“ખાડું”

આ શબ્દ આપણા માટે નવો નથી. પરંતુ આજની પેઢીને કદાચ ખબર ના પણ હોય. આપણા ગામમાં ભેંસોના ટોળાને “ખાડું” કહવામાં આવતું. એક બીજો અર્થ એવો પણ થાય કે ભેંસો બધી ભેગી મળીને નાનકડી તલાવડી કે મોટા ખાડામાં બેસતી હોવાથી પણ કદાચ એનું નામ “ખાડું” પડ્યું હોય.

દિવસ ઉગે ને ગામના ઘરે ઘરેથી ભેંસો નીકળે. એ સમયે ભેંસો લગભગ ઘરોમાં જ બંધાતી. ઘરથી દૂર વાડામાં કે ખેતરમાં લગભગ કોઈ જ ભેંસો ના બાંધતું. રહેણાંક ની સાથે જ ઢોરઢાંખરનો પણ સમાવેશ થઈ જતો.

સવારે જેને પણ ભેંસ હોય એ લગભગ “ખાડું” માં જ મૂકી આવે. દેવાભા રબારી ગામના પાદરે વહેલા આવી ગયા હોય. દરેક મહોલ્લામાંથી ભેંસો આવી જાય એટલે દેવાભા અને બે-એક એમના સાથીઓ સાથે ભેંસોને ત્યાંથી હંકારે. ગામના તળાવમાં થઈને ટોળું જાય દેશી બાવળીયાના જંગલમાં . આ બાવળીયાનું જંગલ પણ જેવું તેવું નહોતું એની પણ અઢળક સ્મૃતિઓ હૈયામાં કંડારાયેલી પડી છે. એના વિશે કોઈકવાર વાત કરીશું .

દેશી બાવળના એ ગાઢ જંગલમાં, આજુબાજુના ગૌચરમાં જ્યાં પણ ઘાસ મળે ત્યાં ભેંસો મરજીમુજબ ચરતી. તો વળી કોઈકવાર ગોડીચાર બાજુ પણ ખાડું પ્રયાણ કરતું. ચુડેલમાતાજીની નાનકડી દેરી જ ત્યારે હતી. મોટું ગૌચર હતું, રાણવાડીયાનું તળાવ આબડખૂબડ હતું. મંદિરની સામે, જૈન દેરાસરની પાછળ એક મોટો ખાડો હતો. બાજુમાં ઉઘાડા મૂળિયાંવાળો એક લીમડો પણ હતો. આજુબાજુમાંથી ચરીને આવ્યા પછી ભેંસો એ ખાડામાં આરામ કરવા બેસતી.

લગભગ બપોરના દોઢેક વાગ્યાના સુમારે ખાડું રીટર્ન થતું. ગામના પાદર સુધી દેવાભા ભેંસોને પાછી હાંકી લાવે. અને ત્યાંથી ભેંસો પોતપોતાની મેળે સૌ-સૌના મૂળ ઠેકાણે પહોંચી જતી. આ ક્રમ દરરોજ ચાલતો. ખાડું ચરાવવાના બદલામાં ભેંસોના માલિકો નક્કી કરેલ મહેનતાણું દેવાભાને ચૂકવતા.

આ ખાડું પણ અનેક અવનવી ઘટનાઓ ઝેલતું રહેતું. ભેસો ભેગી થાય અને ઝઘડે નહીં તો જ નવાઈ. કેટલીકવાર તો ઝઘડો ખૂબ જ ભયજનક હદ સુધી પહોંચી જતો. બે ભેંસો વચ્ચે એવી જામે કે એને છૂટી પાડતાં દમ નીકળી જતો. ક્યારેક ભેસોનાં શિંગડા એકબીજામાં એવાં ફસાઈ જતાં કે કાં તો એકાદ શિંગડું કાપવું પડે, કાં તો ભેંસના બળથી એકાદીનું શિંગડું ઉખડી જાય તો જ છૂટકારો થાય. આ ઝઘડો ક્યારેક માલિકો સુધી પહોંચીને ઉગ્ર સ્વરૂપ પણ ધારણ કરતો. તો ક્યારેક ભેંસોના વાંકે દેવાભાને પણ ખરીખોટી સાંભળવી પડતી.

ચોમાસામાં તળાવ ભરાય ત્યારે અમે બધા નહાવા બહુ જતા. બપોરે ગામ આખાની ટોળકીઓ તળાવમાં ધબાકધબ કરતી હોય. બપોરે બાવળના જંગલમાંથી ખાડું પાછું ફરે ત્યારે અમે ભેંસનું પૂંછડું પકડીને પાછળ પાછળ તરતા. ભેંસોનું ઝૂંડ એકસાથે ધસી જતું હોવાથી તળાવમાં નદીની જેમ પાણીનો પ્રવાહ ધસવા લાગતો. એમાં ઘણા દૂર સુધી ઘસડાઈ પણ જતા.

આ ખાડું જ્યારે પાછું ફરવાની તૈયારી હોય ત્યારે છાણ એકઠું કરનારા પણ રાહ જોઈને તૈયાર બેઠા હોય. (આ છાણમાંથી છાણાં બનાવીને તેનો ઈંધણ તરીકે ઉપયોગ થતો.) દૂરથી ભેંસો દેખાય એટલે ટોળકી સાવધ થઈ જાય. “પેલી વાંકા શિગડાવાળી મારી, પેલી ભૂરી મારી, પેલી ખૂડી મારી… ” વગેરે નિશાનીઓ દ્વારા ભેંસો બૂક કરી દેવામાં આવતી. એટલે એ ભેસ પોદરો કરે તો જેણે બોટી હોય એ જ વ્યક્તિનો એ પોદરા ઉપર અધિકાર થાય. બીજું કોઈ ના લઈ શકે. ક્યારેક તો ભેંસ પણ જક્કીલી નીકળે. તગારું લઈને એની પાછળ છેક ઘર સુધી કોઈ જાય તોય પોદરો જ ના કરે. છેક ખિલે બંધાયા પછી જ કરે. ત્યાં પછી બૂકિંગવાળાનો અધિકાર ના ચાલે.

ક્યારેક કોઈ નવી ભેંસની ખાડું માં ભરતી થાય ત્યારે માલિક અને દેવાભા બન્નેના જીવ ઊંચા હોય. નવી ભેંસ બીજી ભેંસો સાથે સેટ ના થાય, ક્યારેક ભાગી પણ જાય, તો ક્યારેક દેવાભાની જાણબહાર જ ઘરે આવી જાય, તો વળી ક્યારેક જંગલમાં ક્યાંક એકલી જ બેસી ગઈ હોય ત્યારે પરિસ્થિતિ ભારે થઈ જતી. અન્ય ભેંસોને ઠેકાણે પાડીને પછી ગૂમ થયેલ સભ્યની શોધખોળ ચાલતી. પણ લગભગ તો ગૂમ થયેલ સભ્ય મળી જ જતો.

મિત્રો , આ “ખાડું” સાથે આવી તો અનેક બાબતો વણાયેલી છે. ભેંસોને જતી જોવી ને એ પણ એક લ્હાવો હતો. હવે તો રહેણાંકની સાથે કોઈ ઢોરઢાંખર રાખતું નથી. લગભગ તો ઢોરઢાંખર જ નીકળી જવાના આરે છે. જે કોઈ રાખે છે એ પણ કાં તો વાડામાં કે ખેતરમાં ઢાળિયું બનાવીને ઢોરની સારસંભાળ પોતે રાખે છે . એટલે જ તો આ “ખાડું” સમયની ગર્તામાં હવે અદ્રશ્ય થઈ ગયું છે. આ બાબત પણ હવે એક સપનું બનીને જ રહી જશે.

લખનાર- દિનેશ સી. પ્રજાપતિ ..

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: