂબ જ આકરી હતી. પરંતુ થોડી જવાબદારી, થોડો શોખ, થોડી જરૂરિયાત, થોડી મોજ આ બધું ભેગું કરીને મેં આ ખેતમજૂરીને પણ સામાન્ય બનાવી દીધી હતી. આમ છતાં થાક એ થાક.. લાગે તો ખરો જ… !

આ જ ખેતરમાં મજૂરી કરતાં કરતાં આવી અનેક સાંજને ઢળતાં મેં જોઈ છે. રમવા-કૂદવાની ઉંમરે એક પાકટ વયના માનવીની જેમ અહીં મજૂરી કરી છે. મોડે સુધી મથીને કામ પડતું મૂકીએ ત્યારે થાકને લીધે અહીંયા જ ખાધાપીધા વિના સૂઈ જવાનું મન કરતું. ક્યારેક બપોરે ભાતું મોડું આવવાથી કે સાંજે અંધારા સુધી કામ કરવાથી કકડીને લાગેલી ભૂખને શાંત કરવા માટે ખેતરના ખિજડાની ફળીઓ પણ ખાધેલી છે. તો ક્યારેક આ જ ખેતરમાં વાવેલી જુવાર કે બાજરીના સાંઠાને શેરડીની જેમ છોલી છોલીને ચૂસ્યા છે. ક્યારેક વાડમાંથી ડોડીનાં પાન કે પાકી ગયેલાં ઘોલાં પણ ખાધાં છે.

શિયાળાની કડકડતી ઠંડીમાં રાયડો, ઘઉં કે એરંડાના પાકમાં આખી રાત પીયત પણ આ ખેતરમાં કરેલું છે. તો ક્યારેક ચોખ્ખો કરેલો ખેતીનો પાક કોઈ કારણસર ઘરે ના લઈ જઈ શકાયો હોય તો રાત્રે બાપુજી સાથે રખેવાળી કરવા પણ આ ખેતરમાં વાસો કરેલો છે. ક્યારેક રજકાને ઢોરથી બચાવવા બપોરે અહીં ખિજડાના છાંયડે જમાવતા. તો ક્યારેક ભૂંડના રંજાડને ખાળવા અડધી રાત સુધી ખેતરની ચારેકોર આંટાફેરા પણ મારતા.

ક્યારેક રાત્રે થ્રેસર આવવાનું હોય તો સાજે મોડે સુધી પાથરા ભેગા કરતા. ક્યારેક વાઢવા-લણવાનું થોડું જ રહી જતું હોય તો બીજો દિવસ ના બગડે એ માટે અંધારું થાય ત્યાં સુધી કામ લંબાવતા. ક્યારેક સરખા સરખા મિત્રો મળીને રાત્રે જુવાર બાજરીના પૂળા વાળવા પણ જતા. તો ક્યારેક આખી રાત બળદગાડાથી છાણીયું ખાતર આ ખેતરમાં નાંખતા.

મારા વતન કુણઘેરનું મારૂં આ ખેતર પણ ખરૂં છે હોં. જ્યારે જૂઓ ત્યારે નવું જ લાગે. સદાય હસતું લાગે. મસ્તીમાં આળોટતું લાગે. આપણને પણ આળોટવા સાદ દેતું હોય એવું લાગે. સાંજ પડે ત્યારે શાંત થતું લાગે. સવારે સળવળતું લાગે. દિવસભર પોતે રમતું હોય અને અમને પણ રમાડતું હોય. એની સાંજ પણ ખૂબ જ મનોરમ્ય લાગે. પહેલાં જેવો ભૂત, પિશાચ, કે સીમબિલાડાનો ડર હવે બિલકુલ નથી લાગતો. પરંતુ એ બાળપણ જેવી નિર્દોષ અને બેફિકરી સાંજ પણ અત્યારે એવી નથી લાગતી.

અચાનક મારી બાજુમાંથી સસલું ભાગતું નીકળ્યું. મારી તંદ્રા તૂટી. મેં આજુબાજુ જોયું તો સૂરજ સાવ સંતાઈ ચૂક્યો હતો. દિવસનો અંત થઈ ચૂક્યો હતો, પરંતુ મારા સંસ્મરણોનો ક્યાંય અંત નહોતો. હું પરાણે ઊભો થયો. ખેતરના શેઢે શેઢે આખી એક પ્રદક્ષિણા કરી. પછી વાડાના ઝાંપેથી પાછા ફરીને ખેતરમાં એક નજર નાંખી. સમી સાંજનાં ઓસરતાં અજવાળામાં મારૂં ખેતર પણ ધીમે ધીમે ઓગળી રહ્યું હતું.

પરિવારના પેટનું ભરણપોષણ કરનારી એ ભૂમિને ફરીથી મળવાનો વાયદો કરી, પ્રણામ સાથે ત્યાંથી હું નીકળી ગયો.

ધન્ય છે મારૂં વતન કુણઘેર, ધન્ય છે મારી એ પવિત્ર ભૂમિને, જ્યાં આજે પણ ગામડાનું ઓરિજિનલ જીવન અને એની સ્મૃતિઓ અકબંધ સચવાયેલી પડી છે. એને જેટલી વાર યાદ કરીએ ત્યારે તરોતાજા થઈ જવાય અને જીવન જીવવાનું નવું જ જોમ મળે. લાખ લાખ વંદન મારી જન્મભૂમિને…

તેથી જ એકવાર કહેવાનું મન થાય કે —

i love my Village, Kungher

લખનાર –  દિનેશ સી.પ્રજાપતિ, i love my Village, Kungher..

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: