ત્રાજવું (છૂંદણું)

સાત આઠ દાયકા પહેલાની સીધી સાદી છૂંદણુ નામે ઓળખાતી શરીર પર ચિત્રાંકનની કલા આજે ટેટુ ( tattoo ) ના નામથી યુવાનોમાં લોકપ્રિય બની છે. ગામડે ગામડે ફરતા તેના ખાસ કારીગરો ખાસ કરીને સ્ત્રીઓને આ છૂંદણું તેઓના શરીર પર છૂંદી આપે અથવા ચિત્રણ કરી આપે તેવું મેં ચાર દાયકાઓ પહેલા પણ જોયું છે. ગ્રામ્ય કે શહેરી વિસ્તારોમાં ખાસ તો જ્યારે મેળો હોય ત્યારે આવા કારીગરો હાજર જ હોય અને અત્યંત કષ્ટદાયક હોવા છતાં પણ સ્ત્રીઓની કતાર લાગી હોય છૂંદણું છૂંદવવા! કેટલાક અન્ય પ્રચલિત નામે તેની ઓળખ ” ત્રોફણું ” પણ હતી. ત્રોફાવવુ કે ત્રોફવુ એટલે જ છૂંદણું છૂંદવવું. આ કારીગરીનો ઇતિહાસ ઇ.સ પૂર્વેનો છે. અનેક પ્રકારના હેતુઓથી આ કલા વ્યવહારમાં હતી. થોડા વર્ષો પહેલા એક સમયગાળો એવો પણ આવ્યો કે આવું છૂંદાવવું તે જુનવાણી હોવાની નિશાની ગણાતી હતી, પણ હિન્દી – અંગ્રેજી ચલચિત્રોના અભિનેતાઓએ તેનો આજની યુવા પેઢીમાં રોમાંચ ઉભો કર્યો છે અને શેરી શેરીએ ફરતા કારીગરોની કારીગરી નવા નામે , નવા સ્વરૂપે , નવી સાધન સામગ્રીથી , નવા કારીગરો દ્વારા કરવામાં આવી રહી છે.

” છૂંદણું – સંસ્કૃત શબ્દ છે; ક્ષોદનક – છૂંદવાની ક્રિયા.

ત્રાજવું, ટોચણું, શરીર પર છૂંદીને પાડેલું ટપકું, ચાઠું કે આકૃતિ. સ્ત્રીના થાનનું દૂધ અથવા તાંદળજાની ભાજીનો રસ તથા કાજળ ભેગા કરીને તેનું ચામડી ઉપર ટપકું કરીને તે ટપકાને સોયની અણીએ ટોચ્યા કરી અને પછી લોહી નીકળે ત્યારે તેના પર હળદર ને મેશ દાબવાથી પડતો ડાઘ. પ્રશાંત મહાસાગરમાં આવેલા બેટો ઉપર વસતા જંગલી લોકો આખા શરીરે છૂંદણા છૂંદાવે છે. સૈનિક, મેર, આહીર, રબારી, કાઠી વગેરે લોક હાથ ઉપર ચિત્ર, નામ, વગેરેના છૂંદણાના આકાર પડાવે છે. સ્ત્રીઓ ગાલે , બે ભમરો વચ્ચે અને હડપચીએ છૂંદણા પડાવે છે. કેવળ શરીર શણગારવાને માટે ફૂલ , પાંદડી કે પક્ષીના આકારો છૂંદાવવા પૂરતો જ શોખ ન હતો પણ ઈશ્વર અથવા ઇષ્ટદેવ કે દેવીના નામો અને આકૃતિઓ જેવા કે રાધા-કૃષ્ણના મહોરા છૂંદાવવા સુધીનો ધર્મભાવ પણ તેમાં હતો. ” બીજા એક શબ્દ તરીકે છૂંદણી નો ઉલ્લેખ છે અને તે મુજબ ” તે છૂંદણા પાડવાની રીત. છૂંદવુ તે, છૂંદવાની ક્રિયા, છૂંદીને પાડેલ ભાત, એવો અર્થ છે. ગુજરાતી વિશ્વકોશમાં દર્શાવ્યા મુજબ; ” લગભગ કાયમી રીતે રહે તે રીતે શરીર ઉપર છૂંદીને પાડેલું અલંકારરૂપ ટપકું , ભાત કે આકૃતિ; અણીવાળી સળી, હાડકું કે સોયનો તેમાં વપરાશ થાય છે. ”

બીજો પ્રચલિત શબ્દ ત્રોફાવવું છે. ત્રોફણ એટલે છૂંદણું, ત્રાજવું; ત્રોફવાની ક્રિયા; સારડી- ગીરમીટ. ત્રોફણી એટલે ત્રોફવાનું સાધન. ત્રોફામણ એટલે ત્રોફવા માટે પૈસા દેવા તે; અને, ત્રોફવાની મજૂરી.

મૂળતો આ છૂંદણા કલા અને વિજ્ઞાનનો સમન્વય સૌંદર્યના નિખાર હેતુથી થયો છે. અહીં ચિત્રકલાનો સમાવેશ પ્રાથમિક છે. વિજ્ઞાન છે ત્યાં તેની સ્યાહીની બનાવટ છે કે જે એક વાર શરીર પર લાગ્યા પછી આજીવન રહી જાય છે! જાપાનમાં આ કળાને ” હોરીનોમો ” કહેવાય છે જ્યાં હોરીનો અર્થ કોતરવું અને મોનોનો અર્થ છે વસ્તુ, અર્થાત ચિત્રકલા! કોતરણીની કલા! આ પ્રથા ભારત સહિત વિશ્વની પ્રાચીન સંસ્કૃતિ ધરાવતા અનેક દેશોમાં જોવા મળી હતી. એક અંદાજ મુજબ આ કલા બાર હજાર વર્ષ જૂની છે. ઈજીપ્ત અને લિબિયામાંથી મળી આવેલા પ્રાચીન શબો પર આવા છૂંદણા જોવા મળ્યા છે. દક્ષિણ આફ્રિકામાંથી મળેલા શબો પર પણ છૂંદણા કોતરાયેલાં છે. જાણવા મળતા મુજબ ઇજિપ્તમાંથી મળી આવેલા સૌથી જુના છૂંદણામાં ત્યાંના બીજ દેવનું રૂપ જોવા મળે છે. જે ત્યાંની પૌરાણિક કથાઓ પ્રમાણે આનંદપ્રમોદનો દેવ હતો! આ પ્રથા યુરોપના અનેક દેશોમાં પણ સદીઓ જૂની છે. એશિયન દેશોમાં ચીનમાં પણ તેનું ચલણ હતું. અંગ્રેજી રજવાડાઓની મહિલા પોતાને અન્યથી જુદા પાડવા માટે આવા છૂંદણા કોતરાવતી હતી. પુરુષો રાજચિહ્નો કોતરાવતાં હતા, ખાસ કરીને સૈનિકો. સૈનિકોનો ઉત્સાહ વધારવા તેના હાથો પર તલવાર કોતરવામાં આવતી. કેટલાક ગુનેગારોની કાયમી ઓળખ અને જીવંત સજા તરીકે તેના શરીર પર એવી રીતે ઓળખ છૂંદવામાં આવતી કે તે કાયમ શરમ અનુભવે! ગુલામોને પણ આવા ચિત્રોથી ઓળખ અપાતી જેથી તે ભાગી જાય તો પણ તેની ઓળખથી માલિકો પકડી શકતા હતા ( ગુ × સ ). આ દ્રષ્ટિએ જોઈએ તો છૂંદણાનો ઇતિહાસ સારો નથી. ભારતમાં કદાચ વિદેશીઓની આવાગમનને કારણે આ પ્રથા પણ આવી હશે અને સ્થાયી બની હશે! ગુજરાતી અખબારોમાં કોઈ ખોવાયા છે તેની જાહેરાતો આવતી ત્યારે તેના હાથોમાં છૂંદવેલા છૂંદણાનો એક ખાસ ઓળખ તરીકે ઉપયોગ કરી લખાતું હતું.

ભારતના તમામ રાજ્યો કે પ્રાતોમાં છૂંદણાની પ્રથા હતી અને છે. ભાષાકીય તફાવતોને લીધે તેની ઓળખ જુદી જુદી હોય શકે છે; ઉદાહરણ તરીકે દક્ષિણ ભારતના રાજ્યોમાં તે ” પાચકુટથરાપ્પુ ” તરીકે તો ઉત્તર ભારતના રાજ્યોમાં તેની ઓળખ ” ગોડના ” તરીકેની છે. ગુજરાત અને આજુબાજુના રાજ્યોમાં તેને છૂંદણા કે ત્રોફાવવું તરીકે ઓળખાય છે. હિન્દી શબ્દ ગોડના એ આપણી ખેતીની ભાષાનો પણ શબ્દ છે. છોડ કે રોપને વારેવારે ગોડવામાં આવે છે. એક પ્રકારે ખોદવું એવો અર્થ પણ છે. ગુજરાતીમાં તેની એક ઓળખ ” ત્રાજવડા ” પણ છે. અંગ્રેજીમાં તે tattoo કે tattooing તરીકે ઓળખવામાં આવે છે.

ગુજરાતમાં કોઈ ખાસ જ્ઞાતિના લોકો આ કામગીરી સાથે જોડાયેલા હતા ( કોઈ પાસે નામનો સંદર્ભ હોય તો જણાવવા વિનંતી છે ). મોટાભાગે ગ્રામીણ મહિલાઓમાં આ છૂંદણાનું ચલણ હતું પણ એંસી નેવુંના દાયકા બાદ તે ઓછું થયું હતું જે અત્યારે નવી સદીમાં શહેરોમાં અને માત્ર યુવતીઓ જ નહીં પણ યુવાનોમાં પણ પ્રચલિત છે. આ છૂંદણા જેમ અનેક ગુજરાતી શબ્દોને ભૂલીને અંગ્રેજી શબ્દો ચલણમાં આવ્યા છે તેમ ટેટુ તરીકે હાલમાં ખૂબ પ્રચલિત છે. જુના સમયે તે માત્ર સ્ત્રીઓ અને કોઈકવાર રસિક પુરુષોપૂરતું મર્યાદિત હતું. તે કારીગરો પોતાના સાધનો અને સ્યાહી સાથે ફરતા હતા તો મેળામાં ખાસ મળી આવે. આજે પણ મેળાઓમાં આ દેશી કારીગરો હોય છે. પોતાને જે આવડે તેવું તૂટ્યું ફૂટ્યું ગુજરાતી તેઓ છૂંદી આપે છે. સ્ત્રીઓમાં તો હાથ પર, ગળા પર , હડપચી પર, ગાલ પર, બે ભ્રમર વચ્ચે , આંગળીઓમાં અને બાવડામાં અને પગના પંજામાં આ છૂંદણા છૂંદાવાય છે. જેમાં પાંદડા, મોર, પોપટ, ફૂલવેલ કે પાનવેલ, પોતાના અથવા બહેનપણીઓ નામ, પ્રેમી કે પતિના નામ, સ્વસ્તિક , ૐ, દીવડો, ત્રિશૂળ, રાધા કૃષ્ણ, ભગવાનના નામ, અટક, જય માતાજી, વિગેરે કોતરાવે છે. આ એક અસહ્ય અને કષ્ટદાયક ક્રિયા હોય છે. અત્યારે ખૂબ જ હળવા અને પીડારહિત સાધનો ઉપલબ્ધ છે પરંતુ એક સમયે તે સોય, જાડી સળીઓ કે અણીવાળા હાડકાની ધારેથી થતું હશે ત્યારે કેટલું દુઃખદાયક હશે! એક સમયે વાસણો પર લખવામાં આવતા નામ માટેનું યંત્ર જેવું સાધન આવા છૂંદણા માટે વપરાતું હતું અને કર્કશ અવાજ આવતો હતો. અત્યંત ગોરવર્ણી સ્ત્રીઓ છૂંદણા છૂંદવ્યા પછી વધુ સુંદર લાગતી હશે. આ પીડા પણ એક સ્ત્રી જ સહન કરી શકે! પોતે જ્યારે શ્રીમંત પરિવારની હોય તો તે સોનાના આભૂષણોથી શોભતી હોય છે પણ મધ્યમ વર્ગની મહિલાઓ આવા છૂંદણાઓથી મ્હોરી ઉઠતી હતી!

છૂંદણા છૂંદાવવા બાબતે ક્યાંક ધાર્મિક મતભેદો પણ છે. હિન્દૂ સમાજમાં લગભગ કોઈ પ્રતિબંધ નથી તો ઇસ્લામમાં પણ નથી. મેં અનેક ઇસ્લામધર્મીઓ પુરૂષોના હાથમાં ૭૮૬ અને બીજનો ચાંદ તથા આખો તારો કોતરેલા જોયા છે. એક સંદર્ભ એવો પણ છે કે ખ્રિસ્તી સમાજના સ્ત્રી પુરુષો છૂંદણા છૂંદાવતા નથી! શીખ ધર્મીઓ પણ તેઓનું ધાર્મિક ચિહ્નન દોરેલા જોયા છે.

વર્તમાનમાં છૂંદણા સાથે ઓળખાતો એવો ડેટુ શબ્દ પણ છે. છૂંદણા મોટાભાગે ઘાટા લીલા રંગે હોય છે અને એક વાર તે છૂંદઈ ગયા પછી તે સો ટકા જતા નથી જ! તેને કાઢવા માટે હાલમાં લેસર ટેક્નોલોજી ઉપલબ્ધ છે પણ તે ખર્ચાળ અને પીડાદાયક હોવા ઉપરાંત હાનિકારક પણ છે. કેટલાક વાયરના બ્રસ કે ચામડી બાળી નાખે તેવા જલદ પદાર્થોનો ઉપયોગ કરે છે. એના વિકલ્પે આ ડેટુ શોધાયા છે. તે માત્ર ચોવીસ કલાક રાખી શકાય છે. રંગીન હોય છે. આદ્યુનિક રંગોળીઓ હોય છે. સામાન્ય સાબુથી ધોવા માત્રથી તે નીકળી જાય છે. કોઈ ખાસ આડઅસર હોતી નથી, હા તેમાં જો નવીનતા કે વિવિધતા જોઈતી હોય તો ખર્ચ કદાચ વધુ થતો હશે! પણ સલામત છે અને પ્રસંગોપાત કરાવી શકાય છે. આ ડેટુ યુવકોમાં પણ લોકપ્રિય બન્યા છે. જો વર્તમાન સમયના છૂંદણાની વાત કરીએ તો તે રાસાયણિક સ્યાહી થી કરવામાં આવે છે તેથી તે કેન્સર જેવા રોગોને જન્માવી શકે છે. ઔદ્યોગિક વપરાશમાં કે છાપકામના રંગો વપરાતા હોવાથી તે ખરેખર હાનિકારક બની શકે છે. ભારતમાં મે ,૨૦૧૫ માં સૈન્યમાં જોડાનાર માટે છૂંદણા પ્રતિબંધિત કરતી નીતિ ઘડવામાં આવી છે. ખાસ આદિવાસી જાતિઓના યુવકો સિવાય અન્યો જોડાઈ સકતા નથી.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: