“બળદગાડું”…  વિસરાતી જતી ગામડાની એક ઓળખ.

“ગામડું” શબ્દ કાને પડે અને બળદગાડું યાદ ન આવે એવું તો ક્યારેય ન બને. સીધી રીતે જ જોઈએ તો “ગામડું” શબ્દમાંથી ‘મ’ કાઢી નાંખો તો “ગાડું” જ વધે ને ! અને ગામડામાં બળદગાડા માટે માત્ર “ગાડું” જ શબ્દ વપરાય છે. એટલે જ તો ગાડું એ ગામડાની પોતીકી ઓળખ છે.

આ બળદગાડાનો ઈતિહાસ  ફંફોસવા બેસીએ તો અહીંયા એનો પાર ન આવે. પરંતુ ગામડાના આ જાજરમાન વાહનની થોડી સ્મૃતિઓને વાગોળવાનો અને માણવાનો એક પ્રયત્ન કરીએ.

બળદગાડું એટલે ખેડૂતના જીવતરનું એક અભિન્ન અંગ. ગામડાના સારા-નરસા દરેક પ્રસંગોમાં બળદગાડું કોઈને કોઈ રીતે હંમેશાં જોડાયેલું જ રહેતું. ખેતીકામની સરાજમ ભરીને લઈ જવાની હોય, પૂળાનો “ભોર” ભરીને લાવવાનો હોય, અનાજનું “બૂંગું” ભરી લાવવાનું હોય, “હાલરુ” કે “વાટી” પીલવાની હોય, બળતણ ભરી લાવવાનું હોય, વાડ કરવા માટે કાંટા કે થોરીયા ભરી લાવવના હોય, સારા-નરસા કામે બહારગામ જવાનું હોય, જાન જોતરવાની હોય, લીલો માંડવો લેવા જવાનું હોય, જમણવાર માટે પીપળાં ભરી લાવવાનાં હોય, કોઈ ફૂલેકું, વરઘોડો કે શોભાયાત્રા કાઢવાની હોય, શહેરમાં “હટાણું” કરવા જવાનું હોય, ઉનાળામાં ઉકરડાનું ખાતર ભરવાનું હોય, કોઈ બિમાર કે સુવાવડ માટે દવાખાને લઈ જવાનું હોય, અંતિમ વિધિ માટે સ્મશાનમાં લાકડાં પહોંચાડવાનાં હોય, વગેરે જેવાં અનેક કામોમાં બળદગાડું હાથવગું સાધન હતું.

મારું વતન પણ આ બધા પ્રસંગોની યાદોથી ઉભરાયેલું પડ્યું છે. ત્યારે આપણું  ગામ આધુનિકતાના રંગથી હજુ ઘણું જ દૂર હતું. બળદગાડું હોવું એ માણસ માટે માન-મોભા વાળી બાબત હતી. પોતાનું પણ એક બળદગાડું હોય એવી અેક ઈચ્છા હરકોઈ ખેડૂતના હૈયામાં રમતી. જો કે દરેકના ભાગ્યમાં બળદગાડાની માલિકી નહોતી. પરંતુ ઉપરવાળા માલિકની મહેરબાની લોકો ઉપર એટલી રહેતી કે એમને એની ખોટ ક્યારેય વર્તાતી નહોતી. કારણ કે લોકોમાં ઉદારતા, સંપ, ભાઈચારો જેવી ભાવનાઓ ઠાંસી ઠાંસીને ભરી હતી. જેને ત્યાં બળદગાડું હોય એ માલિકના કામ પૂરતું મર્યાદિત નહોતું. પાસપડોસ કે ગામના કોઈપણ માનવીના પ્રસંગ માટે નિ:સંકોચપણે એનો ઉપયોગ કરવામાં આવતો.

મિત્રો , આ બળદગાડા સાથે મારા-તમારા બાળપણની કંઈ કેટલીયે યાદો જોડાયેલી હશે. એને જરુર વાચા આપજો. બળદગાડામાં બેસવું કોને ના ગમે ? અમને પણ ગમતું. અમારા મહોલ્લા આગળ લીંમડીવાળો એક ચોક છે. ત્યાં લગભગ 20-25 બળદગાડાં “પાર્ક” કરવામાં આવતાં. અમારી ધીંગામસ્તીનું આ ફેવરિટ સ્થળ. એક ગાડામાંથી બીજા ગાડામાં ઉછળકૂદ કરતા, ધૂસરીના બન્ને છેડે બે જણા બેસીને ચીચવાની જેમ હીંચકા ખાતા, ક્યારેક “ઝાકડા”માં સંતાકૂકડી રમતા તો ક્યારેક ગાડાની પાછળના ભાગમાં બે-ત્રણ જણા સાથે બેસીને ગાડું ઉલાળતા, “મોડણ” બાંધેલી હોય તો એના ઉપર ચડીને જુદાજુદા કરતબ કરતા, ક્યારેક ધૂસરીમાથી “સમોલ” કાઢીને એની “મોય” (ગિલ્લી) બનાવતા,  ક્યારેક  રમતમાં ટાયરની હવા કાઢી નાખતા તો ક્યારેક ગાડાને ધક્કો મારીને રસ્તા પર મૂકીને ભાગી જતા.

ખેતરોમાં પાક વઢાતો હોય કે ખળું લેવાતું હોય ત્યારે સ્પેશિયલ ગાડામાં બેસવા માટે જ ત્યાં જવાનું. પાદરે કોઈ ભોર ભરેલું ગાડું નિકળે તો એના “વરેડા” પકડીને પાછળ લટકી પડવાનું. ખાલી ગાડું જતું હોય તો પાછળનાં કડાં પકડીને લટકી પડવાનું. અને જો ગાડાવાળો ગુસ્સો કરીને મારવાના ઈરાદે ગાડું ઊભું રાખે તો ત્યાંથી રફુચક્કર થઈ જવાનું. ક્યારેક પકડાઈ જઈએ તો માર પણ ખાવો પડતો. ક્યારેક ધીરે ચાલતા ગાડામાં ચડી જવાની સફળતા મળતી ત્યારે “હેકુટ” ખાવાનો અનેરો આનંદ મળતો. પરંતુ ક્યારેક  મશ્કરીયો ગાડાવાળો ગાડું ભગાડી મૂકે ત્યારે બીકના માર્યા ચાલુ ગાડામાંથી ભૂસકો મારવાની પણ નોબત આવતી. એવા સમયે રેતાળ રસ્તાનો લાગ જોઈને ગાડામાંથી કૂદી પડતા, અને ગતિને કારણે રેતીમાં ત્રણ-ચાર ગલોટિયાં પણ ખાઈ જતા. ઊભા થઈએ ત્યારે ખબર પડતી કે કેટલી ધૂળ ખવાઈ ગઈ, મોંઢું, કાન, નાક, કપડાં માથું બધું જ ધૂળ ધૂળ થઈ ગયું હોય. આમ છતાં ગાડામાં બેસવાના “ઓરતા”માં જરાયે ઘટાડો તો ન જ થતો.

બળદગાડું તો બાળપણની રમોતોમાં પણ જોડાયેલું રહેતું. એ માટે દેશી નળિયાંની જરૂર પડતી. સીધી રીતે મળે તો બરાબર, નહીંતર ચોરી કરીને પણ નળિયાં લાવતા. (ક્યાં ચોરી કરતા એ નહી જણાવું. ?) મોટી આખી દેશી નાળને પાતળા ભાગે નીચેની બાજુ આડી મજબૂત સોટી બાંધીને ગાડું તૈયાર કરવામાં આવતું. થોડી નાની બે નાળોને કાણાં પાડીને તેમાં દોરી બાંધીને બળદ બનાવવામાં આવતા. સાવ નાની નાળ હોય તો એને “રેલ્લો” કહેતા. આમ આ બળદગાડાથી રમવાની ખૂબ જ મજા પડતી.

બળદગાડું ખેડૂતની એક શાન હતી. ગાડાની સંભાળ પણ રાખવામાં આવતી. ચોમાસામાં ઉપયોગ ના હોય ત્યારે આખા ગાડાને એરંડીયા તેલનું પોતું મારીને ઉલાળેલી અવસ્થામાં રાખવામાં આવતું. જેથી વરસાદનું પાણી નીતરી જાય. ધૂસરી છોડી નાંખવામાં આવતી જેથી દોરડું કહોવાઈ ના જાય. જેને ઢાળિયાની વ્યવસ્થા હોય તો આખું ગાડું જ એમાં પાર્ક કરી દેવામાં આવતું. બળદની પણ ભારે ચાકરી કરવામાં આવતી. ઊંચી જાતના ખડતલ અને મજબૂત બાંધાના બળદ રાખવાનો પણ કેટલાકને શોખ હતો. બળદનું માન પણ ઘરના એક સભ્ય જેવું હોતું.

બળદગાડાનું “ડ્રાઈવિંગ” કરવું એ જેવું તેવું કામ નથી. ગાડીને તો આપણે મરજી મુજબ ચલાવી શકીએ, પરંતુ અહીં તો બે જીવંત ધોરીડાને એકસાથે ચલાવવાના. ગાડું ચલાવનાર અને બે ધોરીડા આ ત્રણેયનાં મન એક થાય ત્યારે ગાડું સીધી રીતે ચાલે. ક્યારે બળદોને ધીરે ચલાવવા , ક્યારે દોડાવવા , ક્યારે બ્રેક મારવી, સાંકડા રસ્તામાં ગાડું કેવી રીતે ચલાવવું, સાઈડ કેવી રીતે આપવી વગેરે બાબતોને હસ્તગત કરવા માટે ભારે માનસિક મથામણ કરવી પડતી.

શુભ પ્રસંગોએ બળદગાડાનું માન ખૂબ જ વધી જતું. ગાડું અને બળદને સુંદર રીતે શણગારવામાં આવતાં. (ફોટામાં છે તેમ) ખાસ તો આપણા ગામમાં જગજનની માઁ બહુચરના “હાથિયા” માં બળદગાડાનો ઠાઠ જોવા જેવો હોય છે.

મિત્રો, આધુનિકતાનો વાયરો ચોમેર ફૂંકાઈ રહ્યો છે. આપણું વતન કુણઘેર પણ એમાંથી બાકાત નથી. બળદગાડું હવે સમયની ગર્તામાં અદ્રશ્ય થતું જાય છે. ભવિષ્યમાં બળદની ડોકના ઘૂઘરા ક્યારેય સાંભળવા નહીં મળે. એના માટે ઘણાં બધાં પરિબળો જવાબદાર છે. પરંતુ ગામડાની આ ઓળખ એક દિવસ માત્ર યાદોમાં જ રહી જવાની એ નકકી જ છે. આધુનિકતાના રંગે રંગાયેલા આપણે બધા કદાચ એના દર્દથી પરિચિત નથી, પરંતુ ગામડામાં જાઓ ત્યારે પાકટ વયે પહોંચેલા કોઈ ભાભલાને જરૂર પૂછજો કે બળદગાડાનો ખાલીપો શું હોય છે.

મિત્રો , આપણી પેઢીને આ બાબતથી પરિચિત કરાવજો.  કારણ કે હવે પછી એ સમય ક્યારેય આવવાનો નથી. આપણા વતનની આ સ્મૃતિઓને હમેશાં હૈયામાં ભરી રાખજો. ગાડું એકવાર અદ્રશ્ય થયા પછી ક્યારેય પાછું નહીં આવે એ પણ નક્કી જ છે. પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: