“દાતણ”….. ગામડાની તંદુરસ્તીનું એક રહસ્ય – દિનેશ સી.  પ્રજાપતિ

“દાતણ લેવા સેએએએ…??”

“શીવીમા, દાતણ લેવા સે..??”

“એ….દાતણ લેવા હોય તો દાતણ….”

“એ..દાતણ આયા દાતણ…..”

“એ..રૂખીમા, બબુમા, જડીમા, દલશીમા, વાલીમા, કાશીમા.. દાતણ લઈ લ્યો દાતણ…”

“એ… તાજા તાજા દાતણ આયા દાતણ… ”

હમણાં જ થોડાં વર્ષો પહેલાં મારા વતન કુણઘેરના દરેક મહોલ્લે, ગલીએ આ સાદ સંભળાતો હતો. મારા જ ગામની દેવીપૂજક બહેનો દિવસ આથમે શેરીએ શેરીએ દાતણ વેચવા ફરી વળતી. બદલામાં એમને જમવાનું મળતું.

આ એમનો નિત્યક્રમ હતો. સાંજ પડે ને “દાતણ લેજો દાતણ” એવો સાદ સંભળાય જ. અમારા મહોલ્લામાં જે બહેન આવતી (નામ યાદ નથી ) એનો બોલવાનો આગવો લહેંકો હતો. શબ્દો પૂરા સંભળાય કે ના સંભળાય તોય માત્ર લહેંકો અને અવાજથી જ ખબર પડી જતી કે “દાતણવાળી” આવી છે.

જેને જરૂર હોય એ દાતણ લઈને બદલામાં જમવાનું આપતાં. ક્યારેક જમવાનું ન હોય અને કોઈક દાતણ માંગે તો પણ એ બહેન એમજ મફતમાં દાતણ આપી દેતી. જોકે મહોલ્લાના લોકો પણ ક્યારેક દાતણ ન લેવાનાં હોય તોપણ સામેથી જમવાનું આપતાં.

હવે, આ સીલસીલો બંધ થઈ ગયો છે. પરંતુ મને બરાબર યાદ છે જ્યારે મારું વતન કુણઘેર એ સાચા અર્થમાં “ગામડું” હતું. ત્યારે ટુથબ્રશ નામની બલા ખૂબ જ છેટી હતી. હા, સુરત, મુંબઈ કે અમદાવાદમાં હીરા ઘસતા લોકો જ્યારે વતનમાં આવે ત્યારે આ બલા જોવા મળતી.

ત્યારે લોકો કેટલા વહેલા જાગી જતા..! પથારી છોડે એટલે સૌપ્રથમ દાતણ જ લેવાનું. પછી જ બીજુ઼ં કામ. (અત્યારે તો ઉઠતાં પહેલાં જ બ્રશ કર્યા વગર પથારીમાં જ ચા પીવાની નવી ફેશન જાગી છે.) એકાદ વેંતનું બાવળ, લીમડો કે કણજાનું આંગળી જેટલું જાડું દાતણ હોય. એને ઝીણું ઝીણું ચાવીને કૂચો પાડી દેવાનો. પછી એનાથી દાંત પેઢાંને ઘસી ઘસીને સાફ કરી દેવાનાં. પછી એ જ દાતણને બીજા છેડેથી ચીરીને બે “ઉલિયાં” બનાવી દેવાનાં. એનાથી જીભ સાફ કરવાની. પછી કળશિયો ભરીને પાણીથી મોંઢું, ગળું બરાબર સાફ કરી દેવાનું. ત્યારબાદ જ સ્નાન કે ચા-પાણી વગેરેનો વારો આવે.

કેટલાક ઘરના ચોકમાં જ દાતણ પતાવે. તો વળી કેટલાક દાતણ અને કળશિયો લઈને ફળિયામાં કે મહોલ્લાના નાકા સુધી પણ જઈ આવે. કેટલાક તો દાતણ લઈને સાથે એક ડબલું ભરીને ખૂબ “મોટો આંટો” પણ મારી આવે.

“દાતણ કરવું” એ પણ એક કળા છે. આ કળા દરેકની જુદી જુદી હતી. કેટલાકે દાતણ લીધું નથી કે ફટાક દઈને બે મિનિટમાં તો એનો ધી એન્ડ આવી જાય. કેટલાક ધીમે ધીમે ચાવે, ધીમે ધીમે ઘસે, ઊલ પણ સાવ સાચવીને ઉતારે. બરાબર કોગળા કરે. અડધોએક કલાક દાતણમાં લે. તો વળી કેટલાક દાતણ કરતા હોય ત્યારે આખા મહોલ્લાને ખબર પડી જાય. કૂચો ચાવતાં ચાવતાં આંટા મારતા જાય, વાતો કરતા થૂંક ઉડાડતા જાય, અડધું દાતણ ચાવી ગયા હોય. પછી ઊલ ઉતારતી વખતે ચીરીઓ એટલી ઊંડે સુધી ખોસે કે જાણે છેક જઠર સુધી ઊલ ઉતારવાની ના હોય..! પાછા ઉધરસ અને ઉબકા એવા ભરે કે જાણે હમણાં જ આંતરડાં બહાર આવી જશે. એવા સમયે આપણે ચા-પાણી કરતા હોઈએ તો એ સાંભળીને આપણને પણ ઉબકા આવી જાય. મારા મહોલ્લાના ચૂંગાની રીત જરા જુદી હતી. એ દાતણ આખું ચાવી જતો. એક આંગળ દાતણ બાકી રહે પછી ઘસ્યું ના ઘસ્યું કરતોક ને મોં ઉપર પાણી છાંટીને સીધો જ ચા ની તપેલી ઉપર રેડ પાડતો.

મોંઢું ધોવાની સ્ટાઇલ પણ બધાની અલગ અલગ હોય. કેટલાક સામાન્ય રીતે જ મોંઢું ધોઈ લે. પરંતુ કેટલાક તો બાર મહિનાથી અવાવરૂ પડેલું ધૂમાડિયું સાફ કરતા હોય એટલું ઘસીઘસીને મોંઢું ઉટકે. દાતણ કર્યા પછી મોંઢું રાતુંચોળ કરી દીધું હોય. આંખો પણ જાણે અંદર કૂચડો ફેરવીને સાફ કરી હોય એમ લોહીના ટશીયા ફૂટે એવી કરી નાંખે. ઘણા તો એવા કરકસરીયા કે એક જ કળશિયા પાણીમાં તો મોં, હાથપગ ધોઈને કટીસ્નાન પણ ત્યાં જ પતાવી લે. વળી એમાંથીયે થોડું પાણી ઉગ્યા વગરના સૂર્યદેવને પણ ચડાવે.

આમ છતાં સવારના પહોરમાં ગામડામાં દાતણ કરવાનું જે સોહામણું દ્રશ્ય ઊભું થતું એની તો વાત જ શું કરવી. ક્યાંક “રામ રામ, રાધેશ્યામ” તો ક્યાંક “દાતણ કર્યોં પાપ નાઠોં” જેવી ઉક્તિઓ બોલાતી હોય. ક્યાંક દાતણ કરતાં કરતાં મનોમન દિવસભરનું આયોજન ઘડાતું હોય. તો વળી ક્યાંક ચા ની તલબ દાતણ કરવાની ઉતાવળ કરાવતી હોય. ક્યાંક પ્રભાતફેરીના ઘંટનો અવાજ રણકતો હોય. આમ જાણે કે ગામડાની સવાર પથારીમાંથી બેઠી થઈને ક્રિયાશીલ થઈ ઉઠી હોય એવું દ્રશ્ય લાગે.

ગામડામાં દાતણ સહેલાઈથી મળી રહે. મારા વતન કુણઘેરમાં તો દેશી બાવળનું આખું જંગલ હતું. (હતું એટલા માટે કે હવે એ જંગલમાં ગાંડા બાવળ ખૂબ જ વધી ગયા છે.) ગામના તળાવનો જ એક ભાગ આ જંગલથી છવાયેલો રહેતો. નાનપણમાં અમને દાતણ લેવા જવાનો જબરો શોખ. ઘરમાં સ્ટોક હોય તોપણ ભાઈબંધો સાથે દાતણ પાડવા જવાની મજા પડતી.

જંગલમાં ગમે ત્યાં ઘૂસો, જોઈએ એટલાં દાતણ મળી જ રહેતાં. પગમાં ચંપલ પણ ન હોય, બૂઠું ધારીયું કે દાતરડું કે છરી જે મળે એ લઈને પહોંચી જતા જંગલમાં. બધા જ ભેળા સહિયારાં દાતણ પાડે. એક જણ બાવળ ઉપરથી લાંબી લાબી પાતળી સોટીઓ પાડે. નીચે એક જણ ભેગી કરીને ચપ્પાથી કાંટા, પત્તાં વગેરેને સાફ કરી દે. વાંકીચૂંકી સોટીઓને હાથથી સીધી કરીને દેવાની. પછી કોઈ જાડું થડ હોય એનો આધાર લઈને સોટીઓને વેંત વેંતના માપમાં કાપી દેતા. ત્યારબાદ જેટલા ભાઈબંધો હોય એટલા ભાગમાં સરખા વહેંચી લેતા. આમ મારા ગામમાં દરરોજ તાજાં દાતણ મળી રહેતાં.

કેટલાકને લીમડાનાં દાતણ પસંદ આવતાં. તો લીમડાનો પણ તોટો નહોતો. કેટલાક વળી વડ કે કણજાનું દાતણ પણ કરતા.

ત્યારબાદ હીરાઘસુઓએ અને કેટલાક સુધરેલા નોકરીઆતોએ ટુથબ્રશનો ચીલો ચાતર્યો. વેકેશનમાં ગામડે આવે એટલે એક તો મોડા ઊઠે. પછી બ્રશ, પેસ્ટ, ઊલિયું હાથમાં પકડીને લુંગી પહેરીને આંટા મારે. હવે એમ લાગે કે મૂરત બરાબર છે પછી ટૂથબ્રશમાં પેસ્ટ લગાવીને ઘસવા મંડી પડે. મોંઢું આખું ફીણ ફીણ કરી નાંખે. આ જોઈને જૂનવાણી માણસોને ચીતરી ચડતી. ઘણાને તો ઉબકા પણ આવી જતા. ” આ શું ગંધવેડો મુઢામોં ભરી રાખવો ગમે સે.. દીહવાળી મેલ તારા બરશ ને.. મને તો જોઈને જ ઉલટી વળે એવું થાય સે.. હાક્ થૂઉઉ..” એવું કહીને ઘરનાં કોઈક વડીલ વઢતા પણ ખરા. પરંતુ આ સુધરેલા માણસોને આ બધું જોઈને જાણે વાઘ માર્યો હોય એવો ગર્વ થતો. પછી તો સમય જતાં આ બ્રશવાળી બલાએ ઘેર ઘેર અડ્ડો જમાવી દીધો.

મિત્રો, આપણા વડવાઓ કેટલા સમજદાર હતા..! દાતણથી થતા લાભથી તેઓ કેટલા વાકેફ હતા…! દાતણ ચાવવું પડે. જેનાથી આપણા દાંતને કસરત મળતી. પરિણામે દાંત મજબૂત બનતા. દાતણ ચાવવાથી વનસ્પતિનો રસ મોંઢામાં રહેલા બેક્ટેરિયા અને રોગનાં જીવાણુંઓનો નાશ કરતો. તેથી દાત સડવાની સંભવનાઓ પણ નહીંવત્ રહેતી. દાતણનો કૂચો ઘસવાથી પેઢાંને મસાજ મળતી. પરિણામે પેઢાં પણ મજબૂત બનતાં. તેથી જ તો આપણા વડવાઓના દાત 80 વર્ષેય અડીખમ રહેતા. દાંત અડીખમ હોય એટલે ખોરાક પણ ચાવીને લેવાતો. તેથી જ તો એ લોકો ઘડપણમાંયે કેટલા તંદુરસ્ત રહી શકતા હતા..!વળી દાતણ એ સહેલાઈથી જમીનમાં ભળી જનારી વસ્તુ. એટલે પ્લાસ્ટિકની જેમ એ ક્યાંય નડતરરૂપ નહોતું થતું. આજે વિજ્ઞાન અને ડોક્ટરોએ આ વાતને સાબિત કરી બતાવી ત્યારે આપણે એનું મહત્વ સમજી શક્યા છીએ. અને પાછો ફરીથી “દાતણ ટ્રેન્ડ” શરૂ થવા લાગ્યો છે.

આપણો આયુર્વેદ પણ કહે છે કે આખી રાત સૂઈ રહેવાથી મોંઢામાં કફ ભેગો થાય છે. એને દૂર કરવા માટે દાતણ કરવું જોઈએ. દાતણ કરવાથી પાયોરિયા જેવા રોગ પણ દૂર રહે છે. બોરડીના દાતણથી ગળું અને અવાજ સુમધુર બને છે. લીમડાનું દાતણ માત્ર દાંત જ સાફ નથી કરતું પરંતુ નિયમિત એના ઉપયોગથી ચહેરા પર ચમક આવે છે. બાવળના દાતણથી દાંત તો ચમકીલા થાય જ છે, સાથે સાથે બૌદ્ધિક ક્ષમતા અને યાદશક્તિમાં પણ વધારો થાય છે. દાતણ હમેશાં થોડા ઉબકા આવે એ રીતે કરવું જોઈએ. જેનાથી પાચનતંત્ર સતેજ બને છે. પેટ બરાબર સાફ થવાથી અનેક રોગોથી બચાવ થાય છે.

આપણાં ધાર્મિક શાસ્ત્રોની દ્રષ્ટિએ પણ દાતણનું અનેરૂં મહત્વ છે. ઉપવાસ માટે દાતણ શ્રેષ્ઠ છે. કારણ કે દાતણ દરરોજ નવું જ ઉપયોગમાં લેવાય છે. તેથી તે એંઠું હોતું નથી. જ્યારે ટુથબ્રશ આપણે રોજ બદલતા નથી. ભલે ગમે તેટલું ધોઈને રાખીએ પણ તે એંઠું જ ગણાય.

પહેલાંના સમયમાં શહેરમાં દાતણનું પણ બજાર ભરાતું હતું. પાટણમાં હિગળાચાચરમાં રોજ સાંજે દાતણ વેચવાવાળા બેસતા. હવે આ ધંધામાં કોઈને રસ રહ્યો નથી. તેથી દાતણબજાર પણ અલોપ થઈ ગયું છે. અમેરિકા જેવા દેશમાં દાતણ ખૂબ ઊંચી કિંમતે વેચાય છે. આપણે મૂર્ખાઓ અમેરિકા માને એ વાતને જ માનવા તૈયાર થઈ જઈએ છીએ. પરંતુ આ તો આપણો અમૂલ્ય વારસો છે એ વાતને તો ભૂલી જ ગયા છીએ.

વર્ષો પહેલાં આ દાતણ ઉપરથી એક ગુજરાતી ફિલ્મ પણ બની હતી. “રૂપલી દાતણવાળી”. ખૂબ જ સુંદર ફિલ્મ હતી.

આપણાં ગીતો, ભજનોમાં પણ “દાતણ”નો ઉલ્લેખ જોવા મળે છે. જેમ કે- “મેં તો દાતણ કરીને વડ રોપિયો..” તથા દેવતાઓને રીઝવવાના થાળમાં પણ “જળ રે જમનાજીની ઝારી ભરી લાવું.. દાતણ ડોળવા વહેલા પધારો રે..” જેવી પંકિતઓમાં દાતણનું મહત્વ જોઈ શકાય છે.

મિત્રો, પરિવર્તનનો આટલો પવન ફૂંકાયો હોવા છતાં ધન્ય છે મારૂં વતન કુણઘેર કે જ્યાં દાતણની પરંપરા હજી જળવાઈ રહી છે. મોટાભાગના પરિવારોમાં હજી પણ ક્યાંક દાતણનો ઉપયોગ થાય છે. વતનમાં જવાનું થાય તો હું પણ એનો લાભ અચૂક લઉં છું. આજે પણ બાવળના એ જંગલ તરફ નજર જાય ત્યારે બાળપણની જેમ દાતણ લેવા દોડી જવાનું મન થાય છે. પરંતુ એ ભેરૂબંધોની ટોળકી અને એ બેફિકરાપણું હવે ક્યાં..? આમ છતાં વતન તો વતન જ છે.. કોટિ કોટિ વંદન વતન તને.

લખનાર – – દિનેશ સી.  પ્રજાપતિ, i love my Village, Kungher..

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: